જોકે કૉટનનાં રંગબેરંગી કપડાંમાંથી કલર જવાની સમસ્યા ખૂબ સામાન્ય હોય છે. બીજી-ત્રીજી વાર એ કપડાં ધોઈએ ત્યારે પણ એમાંથી રંગ છૂટો પડતો રહે છે.
પ્રતીકાત્મક ફાઈલ તસવીર
ગરમીની ઋતુમાં લોકો કૉટનનાં કપડાં પહેરવાનું વધુ પસંદ કરે છે, કારણ કે એ પહેરવામાં ખૂબ આરામદાયક હોય છે અને એમાં ગરમી પણ વધુ થતી નથી. જોકે કૉટનનાં રંગબેરંગી કપડાંમાંથી કલર જવાની સમસ્યા ખૂબ સામાન્ય હોય છે. બીજી-ત્રીજી વાર એ કપડાં ધોઈએ ત્યારે પણ એમાંથી રંગ છૂટો પડતો રહે છે. એને કારણે કપડાંનો રંગ સાવ ફીકો પડી જાય છે અને એ પહેરવાલાયક રહેતાં નથી. એટલે આજે એવી અમુક ટિપ્સ જાણી લઈએ જેથી કપડાંમાંથી રંગ ક્યારેય ન જાય.
વાઇટ વિનેગરનો ઉપયોગ અનેક પ્રકારના નુસખામાં કરવામાં આવે છે. કપડાના કલરને ઝાંખો થતો બચાવવા માટે પણ વાઇટ વિનેગરનો ઉપયોગ કરી શકાય છે. એ માટે સૌથી પહેલાં અડધી બાલદી પાણી લો. એમાં એક કપ મીઠું અને બે કપ વિનેગર નાખો. આ પાણીમાં કપડાને અડધોથી એક કલાક માટે પલાળીને રાખો. એ પછી કપડાને સરખી રીતે ધોઈને સૂકવી દો.
ADVERTISEMENT
કપડાનો કલર ન જાય એ માટે તમે મીઠું અને ફટકડીની મદદથી પહેલી જ ધુલાઈમાં કપડાનો કલર ફિક્સ કરી શકો છો. અડધી બાલદી પાણીમાં ૫૦-૬૦ ગ્રામ ફટકડી નાખો. એમાં બે મુઠ્ઠી મીઠું નાખો. એમાં કપડાને ડુબાડીને રાખી દો. કપડાને ઓછામાં ઓછા બે કલાક પલળવા દો. એ પછી કપડાને સરખી રીતે ધોઈ નાખો.
વિનેગર, મીઠું, ફટકડી નૅચરલ કલર ફિક્સર તરીકે કામ કરે છે અને કપડામાંથી કલરને ફેડ થતાં બચાવે છે. એટલે ઉપર જણાવેલી ટિપ્સ અજમાવવાથી આગળ જ્યારે પણ તમે કપડાં ધોશો ત્યારે એનો રંગ નહીં નીકળે.

