Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


App banner App banner
હોમ > સમાચાર > મુંબઈ સમાચાર > આર્ટિકલ્સ > મુસાફરોની ત્રણ દિવસની હાલાકીનો અંત: આજથી ફરી દોડતી થશે BEST

મુસાફરોની ત્રણ દિવસની હાલાકીનો અંત: આજથી ફરી દોડતી થશે BEST

Published : 22 June, 2026 08:56 AM | Modified : 22 June, 2026 11:20 AM | IST | Mumbai
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

ત્રીજા દિવસે પણ યથાવત્ રહેલી હડતાળ રાત્રે સાડાદસ વાગ્યે પાછી ખેંચાઈ : નાયબ મુખ્ય પ્રધાન એકનાથ શિંદે સાથે વાટાઘાટો બાદ મામલો થાળે પડ્યો

BEST યુનિયન સંયુક્ત કામગાર કૃતિ સમિતિના પ્રતિનિધિમંડળ સાથે બેઠક દરમ્યાન નાયબ મુખ્ય પ્રધાન એકનાથ શિંદે અને ટ્રાન્સપોર્ટ મિનિસ્ટર પ્રતાપ સરનાઈક.

BEST યુનિયન સંયુક્ત કામગાર કૃતિ સમિતિના પ્રતિનિધિમંડળ સાથે બેઠક દરમ્યાન નાયબ મુખ્ય પ્રધાન એકનાથ શિંદે અને ટ્રાન્સપોર્ટ મિનિસ્ટર પ્રતાપ સરનાઈક.


રવિવારે નાયબ મુખ્ય પ્રધાન એકનાથ શિંદે સાથે સંયુક્ત કામગાર કૃતિ સમિતિની બેઠક બાદ બૃહન્મુંબઈ ઇલેક્ટ્રિસિટી સપ્લાય ઍન્ડ ટ્રાન્સપોર્ટ (BEST)ની હડતાળ ત્રીજે દિવસે પાછી ખેંચાઈ હતી. જોકે આખો દિવસ લોકોને બસ વગર હાલાકી થયા બાદ રાત્રે સાડાદસ વાગ્યાની આસપાસ યુનિયનની માગણીઓ સંતોષકારક રીતે સ્વીકારાતાં હડતાળ પૂરી થયાની જાહેરાત કરવામાં આવી હતી. હડતાળ પૂરી થતાં આજથી મુંબઈના રસ્તાઓ પર ફરી BESTની બસો દોડતી થશે અને મુંબઈગરાઓને ત્રણ દિવસ ભોગવવી પડેલી હેરાનગતિનો અંત આવશે.

જોકે ગઈ કાલે  નૅશનલ એલિજિબિલિટી કમ એન્ટ્રન્સ ટેસ્ટ-અંડરગ્રૅજ્યુએટ (NEET-UG)ની પરીક્ષા હોવાથી શહેરમાં વિવિધ રૂટ પર BESTની બસોની સ્પેશ્યલ સર્વિસ રખાઈ હતી જેથી પરીક્ષા આપવા જનારા વિદ્યાર્થીઓને કોઈ સમસ્યા ન નડે. તેમની માટે ૨૪ રૂટ પર ૬૪ સ્પેશ્યલ બસે ૧૮૦ જેટલી ટ્રિપ કરી હતી. મુંબઈમાં ૬૩ એક્ઝામ સેન્ટરમાં NEET-UGની પરીક્ષા લેવામાં આવી હતી. સવારે ૯ વાગ્યાથી ૧ દરમ્યાન અને સાંજે પાંચ વાગ્યાથી ૭ વાગ્યા દરમ્યાન આ સર્વિસ શરૂ રાખવામાં આવી હતી.



ત્રણ વર્ષમાં ૫૦૦૦ ઇલેક્ટ્રિક બસ સર્વિસમાં લાવવામાં આવશે
બેઠકમાં BESTના કર્મચારીઓને આ વર્ષે તેમની બાકી રહેલી ગ્રૅજ્યુઇટી આપવા સહિતની માગણીઓ સ્વીકારાતાં હડતાળનો અંત આવ્યો હતો. આ બેઠકમાં પર્મનન્ટ કર્મચારીઓને હાલપૂરતા સમય માટે ૩૦૦૦ અને કૉન્ટ્રૅક્ટ પર રહેલા કર્મચારીઓને ૨૦૦૦ રૂપિયાના હિસાબે ગ્રૅજ્યુઇટી આપવાનું આશ્વાસન અપાયું હતું. આ ઉપરાંત આગામી ત્રણ વર્ષમાં ૫૦૦૦ ઇલેક્ટ્રિક બસ સર્વિસમાં લાવવા સહિતની ચર્ચા પર પણ ચર્ચા થઈ હતી. બાકીની માગણીઓ અંગે વધુ ચર્ચા કરવા માટે ૧૫ દિવસમાં બેઠક કરવાનું આશ્વાસન આપવામાં આવ્યું હતું.


બસો પર પથ્થરમારો કરનારા ૨૩ લોકોની ધરપકડ
હડતાળમાં અમુક કર્મચારીઓએ ભાગ ન લઈ કામ પર હાજર રહી બસ-સર્વિસ શરૂ રાખી હતી જેને પગલે બસ પર પથ્થરમારાની ઘટના શુક્રવારે બની હતી. દહીંસર, માલાડ, દાદર, ધારાવીમાં BESTની બસ પર પથ્થરમારાની ઘટના બની હતી. મો ઢાંકીને બસ પર પથ્થરમારો કરનારા ૨૩ જણની ધરપકડ કરાઈ છે તથા ૧૧ ગુના નોંધાયા છે. આ મામલે બાવીસ જણને નોટિસ પણ મોકલાવાઈ હોવાનું જાણવા મળ્યું છે. 


Whatsapp-channel Whatsapp-channel

22 June, 2026 11:20 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK