શાકભાજીના પકવવાની રીત જો બરાબર ન હોય તો શાકભાજીનું પૂરું પોષણ નાશ પામે છે. અને શરીરને કશું પોષણ મળતું નથી.
પ્રતીકાત્મક તસવીર
શાકભાજીને આપણે હંમેશાં હેલ્ધી માનતા આવ્યા છીએ. પરંતુ આ શાકભાજી આપણે કઈ રીતે પકવીએ છીએ એ ખૂબ જ મહત્ત્વનું છે. શાકભાજીના પકવવાની રીત જો બરાબર ન હોય તો શાકભાજીનું પૂરું પોષણ નાશ પામે છે. અને શરીરને કશું પોષણ મળતું નથી.
શાકભાજીને કાપવા માટે હંમેશાં સ્ટેનલેસ સ્ટીલનું ચાકુ-છરી જ વાપરવાં. વળી સાવ શાકના સાવ ઝીણા ટુકડા કરવા નહીં. ટુકડા બને તેટલા મોટા રાખવા. શાકને જેટલું કાપીએ એટલું એ હવામાં ઉઘાડું રહે છે અને એની સપાટી ખુલ્લી બને છે. સપાટી ખુલ્લી થવાથી ઑક્સિડેશનની પ્રક્રિયા ખૂબ જ જલદી થાય છે. આમ પોષક તત્ત્વો નાશ પામવાનું પ્રમાણ વધી જાય છે. જ્યારે પણ શાકભાજી પકવો ગૅસ હંમેશાં ધીમો જ રાખવો. ધીમા તાપે શાક ચડશે તો એનાં પોષક તત્ત્વો અકબંધ રહેશે. જ્યારે પણ માક્રોવેવમાં શાક બનાવો એનું તાપમાન ૨૫૦ ડિગ્રીથી વધુ ન રાખો. ભલે એને સમય લાગે. વળી વચ્ચે-વચ્ચે કાઢીને એને હલાવો અને પછી પાછું મૂકો. આ રીતે નુકસાન ઓછું થશે. કોઈ પણ ખાદ્યપદાર્થમાં આપણે જ્યારે સોડા નાખીએ છીએ ત્યારે એની ન્યુટ્રિશનલ વૅલ્યુ ઘણી ઓછી થઈ જાય છે. એનો રંગ આપણે બચાવી લઈએ છીએ પરંતુ પોષક તત્ત્વો નાશ પામે છે. એટલે સોડા ન નાખવો. એના કરતાં આવા શાકને પ્રેશર કુકરમાં નાખીને એક સીટી વગાડી લેવી જોઈએ. એનાથી ખોરાકને પકવવાનો સમય પણ બચે છે અને સોડા નાખવાની જરૂર રહેતી નથી.
ADVERTISEMENT
શાકભાજી બજારમાંથી લાવો ત્યારે પહેલાં એને વ્યવસ્થિત ધોઈ, સૂકવી અને ફ્રિજમાં કપડાની કે જાળીવાળી થેલીમાં જ સ્ટોર કરવાં. પ્લાસ્ટિકની થેલીઓ ન વાપરવી. ઘણા લોકો પાણી ભરેલી તપેલીમાં શાક સુધારે છે. એનાથી ઘણાં મિનરલ્સ પાણીમાં જતાં ઓગળી જાય છે. રીંગણા જેવાં શાક જે સુધારતાં જ કાળાં પડી જાય છે એના માટે પાણી વાપરી શકાય બાકી પાણી વાપરવું નહીં. સૂકાં શાક બનાવતી વખતે કે ભાજી વઘારતી વખતે એમાં બિલકુલ પાણી ન નાખો. ઊલટું એને ઢાંકીને બનાવો ત્યારે ઢાંકણની અંદર પાણી ભરો જેથી વરાળમાં એ વ્યવસ્થિત બફાઈ જશે. જ્યારે એ પૂરાં પાકી જાય પછી જો એને રસરસતું બનાવવું હોય તો પાણી નાખી શકાય. જ્યારે પ્રેશરકુકરમાં બટાટા, વટાણા, ગાજર વગેરે બાફવા મૂકો ત્યારે એમાં જે પાણી નાખ્યું હોય એ પાણી ક્યારેય ફેંકી ન દો, કારણ કે એમાં ઘણાં પોષક તત્ત્વો હોય છે.

