ઘરને રૉયલ બનાવવું એ માત્ર ખર્ચાળ વસ્તુઓ ખરીદવા વિશે નથી પરંતુ સાચી વસ્તુઓની સાચી પસંદગી વિશે છે. પડદાની લંબાઈ, કુશનનું ફૅબ્રિક અને રગની ડિઝાઇન પર થોડું ધ્યાન આપીને તમે તમારા સાધારણ લિવિંગરૂમને પણ રાજમહેલ જેવો ભવ્ય અને આકર્ષક લુક આપી શકો છો
પડદા, કુશન-કવર અને રગ્સની મદદથી ઘરને આપો રૉયલ લુક
દરેક વ્યક્તિ ઇચ્છે છે કે તેનું ઘર આકર્ષક, સુંદર અને રૉયલ દેખાય; પરંતુ ઘરને રૉયલ લુક આપવા માટે હંમેશાં મોંઘા ફર્નિચર કે રિનોવેશનની જરૂર નથી હોતી. માત્ર યોગ્ય સૉફ્ટ ફર્નિશિંગ્સ જેમ કે પડદા, કુશન-કવર અને રગ્સની પસંદગી કરીને તમે તમારા ઘરના લુકને સંપૂર્ણપણે બદલી શકો છો.
રૉયલ લુક મેળવવા માટેની ટિપ્સ
ADVERTISEMENT
કલર કો-ઑર્ડિનેશન :
પડદા, કુશન અને રગ ત્રણેયનો રંગ એકબીજા સાથે મેળ ખાતો હોવો જોઈએ. ઉદાહરણ તરીકે જો રગમાં થોડો ગોલ્ડન અને બ્લુ શેડ હોય તો પડદા ડીપ બ્લુ અને કુશન ગોલ્ડન બ્લુ મિક્સ રાખી શકાય.
મેટાલિક ટચ :
કુશનની બૉર્ડર કે પડદાની ડિઝાઇનમાં ગોલ્ડન, બ્રાસ કે કૉપર ટચ ઉમેરવાથી શાહી વાતાવરણ ઊભું થાય છે.
લાઇટિંગનું મહત્ત્વ :
આ તમામ સૉફ્ટ ફર્નિશિંગ્સ પર વૉર્મ લાઇટ અથવા ઝુમ્મરનો પ્રકાશ પડે ત્યારે એની રૉયલ્ટી બમણી થઈ જાય છે.
૧. પડદા
પડદા માત્ર સૂર્યપ્રકાશ કે પ્રાઇવસી માટે નથી. એ રૂમની ઊંચાઈ અને રૉયલ્ટી દર્શાવવામાં મહત્ત્વનો ભાગ ભજવે છે.
ફૅબ્રિકની પસંદગી :
રૉયલ લુક માટે રિચ અને હેવી ફૅબ્રિક પસંદ કરો. વેલ્વેટ, સિલ્ક, બ્રોકેડ અને જૅક્વાર્ડ ફૅબ્રિક્સ શાહી દેખાવ આપે છે. જો તમે હળવો લુક ઇચ્છતા હો તો શિયર પડદા સાથે હેવી વેલ્વેટ પડદાનું લેયરિંગ કરી શકો છો.
લંબાઈ અને પ્લેસમેન્ટ :
પડદા હંમેશાં સીલિંગની નજીકથી શરૂ કરીને નીચે ફ્લોરને અડકે ત્યાં સુધીના રાખવા જોઈએ. પડદા જમીન પર બે-ત્રણ ઇંચ પાથરેલા રહે તો એ વધુ રૉયલ અને ભવ્ય લાગે છે.
કલર પેલેટ :
રૉયલ કલર્સ જેમ કે એમરલ્ડ ગ્રીન, રૉયલ બ્લુ, વાઇન રેડ, ડીપ મરૂન, ગોલ્ડન અને શૅમ્પેન જેવા રંગ પસંદ કરો.
ઍક્સેસરીઝ :
પડદાને સુંદર લુક આપવા માટે એને બાંધવા માટે રેશમી ફૂમતાં, પિત્તળનાં હોલ્ડર અથવા ડિઝાઇનર દોરીનો ઉપયોગ કરી શકો છો.
૨. કુશન-કવર
સોફા કે બેડ પર રાખેલા કુશન માત્ર આરામ માટે નથી. એ ઘરના લુકમાં કલર અને રૉયલ્ટી ઉમેરવાનું સરળ સાધન છે.
ટેક્સ્ચરનું મિશ્રણ :
બધાં કુશન-કવર એક જ જેવા રાખવાને બદલે અલગ-અલગ ટેક્સ્ચર ભેગાં કરો. જેમ કે બે પ્લેન વેલ્વેટ કવર સાથે એક ગોલ્ડન એમ્બ્રૉઇડરીવાળું અને એક સિલ્ક કવર સાથે રાખો.
એમ્બ્રૉઇડરી અને વર્ક :
રૉયલ લુક માટે જરીવર્ક, ગોટાપટ્ટી, સીક્વન્સ, થ્રેડ એમ્બ્રૉઇડરી અને મિરરવર્ક ધરાવતાં કુશન-કવર પસંદ કરો.
કદ અને આકાર :
માત્ર ચોરસ કુશન જ નહીં, ગોળ અને લંબચોરસ કુશનનો ઉપયોગ કરીને સોફા પર રૉયલ સીટિંગ બનાવો.
ફ્રિન્જ :
જે કુશન-કવરની બૉર્ડર પર સુંદર લેસ, રેશમી ઝાલર કે ગોટાપટ્ટી લગાવેલી હોય એ વધુ ક્લાસી અને રૉયલ દેખાય છે.
૩. રગ્સ અને કાર્પેટ
ફ્લોરિંગ તમારા રૂમનો મોટો ભાગ રોકે છે. યોગ્ય રગ અથવા કાર્પેટ તમારા રૂમને એકસાથે જોડીને એક રૉયલ આધાર આપે છે.
ટ્રેડિશનલ અને પર્શિયન ડિઝાઇન :
પર્શિયન ડિઝાઇન, કાશ્મીરી સિલ્ક રગ્સ અથવા ક્લાસિક મેડાલિયન પૅટર્નવાળા રગ્સ રૉયલ ડેકોર માટે શ્રેષ્ઠ માનવામાં આવે છે.
સાઇઝની યોગ્ય પસંદગી :
રગ હંમેશાં રૂમના ફર્નિચરના કદ મુજબ હોવો જોઈએ. સોફાના આગળના બે પગ અથવા આખો સોફા રગ પર આવે એટલી સાઇઝ હોવી જરૂરી છે. નાનો રગ રૂમને અસ્તવ્યસ્ત બતાવે છે.
મટીરિયલ :
ઊન અથવા સિલ્ક બ્લેન્ડ રગ્સ લાંબા સમય સુધી ચાલે છે અને પગ નીચે સૉફ્ટ તથા રૉયલ ફીલ આપે છે.
