Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


App banner App banner
હોમ > લાઇફસ્ટાઈલ સમાચાર > ફેશન ટિપ્સ > આર્ટિકલ્સ > હવે સાડીમાં પણ ઘૂઘરીનો ટ્રેન્ડ

હવે સાડીમાં પણ ઘૂઘરીનો ટ્રેન્ડ

Published : 18 August, 2026 05:15 PM | IST | Mumbai
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

ઘૂઘરીવાળી જ્વેલરી પહેરવાને બદલે ઘૂઘરી ટાંકેલી સાડી અત્યારે યુવતીઓની હૉટ ફેવરિટ બની રહી છે. સાંભળવા અને જોવામાં આ યુનિક સાડીની ખાસિયત અને એને સ્ટાઇલ કરવાની ગાઇડ આ રહી

હવે સાડીમાં પણ ઘૂઘરીનો ટ્રેન્ડ

હવે સાડીમાં પણ ઘૂઘરીનો ટ્રેન્ડ


અત્યાર સુધી આપણે ઝાંઝર, ઝૂમખાં, ઇઅર-રિંગ્સ, નેકલેસ કે બૅન્ગલ્સ જેવી ઍક્સેસરીઝમાં ઘૂઘરી જોતા આવ્યા છીએ; પણ શું તમે ક્યારેય વિચાર્યું છે કે આ જ રણકતી ઘૂઘરીઓ સાડીના પાલવ કે બૉર્ડર પર ટાંકવામાં આવે તો કેવો લુક આવે? આજકાલ સોશ્યલ મીડિયા પર ઘૂઘરીવાળી સાડી બહુ પૉપ્યુલર થઈ રહી છે. બનારસી સિલ્ક ફૅબ્રિકમાં ટંકાયેલી આ ઘૂઘરીવાળી સાડી યુવતીઓની હૉટ ફેવરિટ બની રહી છે. જો તમે પણ કોઈ ખાસ પ્રસંગે કંઈક હટકે અને આકર્ષક ટ્રાય કરવા માગો છો તો આ યુનિક સાડીની ખાસિયતો, ફૅબ્રિક્સ અને સ્ટાઇલિંગ-ગાઈડ લો.

આ સાડી શા માટે છે ખાસ?



ઘૂઘરીવાળી સાડીની સૌથી મોટી ખાસિયત એ છે કે એ માત્ર વિઝ્યુઅલ ફૅશન નથી પણ સાઉન્ડ ઇફેક્ટનો એક અનુભવ પણ છે. તમે જ્યારે આ સાડી પહેરીને ચાલો છો ત્યારે ઘૂઘરીઓનો ધીમો અને મીઠો રણકાર એક રૉયલ અને ક્લાસિકલ ફીલ આપે છે. સાડીમાં ચોક્કસ અંતરે ગોઠવાયેલી નાની મેટાલિક કે ગોલ્ડન ઘૂઘરીઓ સાડીના લુકને જીવંત બનાવી દે છે. આ સાડી ટ્રેડિશનલ હોવા છતાં અત્યંત મૉડર્ન લાગે છે. આ સાડી પોતે જ એટલી આંખે વળગે એવી છે કે તમારે અલગથી ભારે દાગીના પહેરવાની જરૂર જ નથી રહેતી.


કયા ફૅબ્રિક્સમાં મળશે આ સાડી?

શરૂઆતમાં આ કન્સેપ્ટ હેવી બનારસી સિલ્ક સાડીઓ પર જોવા મળ્યો હતો, પણ હવે લાઇટવેઇટ અને મૉડર્ન ટેક્સ્ચરમાં પણ ઘૂઘરીવર્ક ઉપલબ્ધ છે. સૉફ્ટ અને ટ્રાન્સપરન્ટ ઑર્ગેન્ઝા સાડીની બૉર્ડર પર ઘૂઘરી ટાંકેલી હોય ત્યારે એ અત્યંત ગ્લૅમરસ અને ટ્રેન્ડી લુક આપે છે. જો તમને ફ્લોઈ અને હળવાં કપડાં પસંદ હોય તો જ્યૉર્જેટ અને શિફૉન જેવા ફૅબ્રિક્સ પર ઘૂઘરીનો ઘેર ખૂબ જ સરસ લાગે છે. રૉયલ અને સોબર લુક ઇચ્છતી મહિલાઓ માટે ચંદેરી અને ટસર સિલ્ક જેવા ફૅબ્રિક પર બ્રૉન્ઝ અને ઍન્ટિક ઘૂઘરીવર્ક મસ્ત લાગશે. નાઇટ પાર્ટી કે રિસેપ્શન માટે શાઇની ટિશ્યુ સિલ્કની સાડી પર ઘૂઘરીનું ડીટેલિંગ વધુ આકર્ષક લાગે છે.


કેવા પ્રસંગોમાં પહેરી શકાય?

આ સાડી ખાસ કરીને ઉત્સવ અને સંગીતમય માહોલ માટે ડિઝાઇન કરવામાં આવી છે. લગ્નપ્રસંગોમાં સંગીત સેરેમની, મેંદી કે હલ્દી રસમ માટે આ એક નંબર વન ચૉઇસ છે. આ ઉપરાંત દિવાળી, ગરબા નાઇટ્સ, કે સાંસ્કૃતિક ગેટ-ટુગેધરમાં જો તમે ફૅશન આઇકન બનવા માગતા હો તો આ ઘૂઘરીવાળી સાડી અચૂક તમારો લુક એલિવેટ કરશે.

કઈ રીતે કરશો સ્ટાઇલ?

સાડીમાં ઑલરેડી ઘૂઘરીઓ હોવાથી લુક ઓવર-ધ-ટૉપ ન લાગે એ માટે સ્ટાઇલિંગમાં થોડું બૅલૅન્સ જાળવવું જરૂરી છે. એ માટે બ્લાઉઝ હંમેશાં સોબર અને મિનિમલ રાખવું. પ્લેન સિલ્ક કે રૉ-સિલ્કનું બોટ-નેક અથવા એલ્બો-લેન્ગ્થ સ્લીવ બ્લાઉઝ આ સાડી સાથે પર્ફેક્ટ જોડી બનાવે છે.
ઑક્સિડાઇઝ્ડ સિલ્વર, પોલ્કી કે ઍન્ટિક ગોલ્ડ જ્વેલરી પસંદ કરો. કાનમાં સ્ટેટમેન્ટ ઝૂમખાં અને હાથમાં એક કડું જ પૂરતું છે. ગળામાં ભારે હાર પહેરવાનું ટાળવું જેથી સાડીનો પાલવ હાઇલાઇટ થાય. આ સાડીને હંમેશાં ઓપન પલ્લુ ડ્રેપ કરવી, જેથી પાલવ પર ટાંકેલી ઘૂઘરીઓ સ્પષ્ટ દેખાય અને ચાલતી વખતે એનો રણકાર સંભળાય. ટ્રેડિશનલ પંજાબી જૂતી, મોજડી કે બ્લૉક હીલ્સ આ લુક સાથે ખૂબ સરસ મૅચ થાય છે.

Whatsapp-channel Whatsapp-channel

18 August, 2026 05:15 PM IST | Mumbai | Gujarati Mid-day Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK