૨૦૨૩ની ૪ જાન્યુઆરીએ મુંબઈ પોલીસનું ઐતિહાસિક પદ તૈયાર કરીને દેવેન ભારતીને સ્પેશ્યલ કમિશનરની જવાબદારી સોંપવામાં આવી હતી
નાયગાંવ પોલીસ ગ્રાઉન્ડમાં વિવેક ફણસળકર માટે ફેરવેલ પરેડ યોજવામાં આવી હતી.
મુંબઈના પોલીસ-કમિશનર વિવેક ફણસળકર ગઈ કાલે નિવૃત્ત થતાં રાજ્ય સરકારના ગૃહવિભાગ દ્વારા ૧૯૯૪ના બૅચના સિનિયર ઇન્ડિયન પોલીસ સર્વિસ (IPS) ઑફિસર દેવેન ભારતીને મુંબઈના પોલીસ-કમિશનર તરીકે નિયુક્ત કરવામાં આવ્યા હતા. છેલ્લા બે મહિનાથી મુંબઈના પોલીસ-કમિશનર કોણ હશે એ વિશે ચર્ચાઓ ચાલી રહી હતી. એમાં સિનિયર IPS ઑફિસર સદાનંદ દાતે, સંજયકુમાર વર્મા, રિતેશ કુમાર અને અર્ચના ત્યાગીનાં નામોની ચર્ચા થઈ રહી હતી ત્યારે છેલ્લાં બે વર્ષથી મુંબઈ પોલીસના સ્પેશ્યલ કમિશનરની કમાન સંભાળતા દેવેન ભારતીનું નામ ફાઇનલ થતાં ચર્ચાઓમાં વિરામ આવ્યો છે.
ગઈ કાલે વિવેક ફણસળકર પાસેથી પદભાર સંભાળતા દેવેન ભારતી. તસવીર : સૈયદ સમીર અબેદી
ADVERTISEMENT
IPS અધિકારી દેવેન ભારતીએ મહારાષ્ટ્ર પોલીસનાં વિવિધ પદોની જવાબદારી સંભાળી છે. તેમણે મુંબઈ પોલીસમાં લાંબા સમય સુધી જૉઇન્ટ પોલીસ-કમિશનર (કાયદો અને વ્યવસ્થા)નું પદ સંભાળ્યું હતું. ૨૦૨૩ની ૪ જાન્યુઆરીએ મુંબઈ પોલીસનું ઐતિહાસિક પદ તૈયાર કરીને દેવેન ભારતીને સ્પેશ્યલ કમિશનરની જવાબદારી સોંપવામાં આવી હતી. એમાં દરેક વિસ્તારના અસિસ્ટન્ટ પોલીસ-કમિશનર (ACP) પાસેથી રિપોર્ટ લઈ, આ રિપોર્ટ સ્ટડી કરીને આગળ મુખ્ય કમિશનર પાસે રજૂ કરવાની જવાબદારી આપવામાં આવી હતી. દેવેન ભારતીની પોલીસદળમાં કડક અધિકારી તરીકેની ઓળખ છે. દેવેન ભારતીએ ૨૬-૧૧ના મુંબઈ આતંકવાદી હુમલા તેમ જ ‘મિડ-ડે’ના પત્રકાર જે ડેની હત્યા સહિતના અનેક હાઈ-પ્રોફાઇલ કેસોની તપાસ કરી છે. તેમણે મહારાષ્ટ્રમાં આતંકવાદી સંગઠન ઇન્ડિયન મુજાહિદ્દીન સામે કડક કાર્યવાહી કરીને એની કમર તોડી નાખવાનું કામ પણ કર્યું હતું.
મુખ્ય પ્રધાન દેવેન્દ્ર ફડણવીસની નજીકના
દેવેન્દ્ર ફડણવીસ જે કાર્યકાળમાં મુખ્ય પ્રધાન હતા ત્યારે દેવેન ભારતીએ મુંબઈ પોલીસમાં જૉઇન્ટ કમિશનર (કાયદો અને વ્યવસ્થા) અને ATS ચીફ જેવા મહત્ત્વપૂર્ણ હોદ્દાઓ પર સેવા આપી હતી. જોકે મહા વિકાસ આઘાડી સત્તામાં આવ્યા પછી દેવેન ભારતીને ટ્રાફિક વિભાગમાં જૉઇન્ટ કમિશનર તરીકે નિયુક્ત કરવામાં આવ્યા હતા. ત્યાર બાદ તેમને મહારાષ્ટ્ર રાજ્ય સુરક્ષા મહામંડળમાં ઍડિશનલ પોલીસ મહાનિર્દેશક તરીકે નિયુક્ત કરવામાં આવ્યા હતા. દરમ્યાન, સત્તામાં પરિવર્તન થતાં દિલ્હીની જેમ મુંબઈમાં પણ સ્પેશ્યલ પોલીસ-કમિશનરનું પદ બનાવવામાં આવ્યું હતું અને એમાં દેવેન ભારતીને સ્પેશ્યલ પોલીસ-કમિશનરની જવાબદારી આપવામાં આવી હતી.


