લૉન્ગ ઇઅર-રિંગ્સનો ટ્રેન્ડ છે ત્યારે કઈ રીતે આ ઍક્સેસરી તમારા લુકને એન્હૅન્સ કરે છે એ જાણીએ. એની સાથે લૉન્ગ ઇઅર-રિંગ્સમાં કેવા પ્રકારનાં ઇઅર-રિંગ્સનું ચલણ છે એ જાણીએ
સોનાલી બેન્દ્રે
થોડા સમય પહેલાં બૉલીવુડની અભિનેત્રી સોનાલી બેન્દ્રેએ પેસ્ટલ યલો કલરની સાડી સાથે ઑક્સિડાઇઝ્ડ ઇઅર-રિંગ્સ પહેર્યાં હતાં. સિમ્પલ સાડી અને સ્લીવલેસ બ્લાઉઝ સાથે તેનાં લૉન્ગ ઑક્સિડાઇઝ્ડ ઇઅર-રિંગ્સ આકર્ષણનું કેન્દ્ર બન્યાં હતાં. તેણે પહેરેલાં લાંબાં ટ્રેડિશનલ ઇઅર-રિંગ્સ તેના લુકને રૉયલ અને કમ્પ્લિટ બનાવતાં હતાં ત્યારે ફૅશનમાંથી ક્યારેય આઉટડેટેડ ન થતાં લૉન્ગ ઇઅર-રિંગ્સ અત્યારે સ્ટેટમેન્ટ ઍક્સેસરી બની ગયાં છે. એ ફક્ત એક આભૂષણ નહીં પણ આખા લુકને ડિફાઇન કરનારું સ્ટાઇલ-પીસ બની ગયું છે.
ચાંદબાલી ઇઅર-રિંગ્સ
ADVERTISEMENT

અર્ધચંદ્રાકારમાં બનેલાં ચાંદબાલી ઇઅર-રિંગ્સ રૉયલ અને ટ્રેડિશનલ લુક આપે છે. આમ તો એ કુંદન, મોતી અને ઑક્સિડાઇઝ્ડ ડિઝાઇનમાં આવે છે, પણ કુંદનનાં ઇઅર-રિંગ્સનો ચાર્મ અલગ જ છે. ફેસ્ટિવલ્સમાં સાડી, અનારકલી, લેહંગા અને શરારા જેવા એથ્નિકવેઅર પર પહેરવાથી તમારી સુંદરતામાં ચાર ચાંદ લાગી જશે.
ચેઇન-ડ્રૉપ ઇઅર-રિંગ્સ

નાના સ્ટડમાંથી નીચે ચેઇન લટકતી હોય એને ચેઇન-ડ્રૉપ ટસલ ઇઅર-રિંગ્સ કહેવાય છે. પર્લ અને સ્ટોનની પૅટર્નમાં આવાં ઇઅર-રિંગ્સ સૉફ્ટ લુક આપશે. ગાઉન અને ફૉર્મલ ડ્રેસ પર આ ટસલ ઇઅર-રિંગ્સ પર્ફેક્ટ મૅચ લાગશે.
કાશ્મીરી દેઝૂર

કાનથી ખભા સુધી અથવા એના કરતાં પણ નીચે આવે એટલાં લાંબાં ચેઇન જેવાં ઇઅર-રિંગ્સને કાશ્મીરી દેઝૂર કહેવાય છે. આ પરંપરાગત ઇઅર-રિંગ્સ હવે કાશ્મીર સુધી સીમિત ન રહીને નૅશનલ ટ્રેન્ડ બની ગયાં છે. હવે એમાં અંગૂર, સફરજન, બુલબુલ, મોર અને પાનની ડિઝાઇનવાળાં ઇઅર-રિંગ્સ બહુ વાઇરલ થઈ રહ્યાં છે. દેઝૂર સાથે ઘણા લોકો નાની ઘૂઘરીવાળી કાનચેઇન પહેરે છે. આ પ્રકારે ઇઅર-રિંગ્સ પહેરો અને કોઈ હેરસ્ટાઇલ ન કરો તો પણ ચાલે. આઉટિફટ એકદમ સિમ્પલ હોય તો ગળામાં પણ કંઈ ન પહેરીને આ કાશ્મીરી દેઝૂર પહેરશો તો તમારા લુકને ચાર ચાંદ લાગી જશે.
ટસલ ઇઅર-રિંગ્સ

ટસલ ઇઅર-રિંગ્સ તમારા લુકમાં એક પ્રકારનો ડ્રામા ઍડ કરે છે. ઇઅર-રિંગ્સના અંતમાં લટકતા ધાગાને ટસલ કહેવાય છે. એ ઇયર-રિંગ્સ અલગ-અલગ કલર્સ અને મલ્ટિ-કલર્સમાં ઉપલબ્ધ હોય છે. આવાં ઇઅર-રિંગ્સ વેસ્ટર્ન ડ્રેસ, જમ્પ-સૂટ, ફ્યુઝનવેઅરમાં પહેરી શકાય છે. કૅઝ્યુઅલ પાર્ટીમાં પણ પહેરીને જશો તો એ સારાં જ લાગશે.
સ્ટાઇલિંગ ટિપ્સ
જો તમારા કાનની બૂટ નાજુક હોય તો ઑક્સિડાઇઝ્ડ, પર્લ ચેઇન-ડ્રૉપ અને ટસલ ઇઅર-રિંગ્સ જેવાં લાઇટવેઇટ ઇઅર-રિંગ્સ પસંદ કરો અને વજનદાર ઇઅર-રિંગ્સ પહેરો ત્યારે ઇઅર-ચેઇન કે હુક્સનો ઉપયોગ કરવો જેથી કાનને તકલીફ ન થાય. કાશ્મીરી દેઝૂર એથ્નિકવેઅર પર વધુ સારાં લાગશે. એમાં લો બન કે સ્લીક બ્રેઇડમાં દેઝૂર ફુલ્લી વિઝિબલ દેખાશે અને તમારા ટ્રેડિશનલ લુકને એન્હૅન્સ કરશે.
લાંબા ઇઅર-રિંગ્સ ત્યારે જ પહેરવાં જ્યારે તમારું આઉટફિટ સિમ્પલ હોય. સાડી અને બ્લાઉઝ પણ એકદમ પ્લેન અથવા મિનિમલિસ્ટ ડિઝાઇનવાળાં હોય ત્યારે સૉફ્ટ મેકઅપ સાથે ઍક્સેસરીઝમાં ફક્ત લૉન્ગ ઇઅર-રિંગ્સ પહેરશો તો પણ ચાલશે.
હેરસ્ટાઇલમાં સ્લીક લો બન અથવા ઓપન હેરમાં લૂઝ વેવ્ઝ સારાં લાગશે.


