પ્રેમમાં કામ અને લોભ કરતાં ક્રોધ વધારે અવરોધક છે. કોધને તો માફ કરી જ ન શકાય
પ્રતીકાત્મક તસવીર (તસવીર સૌજન્યઃ એઆઇ)
પ્રેમમાં બાધા આવે અને એ બધા પ્રેમને જડમૂળથી ખતમ કરી નાખે તો આવો જોઈએ પ્રેમમાં બાધાઓ કઈ આવે.
પ્રેમમાં બાધક બને એવી બાબતોમાં સૌથી પહેલાં આવે છે ક્રોધ, જેની વાત આપણે કરી. જ્યારે પણ ક્રોધ આવે ત્યારે પ્રેમધારાનો પ્રવાહ સ્થગિત થઈ જાય છે. પ્રેમમાં કામ અને લોભ કરતાં ક્રોધ વધારે અવરોધક છે. કોધને તો માફ કરી જ ન શકાય. ક્રોધની શિલાને હટાવવી જ પડે. ત્યાર પછી જ તમારા પ્રેમનું ઝરણું વહેશે.
ADVERTISEMENT
પ્રેમ પ્રગટ ન થવાનું કારણ છે બોધ.
જ્યાં સુધી તમારી અંદર બોધ રહેલો હોય ત્યાં સુધી તમે સાચા પ્રેમી ન બની શકો. પ્રેમમાં બોધને ક્યાં સ્થાન છે? બોધ મર્યાદા શીખવશે. બોધ કહેશે નહીં, આમ રહો કે તેમ રહો અને આમ જ કરો. આ બોધ તમારી પ્રેમધારાને રોકશે. જ્યાં સુધી તમારી અંદર બોધની ભાવના હશે ત્યાં સુધી પ્રેમ થોડો રાહ જોવાનો? પ્રેમને બોધની જાણ થતી નથી. પ્રેમને કોણ સમજાવે? બોધ હોય ત્યારે જો પ્રેમની અવસ્થા હોય તો પ્રેમ પૂરેપૂરો પ્રગટ થઈ શકતો નથી. એનો અર્થ એ નથી કે સામાન્ય દશા ધરાવતો પણ માનવી પણ બોધ છોડી દે કે વિવેકનો ત્યાગ કરી દે.
એ પછીના ક્રમે આવે છે નિરોધ.
પ્રેમમાં મનના નિરોધની વાત નથી આવતી, પ્રેમમાં મનને સમર્પિત કરવાની વાત આવે છે. મનનો નિરોધ થઈ જાય તો પ્રેમ કેવી રીતે કરશો? એની આરતી કેવી રીતે ઉતારશો? કેવી રીતે તેમને પ્રેમ કરશો? તેને જોશો કેવી રીતે? મન વગર આ બધું કેવી રીતે કરશો? યોગમાં નિરોધ બરાબર છે. આ સત્યનો કોણ અસ્વીકાર કરી શકે? પ્રેમમાં નિરોધ નડતર છે. પ્રેમમાં બધાં જ બંધનો છૂટી જાય છે. નિરોધવાળી વાત પ્રેમમાં ન હોઈ શકે. તમે નિરોધ કેવી રીતે કરશો? નિરોધ કરવામાં તમે મનને રોકશો પરંતુ ભક્તિ મનને આકર્ષિત કરે છે એનું શું? કૃષ્ણ તમારા મનને મોહશે, ખેંચશે. તમે શું કરશો? જે લોકો નિરોધ કરતા હતા તેમનામાં પણ જ્યારે પ્રેમ જાગ્યો ત્યારે શું તેમનો નિરોધ રહ્યો?
એ પછી છે મળ.
પ્રેમમાં મળ શું?
કપટ મોહિ કપટ છલ છિદ્ર ન ભાવા.
કપટ જ પ્રેમનો મળ છે. કપટ પ્રેમને ડામર બનાવી દે છે. આ મળ પ્રેમમાં આપણી છબીને યોગ્ય રીતે પ્રગટ થવા નથી દેતો. બીજો કોઈ મળ નથી. કપટ એકમાત્ર અવરોધ છે અને એટલે જ ક્યારેય કપટને પ્રેમમાં ભળવા નહીં દેતા અને જો ભળે તો જાતને સમજાવી લેજો કે આ પ્રેમ નથી.
આ સિવાયની પણ બાધાઓ છે, પણ જો આ તમામ બાધાઓને પાર કરી લેવામાં આવે તો પ્રેમ એના સન્માનનીય સ્થાને બિરાજેલો રહે.


