Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


App banner App banner
હોમ > લાઇફસ્ટાઈલ સમાચાર > ફેશન ટિપ્સ > આર્ટિકલ્સ > મેટલ નહીં, હવે ફૅબ્રિક જ્વેલરી આપશે કન્ટેમ્પરરી લુક

મેટલ નહીં, હવે ફૅબ્રિક જ્વેલરી આપશે કન્ટેમ્પરરી લુક

Published : 18 September, 2026 01:03 PM | IST | Mumbai
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

ટ્રેડિશનલ ટેક્સટાઇલ અને મૉડર્ન ડિઝાઇનનું ફ્યુઝન ફક્ત કપડાં સુધી સીમિત ન રહેતાં હૅન્ડક્રાફ્ટેડ જ્વેલરી જેન-ઝી અને મિલેનિયલ્સ માટે અલ્ટિમેટ સ્ટાઇલ-સ્ટેટમેન્ટ બની ગઈ છે

જ્વેલરી

જ્વેલરી


આજના સમયમાં યુવતીઓ ટિપિકલ જ્વેલરીના સ્થાને કંઈક યુનિક, લાઇટવેઇટ અને આર્ટિસ્ટિક પહેરવાનું વધારે પસંદ કરી રહી છે. મેટલનાં ઇઅર-રિંગ્સ કે નેકલેસ કરતાં અજરખ, બાંધણી અને કલમકારી જેવા પરંપરાગત ફૅબ્રિકમાંથી બનતી એસ્થેટિક જ્વેલરીનો ક્રેઝ અભૂતપૂર્વ રીતે વધ્યો છે. આ જ્વેલરી માત્ર દેખાવમાં જ સુંદર નથી; એ ભારતીય ટેક્સટાઇલ, આર્ટ અને સંસ્કૃતિને પણ ખૂબ જ સહજતાથી રજૂ કરે છે.

પૉપ્યુલરિટીનું કારણ



ફૅબ્રિક જ્વેલરી મુખ્યત્વે હૅન્ડલૂમ કાપડ, વુડન-બેઝ, થ્રેડ્સ, મિરરવર્ક અને નાની જરી કે કોડીઓનો ઉપયોગ કરીને બનાવવામાં આવે છે. આજની યુવતીઓને આ પ્રકારની આર્ટિસ્ટિક જ્વેલરી પસંદ આવવા પાછળ કેટલાંક ચોક્કસ કારણો છે :


ઇકો-ફ્રેન્ડ્લી અને સસ્ટેનેબલ ફૅશન : પર્યાવરણ પ્રત્યે જાગૃત બનેલી આજની પેઢી સસ્ટેનેબલ ફૅશન તરફ વળી રહી છે. ફૅબ્રિક જ્વેલરી બનાવવા માટે ટેક્સટાઇલ વેસ્ટ અથવા નાના કાપડના ટુકડાઓને અપસાઇક્લિંગ કરવામાં આવે છે.

લાઇટવેઇટ અને કમ્ફર્ટ : મેટલનાં ભારે
ઇઅર-રિંગ્સ લાંબો સમય પહેરી રાખવાથી કાનમાં દુખાવો કે ત્વચા પર ઍલર્જી થવાની શક્યતા રહે છે. એની સામે ફૅબ્રિક જ્વેલરી અત્યંત હળવી હોય છે જેને આખો દિવસ વગર કોઈ અસ્વસ્થતાએ પહેરી શકાય છે.


વર્સેટાલિટી : આ જ્વેલરી માત્ર એથ્નિક કે ટ્રેડિશનલ કપડાં સાથે જ નહીં; વેસ્ટર્ન શર્ટ, ડેનિમ જૅકેટ કે પ્લેન કુરતી સાથે પણ ઇન્ડો-વેસ્ટર્ન લુક આપે છે.

મસ્ટ-હૅવ ફૅબ્રિક
જ્વેલરી કલેક્શન

જો તમે પણ તમારા પર્સનલ કલેક્શનને અપગ્રેડ કરવા માગો છો અને એક ક્લાસી એસ્થેટિક લુક મેળવવા માગો છો તો તમારા વૉર્ડરોબમાં આ પ્રકારની જ્વેલરી ચોક્કસપણે હોવી જોઈએ.

