બ્રાઇડલ મેકઅપમાં કલર્ડ લેન્સિસ પહેરવાનો ક્રેઝ વધી રહ્યો છે એવામાં બ્રાઇડલ માટે એ જાણવું જરૂરી છે કે બ્યુટીના નામે હાઇજીન અને સેફ્ટી સાથે બાંધછોડ કરવી કેટલું ભારે પડી શકે છે
પ્રતીકાત્મક તસવીર
સોશ્યલ મીડિયા પર તમે એવા ઢગલાબંધ વિડિયો જોયા હશે જેમાં મેકઅપ આર્ટિસ્ટ તેની ક્લાયન્ટની આંખોમાં કૉન્ટૅક્ટ લેન્સિસ બેસાડતી હોય છે. જોકે ઘણી વાર રીતસરનું એમ દેખાય કે એ લોકો લેન્સને આંખોમાં બેસાડવાને બદલે એને આંખની અંદર ફોર્સફુલી નાખી રહ્યા છે. ઘણી વાર સફાઈને લઈને પણ બેદરકારી દેખાતી હોય છે. આ બધી વસ્તુને આપણે નૉર્મલ સમજીને ઇગ્નૉર કરી દઈએ છીએ, પણ એ તમારી આંખ માટે જોખમી સાબિત થઈ શકે છે.
આ વિશે એક્સપર્ટનું કહેવું છે કે આંખો કોઈ એવી વસ્તુ નથી જેને આટલી બેદરકારી સાથે સ્પર્શ કરવામાં આવે. ખાસ કરીને એ લોકો દ્વારા જે લેન્સિસ હૅન્ડલ કરવા માટે ટ્રેઇન્ડ નથી. જ્યારે કોઈ મેકઅપ આર્ટિસ્ટ હાથ ધોયા વગર લેન્સ લગાવે તો એ સીધા તમારા કૉર્નિયા પર બૅક્ટેરિયા મોકલી રહ્યા હોય છે. એક નાની ભૂલ પણ બળતરા, ખંજવાળ અથવા ગંભીર ઇન્ફેક્શનનું કારણ બની શકે છે. આપણા સમાજમાં એક કલ્ચરલ બ્લાઇન્ડ સ્પૉટ છે. લોકો કલર્ડ લેન્સિસને જ્વેલરી અથવા મેકઅપની જેમ સમજે છે જ્યારે હકીકતમાં આ એક મેડિકલ ડિવાઇસ છે. આને કૉસ્મેટિક આઇટમ સમજવાને કારણે લોકો લેન્સિસ એકબીજા સાથે શૅર કરે છે, ક્લીનિંગ સ્કિપ કરી દે છે અથવા સસ્તા અને હલકી ક્વૉલિટીના લેન્સિસ ખરીદી લે છે. કલર્ડ લેન્સિસને બ્રાઇડલ મેકઅપનો એક ભાગ માનવામાં આવે છે, પણ લોકો ભૂલી જાય છે કે એની કૅર પણ ચશ્માંના લેન્સિસ જેટલી જ જરૂરી છે. ઘણી વાર આંખમાં લાલાશ અને ડ્રાયનેસ ફક્ત શરૂઆતનાં લક્ષણ હોય છે. વાસ્તવિક જોખમ એનાથી વધુ પણ હોઈ શકે છે. જો લેન્સ ગંદા હોય તો એમાં મેકઅપના પાર્ટિકલ્સ ફસાઈ શકે છે, જે આંખમાં અલ્સર અથવા ઍલર્જિક રીઍક્શન પેદા કરી શકે છે. ક્યારેક-ક્યારેક નુકસાન ચૂપચાપ શરૂ થાય છે. ઘણી વાર બ્રાઇડ્સને એમ લાગે કે થોડું ડિસકમ્ફર્ટ છે, પણ એ અંદર વધી રહેલું ડૅમેજ પણ હોઈ શકે. અગર ઇન્ફેક્શન વધુ થઈ જાય તો એ કૉર્નિયા પર સ્કાર (નિશાન) છોડી શકે છે, જેનાથી હંમેશાં માટે ધૂંધળું દેખાવા લાગે છે.
ADVERTISEMENT
કઈ સાવધાની રાખવી?
તો શું એનો અર્થ એવો છે કે કલર્ડ લેન્સિસ યુઝ જ ન કરવા જોઈએ? ના, એવું નથી. બ્રાઇડ હોવાના નાતે નવો લુક ટ્રાય કરવાનો તમારો હક છે. કલર્ડ લેન્સિસ તમારા બ્રાઇડલ ગ્લોને નેક્સ્ટ લેવલ પર લઈ જાય છે. ફક્ત તમારે એનો ઉપયોગ કરતી વખતે કેટલીક સાવચેતી રાખવાની છે. સૌથી પહેલો અને જરૂરી નિયમ એ છે કે લેન્સિસને સ્પર્શ કરતાં પહેલાં હાથને સરખી રીતે ધોઈને ડ્રાય કરો. જો તમે તમારા લેન્સિસને બદલે મેકઅપ આર્ટિસ્ટ દ્વારા લાવવામાં આવેલા લેન્સિસનો ઉપયોગ કરી રહ્યા હો તો એને પહેરતાં પહેલાં ત્રણ વસ્તુનું ધ્યાન રાખો. લેન્સિસ સાફ છે? ચેક કરો કે લેન્સમાં તિરાડો તો નથીને? લેન્સ એક્સપાયર થયેલા નથીને? લેન્સને ફક્ત એટલી જ વાર પહેરો જેટલી વાર સજેસ્ટ કરવામાં આવ્યા હોય. લગ્નની લાંબી વિધિઓમાં એને ૧૨-૧૪ કલાકથી વધારે ન ખેંચતાં. ક્યારેય પણ લેન્સ પહેરીને શાવર લેવાનું કે સૂવાનો ટાળો. લેન્સ હંમેશાં મેકઅપ શરૂ કરતાં પહેલાં લગાવો. એવી જ રીતે મેકઅપ રિમૂવ કરતાં પહેલાં લેન્સિસને રિમૂવ કરો. લેન્સિસ કોઈ જ્વેલરી નથી એટલે એને બીજા સાથે શૅર કરવાનું ટાળો. લેન્સ પહેર્યા પછી રેડનેસ, દુખાવો થાય કે ધૂંધળું દેખાય અને ડિસકમ્ફર્ટ જેવું લાગે તો એને ઇગ્નૉર કરવાની જગ્યાએ ડૉક્ટર પાસે જાઓ.


