મેં તો જોયા પણ ખરા અને એ ટ્રાય પણ કર્યા. વાત છે ચેન્નઈના સીનાભાઈ ટિફિન સેન્ટરની
સંજય ગરોડિયા
આજે આપણે વાત કરવાની છે સાઉથ ઇન્ડિયન વરાઇટીની પણ ટેન્શન નહીં કરતા, આ વખતે આપણે વાત કરવાના છીએ સાઉથના સ્ટ્રીટ-ફૂડની. બન્યું એવું કે હું હમણાં ફરી વાર ચેન્નઈ જઈ આવ્યો. આ વખતે હું ગયો હતો ફિલ્મના કામસર. થોડા વખત પહેલાં નાટક માટે હું ગયો હતો ત્યારે તમને મેં ત્યાંની રેસ્ટોરાંના ફૂડનો આસ્વાદ કરાવ્યો એટલે આ વખતે મારા મનમાં હતું કે બનશે તો હું તમને આ વખતે સ્ટ્રીટ-ફૂડની મજા કરાવીશ.
લોકલ કૉન્ટૅક્ટ અને ગૂગલબાબાની સાથે વાત કરીને મેં તો નક્કી કર્યું કે આપણે જવું સીનાભાઈ ટિફિન સેન્ટરમાં. આવું નામ વાંચીને તમને એમ થાય કે ત્યાં કદાચ થાળી મળતી હશે; પણ ના, એવું નથી. આ સીનાભાઈને ત્યાં માત્ર બે જ આઇટમ મળે. એ આઇટમો કઈ-કઈ એની વાત કરતાં પહેલાં તમને હું સીનાભાઈ ટિફિન સેન્ટરનું ઍડ્રેસ સમજાવી દઉં. ચેન્નઈમાં નેતાજી સુભાષ ચંદ્ર બોઝ રોડ છે, જેને એ લોકો શૉર્ટમાં NSC બોઝ રોડ પણ કહે છે. આ રોડ પર સોકાર્પેટ છે. આપણે મુંબઈમાં કેવું ઝવેરી બજાર છે એવી જ બજાર અને એ માર્કેટમાં પણ સોનીઓની જ દુકાન. ખૂબ ભરચક એરિયા. ગિરદી કહે મારું કામ. એવી ભીડ હોય કે તમારે ચાલવું ન પડે, પાછળવાળો તમને ધક્કા મારી-મારીને આગળ ધકેલ્યા કરે. આ સોકાર્પેટમાં ખજાનચી જ્વેલરીની સામે આ સીનાભાઈ ટિફિન સેન્ટર છે. સાવ નાનકડી જૂની દુકાન.
ADVERTISEMENT
સીનાભાઈને ત્યાં બટન પોડી ઇડલી મળે અને ઘી પોડી ઉત્તપા મળે. બસ, આ બે જ વરાઇટી અને એ પછી પણ એ ભાઈ એક સેકન્ડ પણ નવરા ન પડે. મેં તો જઈને પહેલાં મંગાવી બટન પોડી ઇડલી. બીજે બધી જગ્યાએ ઇડલી પર ઘી નાખે, પણ અહીં બટન સાઇઝની ઇડલીને ઘીમાં નાખે અને પછી એને બહાર કાઢી પોડી પાઉડર ઉપર રગદોળી નાખે અને પછી તમને આપે. ઘીમાં ઝબોળી હોવાને લીધે ઇડલીની રગરગમાં ઘી પહોંચી ગયું હોય અને પછી એ જે ખાવાની મજા આવે... સાહેબ, અદ્ભુત. કેટલીક વરાઇટી કૉમ્બિનેશનમાં જ મજા આપતી હોય છે. પોડી પાઉડર અને ઘીમાં ડુબાડેલી ગરમાગરમ ઇડલીનું કૉમ્બિનેશન પણ એવું જ છે.
ઇડલીનો આસ્વાદ માણ્યા પછી મેં તો તરત મગાવ્યો ઉત્તપા. આ જે ઉત્તપા હતો એ ગોળ નહીં, લંબચોરસ હતો. હા, લંબચોરસ. સીનાભાઈને ત્યાં એક મોટો લંબચોરસ તવો હતો, એના પર એકસાથે ખીરું પાથરી દીધું હોય અને પછી એના લંબચોરસ ટુકડા કરીને તમને આપતા જાય. છ ઇંચ બાય ચાર ઇંચનો એક ઉત્તપા હોય. પહેલાં એના પર કાંદા નાખે, પછી એના પર પોડી પાઉડર નાખે અને એના પછી એના પર પેટ ભરીને ઘી નાખી એ તમને આપવામાં આવે. તવા પરથી સીધા જ પ્લેટમાં આવેલા એ ઉત્તપા સાથે તમને બે ચટણી આપે. એક સાઉથની પૉપ્યુલર પેલી કોપરાની ચટણી અને બીજી કોથમીર-મરચાંની ચટણી. મિત્રો, આ જે ગ્રીન ચટણી છે એ આપણે પણ બનાવીએ છીએ, પણ સાઉથમાં એમાં આદું ભરપૂર માત્રામાં નાખવામાં આવે છે, જેને લીધે સ્વાદ સાવ જુદો જ લાગે. કોપરાની ચટણી વાંચીને તમને એમ થાય કે એ પણ હવે આપણે ત્યાં મળે જ છેને? પણ ના; તામિલનાડુ, કેરલા, આંધ્ર જેવા સાઉથના સ્ટેટમાં મળતી કોપરાની ચટણી જેવી અદ્ભુત ચટણી બીજે ક્યાંય નથી મળતી. એ ચટણી ખાતી વખતે રીતસર તમારા મોઢામાં કોપરામાંથી છૂટેલા તેલનો સ્વાદ પણ તમને આવે.
સાઉથ જો ફરવા જતા હો તો એક બીજી પણ વાત કહું.
અહીં થતાં લાલ નારિયેળ એક વાર પીજો. હું ચેન્નઈ જાઉં ત્યારે એ લાલ નારિયેળ અચૂક પીઉં. તમને એમ જ લાગે કે તમે સાકરનું પાણી પીઓ છો. એટલાં મીઠાં અને એની મલાઈ, એ પણ એટલી જ મીઠી. નારિયેળ પણ પીજો અને સીનાભાઈને ત્યાં જઈને આ બે આઇટમ પણ ટ્રાય કરજો. મજો પડી જશે.

