માત્ર બાઇક-રાઇડર્સ પૂરતાં સીમિત રહેવાને બદલે બાઇકર જૅકેટ્સ અલ્ટિમેટ સ્ટાઇલ-ટ્રેન્ડ બન્યાં છે ત્યારે કેવાં જૅકેટ્સ અત્યારે ઇન-ડિમાન્ડ છે અને એને સ્ટાઇલ કેવી રીતે કરશો એ અહીં જાણી લો
મેન્સ ફૅશનમાં બાઇકર જૅકેટનું ક્લાસિક કમબૅકમેન્સ ફૅશનમાં બાઇકર જૅકેટનું ક્લાસિક કમબૅક
ફૅશન-વર્લ્ડમાં ટ્રેન્ડ્સ બદલાતા રહે છે, પરંતુ કેટલીક વસ્તુઓ એવી હોય છે જે ક્યારેય આઉટ ઑફ ફૅશન નથી થતી. આવી જ એક સદાબહાર ફૅશન-આઇટમ એટલે બાઇકર જૅકેટ. છેલ્લા થોડા સમયથી મેન્સ ફૅશનમાં બાઇકર જૅકેટ્સ ફરી એક વાર જોરદાર ટ્રેન્ડ થઈ રહ્યાં છે. માત્ર બાઇક-રાઇડર્સ પૂરતાં સીમિત રહેવાને બદલે હવે આ જૅકેટ્સ સ્ટાઇલ-સ્ટેટમેન્ટ બની ગયાં છે. રગેડ, મૅસ્ક્યુલિન અને ઇન્સ્ટન્ટ કૂલ લુક આપવાની ક્ષમતાને કારણે આજે દરેક ઉંમરના પુરુષોમાં એનો ક્રેઝ વધ્યો છે.
બાઇકર જૅકેટ એટલે?
બાઇકર જૅકેટને પફેક્ટો જૅકેટ પણ કહેવાય છે. એ મૂળભૂત રીતે ૧૯૨૦ના દાયકામાં પહેલી વાર મોટરસાઇકલ રાઇડર્સની સુરક્ષા માટે બનાવવામાં આવ્યાં હતાં. અસિમેટ્રિકલ ઝિપર લુક, પહોળા કૉલર અને બક્કલ્સ આ જૅકેટની ખાસિયત છે. સામાન્ય રીતે લેધર કે સ્વેડમાંથી આ જૅકેટ બને છે, જે ઠંડી સામે રક્ષણ આપવાની સાથે ક્લાસિક લુક આપે છે.
અત્યારે કેવાં જૅકેટ ટ્રેન્ડમાં?
ક્લાસિક લેધર જૅકેટ ક્યારેય ટ્રેન્ડની બહાર જઈ શકે નહીં. સિલ્વર ઝિપરવાળું પ્યૉર બ્લૅક લેધર જૅકેટ મોટા ભાગના પુરુષો પાસે હોય જ છે.
આ ઉપરાંત ડ્રૉપ શોલ્ડર્સ એટલે ઓવરસાઇઝ્ડ જૅકેટ પહેરવાનું વધારે પસંદ કરી રહ્યા છે. વિન્ટેજ અને લૂઝ ફિટિંગ જૅકેટ્સનો ક્રેઝ કમ્ફર્ટ અને સ્ટાઇલ બન્ને આપે છે.
જો લેધર પસંદ ન હોય તો સૉફ્ટ સ્વેડ મટીરિયલમાં ટબૅકો બ્રાઉન, ઑલિવ ગ્રીન કે ટૅન કલરનાં જૅકેટ્સ અત્યારે મૉડર્ન વાઇબ આપે છે અને જેન-ઝી આવા જૅકેટને પોતાની ડેઇલી સ્ટાઇલિંગ માટે વધુ પસંદ કરી રહી છે.
જેમાં ચેઇન કે બક્કલ્સ નથી હોતાં, માત્ર સિમ્પલ ઝિપર હોય છે એવાં મિનિમલિસ્ટિક બાઇકર જૅકેટ્સ ઑફિસના સેમી-ફૉર્મલ સેટિંગ માટે બેસ્ટ છે.
સ્ટાઇલિંગ ટિપ્સ
બાઇકર જૅકેટની સૌથી સારી વાત એ છે કે એ ખૂબ જ વર્સટાઇલ છે. મિત્રો સાથે બહાર જવાનું થાય તો એક સિમ્પલ વાઇટ કે બ્લૅક ટી-શર્ટ, બ્લુ ડેનિમ અને વાઇટ સ્નીકર્સ સાથે બ્લૅક બાઇકર જૅકેટ સ્ટાઇલ કરશો તો તમારો લુક ક્લાસિક અને ટાઇમલેસ લાગશે. આવાં જૅકેટ કૉલેજ-ગોઇંગ બૉય્ઝથી લઇને વર્કિંગ પ્રોફેશનલ્સ પહેરી શકે છે.
ક્લબિંગ કે ડેટ-નાઇટ પર જવાનું પ્લાનિંગ હોય અને થોડો શાર્પ અને ઍટ્રૅક્ટિવ લુક જોઈતો હોય તો બ્લૅક કે ચારકોલ કલરના હાઈ નેક અથવા ટર્ટલ નેક ટી-શર્ટ સાથે જૅકેટ પહેરો. નીચે બ્લૅક સ્લિમ-ફિટ જીન્સ અને સેલ્સિયા બૂટ્સ તમારા લુકને પર્ફેક્ટ બનાવશે.
સેમી-ફૉર્મલ કે ફેસ્ટિવલ લુક જોઈતો હોય તો લાઇટ કલરના કૅઝ્યુઅલ શર્ટ અને ચીનોઝ ટ્રાઉઝર સાથે બ્રાઉન જૅકેટ ક્લાસી અને મૅચ્યોર્ડ લુક આપશે. આ લુક ત્રીસથી ૪૦ વર્ષના પુરુષોની પર્સનાલિટીને રૉયલ લુક આપશે.
આ ભૂલ ન કરતા
જો જૅકેટ ખભાથી લટકતું હશે અથવા હાથની લંબાઈ કાંડાથી આગળ જતી હશે તો એ કૂલ દેખાવાને બદલે તમારા લુકને વધુ ખરાબ કરશે. ઓવરસાઇઝ્ડ જૅકેટ લેતી વખતે હાથની લંબાઈ અને કમર સુધીની હાઇટને ધ્યાનમાં રાખવી.
બાઇકર જૅકેટ પોતે જ એક હેવી સ્ટાઇલ છે. તેથી એની સાથે મોટી સોનાની ચેઇન કે ચમકતો બેલ્ટ પહેરવાનું ટાળો.
આ જૅકેટ સાથે ક્યારેય લૂઝ કાર્ગો કે બૅગી પલાઝો જેવાં જીન્સ ન પહેરો. નીચે સ્લિમ-ફિટ કે સ્ટ્રેઇટ-ફિટ જીન્સ જ બેસ્ટ લાગશે.
ADVERTISEMENT
પૉપ-કલ્ચર કનેક્શન
બાઇકર જૅકેટને દુનિયાભરમાં પૉપ્યુલર કરવામાં પૉપ-કિંગ માઇકલ જૅક્સનનો મોટો હાથ છે. ભારતમાં પણ શાહરુખ ખાનથી લઈને રણવીર સિંહ અને દિલજિત દોસાંઝ જેવા સેલેબ્સ અવારનવાર ઍરપોર્ટ લુક કે સ્ટેજ-પર્ફોર્મન્સમાં બાઇકર જૅકેટ્સમાં જોવા મળે છે.