અજરખ કલેક્શન

ગુજરાતના કચ્છ અને સિંધ પ્રદેશની સદીઓ જૂની અજરખ આર્ટ એની નૅચરલ ડાઈ અને જિયોમેટ્રિક પૅટર્ન માટે જાણીતી છે.  ઘેરા લાલ, ઇન્ડિગો બ્લુ અને બ્લૅક શેડ ધરાવતા અજરખ કાપડના ચાંદબાલી કે સર્ક્યુલર સ્ટેટમેન્ટ સ્ટડ્સ દરેક પ્લેન આઉટફિટને રિચ લુક આપે છે. અજરખ ફૅબ્રિક મણકા અને થ્રેડવર્ક સાથે તૈયાર કરાયેલા ચોકર નેકલેસ પ્લેન ખાદી કુરતી કે કૉટન સાડી પર આકર્ષક લાગે છે.

કલમકારી સ્ટેટમેન્ટ પીસ

આંધ્ર પ્રદેશની હસ્તકળા એવી કલમકારીમાં પૌરાણિક કથાઓ, વનસ્પતિ અને મોર જેવાં કુદરતી તત્ત્વો દોરવામાં આવે છે. કલમકારી પ્રિન્ટવાળા રાઉન્ડ બોર્ડ પર બનેલી હૂપ્સ અને ડ્રેન્ગલર્સ ઇઅર-રિંગ્સમાં મોર કે કમળની ડિઝાઇન ખૂબ લોકપ્રિય છે. કલમકારી ફૅબ્રિકમાંથી બનેલા બ્રોચને તમે ફ્યુઝન જૅકેટ કે સાડીના પલ્લુ પર પિન કરી શકો છો, જે એકદમ આર્ટિસ્ટિક વાઇબ્સ આપે છે.

બાંધણી ફૅબ્રિક જ્વેલેરી

ટ્રેડિશનલ અને ફેસ્ટિવ લુક માટે બાંધણી સર્વશ્રેષ્ઠ માનવામાં આવે છે. બાંધણીના કાપડથી કવર કરેલા બોલ અને એમાં ઉમેરાયેલા ગોટા-પત્તી કે મિરરવર્કવાળાં ઝૂમખાં નવરાત્રિ કે દિવાળી જેવા તહેવારો માટે પર્ફેક્ટ ચૉઇસ છે. ફૅબ્રિક લપેટેલી બાંધણી, બંગડીઓ અને કડાં કૅઝ્યુઅલવેઅર સાથે પણ સુંદર મૅચ થાય છે.

ફૅબ્રિક જ્વેલરીને કેવી રીતે સ્ટાઇલ કરવી?
જ્વેલરી ગમે એટલી સુંદર હોય, જો એને યોગ્ય રીતે સ્ટાઇલ કરવામાં ન આવે તો એનો ઉઠાવ આવતો નથી. આ એસ્થેટિક જ્વેલરીને કૅરી કરવા માટેની કેટલીક ઉપયોગી ટિપ્સ :
 જો તમે અજરખ કે કલમકારી જેવી હેવી પ્રિન્ટેડ જ્વેલરી પહેરી રહ્યા છો તો તમારો ડ્રેસ અથવા કુરતી પ્લેન કે સૉલિડ કલરની હોવી જોઈએ. આનાથી જ્વેલરીની પ્રિન્ટ હાઇલાઇટ થશે.
 ફૅબ્રિક જ્વેલરી પોતે જ એક સ્ટેટમેન્ટ પીસ છે. જો તમે મોટાં અજરખ ઝૂમખાં કે ચાંદબાલી પહેર્યાં હોય તો ગળામાં કંઈ ન પહેરવું. ગળાને ખાલી રાખવાથી ઇઅર-રિંગ્સ પર સુંદર ફોકસ રહેશે.
 સફેદ ફૉર્મલ શર્ટ સાથે કલમકારી ચોકર નેકલેસ અથવા બ્લુ ડેનિમ જૅકેટ સાથે અજરખના સ્ટડ્સ પહેરવાથી એક પર્ફેક્ટ બોહો-ચિક લુક મળે છે.
 ફૅબ્રિક આધારિત જ્વેલરી માત્ર એક ફૅશન-ટ્રેન્ડ નથી, એ આપણી સમૃદ્ધ ભારતીય હસ્તકળાને રોજિંદા જીવનમાં વણી લેવાનો મૉડર્ન રસ્તો છે. મિનિમલ, એલિગન્ટ અને આર્ટિસ્ટિક લુક પસંદ કરતી આજની યુવતીઓ માટે આ કલેક્શન મસ્ટ-હૅવ ફૅશન ઍસેટ બની ચૂક્યું છે.

 

Whatsapp-channel Whatsapp-channel

18 September, 2026 01:03 PM IST | Mumbai | Gujarati Mid-day Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK