ધર્મના નામે થતા વૈભવના દેખાડા અને સંપત્તિના સંગ્રહને બદલે મંદિરો તથા ધાર્મિક ટ્રસ્ટોની સંપત્તિ શિક્ષણ, આરોગ્ય, સંશોધન અને રોજગાર જેવા સમાજના જીવતા માણસોના કલ્યાણ માટે વાપરવાની વાત લેખમાં રજૂ કરાઈ છે.
સ્વામી સચ્ચિદાનંદ (સૌજન્ય : મિડ-ડે)
તહેવારોની મોસમ ચાલે છે ત્યારે મારો પહેલો પ્રશ્ન એ છે કે ઈશ્વરને ભોગવિલાસની જરૂર છે જ નહીં. જે ઈશ્વરે આ અનંત બ્રહ્માંડનું સર્જન કર્યું છે તેને સોનાનાં સિંહાસનો, હીરાજડિત મુગટો કે છપ્પનભોગની શું જરૂર હોય? મંદિરો અને ધર્મસ્થાનો હવે શાંતિ કે આત્મસાક્ષાત્કારનાં કેન્દ્રો મટીને ભવ્યતા અને વૈભવના પ્રદર્શન માટેનાં સ્થળો બની ગયાં છે જે ખોટું છે.
દેશમાં જ્યારે લાખો ગરીબ બાળકો કુપોષણ અને ભૂખમરાથી પીડાતાં હોય ત્યારે પથ્થર કે ધાતુની મૂર્તિઓ પર હજારો લીટર દૂધ-ઘીનો અભિષેક કરવો એ પુણ્ય નથી પણ ઘોર અવિવેક અને સામાજિક ગુનો છે. એવું કહેનારા પણ અઢળક છે કે અમે દૂધ-ઘીનો અભિષેક કરીએ છીએ અને દાન પણ કરીએ છીએ. તો મારું કહેવું એ છે કે વધારે દાન કરો, પણ આ અભિષેક દ્વારા આવાં દ્રવ્યોનો બગાડ અટકાવો અને બાળકોને પોષણ આપો.
લોકોને આ દિશામાં ધકેલવાનું કામ જો કોઈએ કર્યું હોય તો ધાર્મિક વ્યાપારીકરણની નીતિએ કર્યું છે. ધર્મના નામે સામાન્ય અને ભોળા માણસને નરક, પાપ, ગ્રહદોષ અને પિતૃદોષનો ડર બતાવીને લૂંટવામાં આવે છે. પૂજા, પાઠ, વિધિ અને અનુષ્ઠાનોના ફિક્સ દર નક્કી કરીને ધર્મને એક ચોખ્ખા બિઝનેસ-મૉડલમાં ફેરવી દેવાયો છે. જેટલું મોટું દાન એટલો મોટો મોક્ષ. આ પ્રકારની માનસિકતાએ ધર્મને એક પ્રકારની લાંચ બનાવી દીધો છે, જાણે ભગવાન પણ પૈસાથી રીઝી જતા હોય. જોકે એ હળાહળ ખોટું છે. જો ભગવાન પૈસાથી રીઝતા હોત તો કૌરવો પાસે વિશાળ સેના હતી, રાજ હતું પણ ભગવાન તેમના પક્ષે જવાને બદલે પાંડવોના પક્ષે ગયા. તમે જ કહો, ઉઘાડા પગે તે દ્વારિકાનગરીના દરવાજે તાંદુલ લઈને આવેલા સુદામાને મળવા માટે કેમ ગયા?
ભગવાનને સંપત્તિ કે પૈસા સાથે કોઈ નિસબત નથી. હું તો કહીશ કે દેશનાં ધાર્મિક ટ્રસ્ટો અને તીર્થસ્થાનો પાસે જે અબજો રૂપિયાની સંપત્તિ તિજોરીઓમાં બંધ પડી છે એ દેશના વિકાસમાં કોઈ કામ આવતી નથી.
જો આ જ સંપત્તિનો ઉપયોગ ઉત્તમ સ્કૂલો, આધુનિક હૉસ્પિટલો, સંશોધનકેન્દ્રો અને રોજગાર ઊભો કરવા માટે થતો હોત તો દેશની સ્થિતિ સાવ જુદી હોત. હવે કેટલાંક ટ્રસ્ટો આવું કામ કરતાં થયા છે, પણ એમાં રૂપિયા તો બે-ચાર ટકા માંડ વપરાય છે. એવું કરવાને બદલે ભગવાનના નામે ભેગા થયેલા પૈસા સમાજના જીવતા માણસોના કલ્યાણ માટે જ વપરાવા જોઈએ. જીવતા માણસને તડપતો મૂકીને નિર્જીવ સ્મારકો બનાવવાં એ અધર્મ છે; કારણ કે જગત નિયમોથી ચાલે છે, આશીર્વાદથી નહીં અને આશીર્વાદને મોટા દેખાડવાનું કામ કરનારાઓ હકીકતમાં તો માયકાંગલી પ્રજા જન્માવે છે. બાકી સાચો ધર્મ માણસને આત્મનિર્ભર, નીડર અને કર્મશીલ બનાવે છે.
-સ્વામી સચ્ચિદાનંદ
