સવાર-સવારમાં એટલી ઠંડી લાગતી હોય કે ચાદરમાંથી બહાર નીકળવાનું મન ન થાય. એમાં પણ નાહવા માટે તો અલગથી હિંમત કરવી પડે. ઘણી વાર એવો પણ સવાલ આવે કે દરરોજ નાહવું જરૂરી છે? એકાદ દિવસ ન નાહીએ તો શું થઈ જશે? જો તમે પણ આવું વિચારતા હો તો એનો જવાબ અહીં આજે મળશે
પ્રતીકાત્મક તસવીર
સ્વાસ્થ્યની દૃષ્ટિએ ઠંડીમાં દરરોજ નાહવું જરૂરી નથી હોતું. કેટલાક લોકો માટે અઠવાડિયામાં એક દિવસ છોડીને એક દિવસ નાહવાનું વધારે ફાયદાકારક હોઈ શકે છે. ડર્મેટોલૉજિસ્ટ અનુસાર ઘણા લોકો માટે શારીરિક સ્વસ્છતા જાળવી રાખવા માટે અઠવાડિયાના ત્રણ-ચાર દિવસ નાહવું પણ પર્યાપ્ત છે.
કારણ શું?
ADVERTISEMENT
એક તો ઠંડીમાં હવા સૂકી હોય છે, જે ત્વચાનું મૉઇશ્ચર ઓછું કરી દે છે. એવામાં દરરોજ ગરમ પાણીથી નાહવાથી ત્વચાનું જે નૅચરલ અને પ્રોટેક્ટિવ ઑઇલ છે એ પણ જતું રહે છે જેથી સ્કિન વધારે ડ્રાય થઈ જાય છે. એને કારણે ખંજવાળ, બળતરા જેવી સમસ્યા થાય છે.
એ સિવાય આપણી ત્વચા પર કેટલાક ગુડ બૅક્ટેરિયા હોય છે જે હાનિકારક જર્મ્સ સામે રક્ષણ આપવાનું કામ કરે છે. રગડી-રગડીને નાહવાથી ખાસ કરીને હાર્શ સોપથી નાહવાથી આ પ્રાકૃતિક સંતુલન બગડી શકે છે અને ત્વચાની પ્રતિરક્ષા ક્ષમતાને કમજોર કરી શકે છે.
મોટા ભાગના લોકો દરરોજ નહાય છે કારણ કે એ એક સામાજિક આદત બની ચૂકી છે અને એનાથી ફ્રેશ ફીલ થાય છે. આ કોઈ સ્ટ્રિક્ટ મેડિકલ નેસેસિટી નથી. જોકે વ્યક્તિગત સ્વચ્છતા જાળવી રાખવી ખૂબ જરૂરી છે, જેથી શરીરમાંથી દુર્ગંધ ન આવે અને ત્વચા પર ગંદકી જમા ન થાય.
અઠવાડિયામાં કેટલી વાર નાહવું એ વ્યક્તિની જીવનશૈલી પર નિર્ભર કરે છે. જે લોકો શારીરિક રીતે મહેનતવાળું કામ કરતા હોય કે દરરોજ વ્યાયામ કરતા હોય તેમના માટે દરરોજ નાહવું જરૂરી છે. જેમની સ્કિન ખૂબ જ ડ્રાય અને સેન્સિટિવ હોય તેઓ વધારે ફ્રીક્વન્ટ્લી ન નાહય તો ચાલે.
વિન્ટર હાઇજીન
શિયાળામાં તમારે ફુલ બૉડી બાથ ન લેવો હોય તો તમે ચહેરો, બગલ, પ્રાઇવેટ પાર્ટ, પગને વેટ વાઇપ્સ અથવા ભીના કપડાથી સાફ કરી શકો છો.
તમે જ્યારે પણ નહાઓ ત્યારે ગરમ પાણી કરતાં નવશેકા પાણીનો ઉપયોગ કરો. એનાથી ત્વચાનું નૅચરલ ઑઇલ જળવાયેલું રહેશે.
નાહવાનો સમય સીમિત રાખો. પાંચથી દસ મિનિટથી વધારે સમય સુધી શાવર લેવાનું ટાળો.
નહાયા પછી શરીરને કોરું કરીને મૉઇશ્ચરાઇઝર લગાવવાનું રાખો.


