આપણા બધાનું ધ્યાન જીન્સના જમણી બાજુના ખિસ્સા પર બનેલા એક નાના ખિસ્સા પર ગયું જ હશે. આપણે ઘણી વાર વિચાર પણ કર્યો હશે કે આનો ઉપયોગ શું છે? આજના જમાનામાં ભલે આપણે એનો કોઈ ખાસ ઉપયોગ ન કરતા હોઈએ, પણ એક જમાનામાં એ બહુ કામની વસ્તુ હતી
પ્રતીકાત્મક તસવીર
આજના ફાસ્ટ ફૉર્વર્ડ જમાનામાં નવી-નવી વસ્તુઓ આવતી જાય એમ જૂની વસ્તુઓ આઉટડેટેડ થતી જાય. એમ છતાં અમુક વસ્તુઓ એવી હોય છે જે હંમેશાં એવરગ્રીન રહે છે એટલે કે વર્ષો પછી પણ એ લોકો દ્વારા ઉપયોગમાં લેવાતી હોય છે. આવી જ એક વસ્તુ એટલે જીન્સ. આમ તો જીન્સનો આવિષ્કાર ઓગણીસમી સદીમાં થયેલો, પણ એકવીસમી સદીમાંય એ એટલાં જ પૉપ્યુલર છે. જીન્સની પૉપ્યુલરિટી જળવાઈ રહેવાનું કારણ એ છે કે એ પહેરવામાં આરામદાયક, દરેક પ્રસંગે પહેરી શકાય એવાં અને ટકાઉ હોય છે. આજકાલ તો જમાનાના હિસાબે વિવિધ સ્ટાઇલનાં જીન્સ માર્કેટમાં અવેલેબલ છે. એવામાં શું તમે ક્યારેય વિચાર્યું છે કે જીન્સમાં આગળના ભાગમાં જે સાવ નાનું ખિસ્સું હોય છે એ શું કામ હોય છે? એ ફક્ત ફૅશન માટે છે કે એનો ઉપયોગ પણ કરવાનો હોય છે? એનો જવાબ જાણવા માટે આપણે ઇતિહાસમાં ડોકિયું કરવું પડશે. આજે આપણા માટે ભલે એ ખિસ્સું નકામું હોય, પણ ઓગણીસમી સદીમાં એ ખૂબ કામની વસ્તુ હતી.
વાત જાણે એમ છે કે ઓગણીસમી સદીમાં જીન્સ બનાવવાની શરૂઆત થઈ હતી. શરૂઆતમાં જીન્સને મજૂરવર્ગના લોકો પહેરતા હતા. ખાસ કરીને ખાણમાં કામ કરતા મજૂરો માટે જ જીન્સનો આવિષ્કાર કરવામાં આવ્યો હતો. મજૂરોને મહેનતનું કામ કરવાનું હોય એટલે એવું થતું કે અવારનવાર ઘસાઈને કપડું ફાટી જતું. આ સમસ્યાના ઉકેલ તરીકે જીન્સ બનાવવાની શરૂઆત થઈ. જીન્સનું જે ડેનિમ કપડું હોય એ મજબૂત અને ટકાઉ હોય. વળી એ જલદીથી ગંદું પણ ન થાય એટલે દરરોજ ધોવાની જરૂર પણ ન પડે. એ જમાનામાં સમય જોવા માટે જે ઘડિયાળ આવતી એ પટ્ટા વગરની આવતી. એટલે એને કાંડા પર પહેરી ન શકાય. એટલે કાઉબૉય અને ખાણમાં કામ કરતા મજૂરો સમય જોઈને વૉચને સુરિક્ષત મૂકી શકે અને એ પડી ન જાય એ માટે ખાસ એક વૉચ-પૉકેટ ડિઝાઇન કરવામાં આવ્યું હતું. લિવાઇ સ્ટ્રૉસ કંપનીએ ૧૮૭૩માં જીન્સ પર આ નાનું ખિસ્સું બનાવવાની શરૂઆત કરી હતી. જીન્સના પૉકેટ પર કૉર્નરના ભાગે એક નાના બટન જેવું પણ હોય છે. આ બટનને આજે એક ફૅશન તરીકે જોવામાં આવે છે, પણ એ સમયે ખિસ્સાને મજબૂતી આપવા માટે એ લગાવવામાં આવતું હતું.

