સાળંગપુર હનુમાન દાદાના પરમ મહિમા, આસ્થા અને ચમત્કારની દિવ્ય ગાથા મોટા પડદે જીવંત થશે; ફિલ્મનું પ્રથમ પોસ્ટર રિલીઝ
ફર્સ્લ લુક પોસ્ટર
સમગ્ર દેશમાં હાલ `રામાયણ`, `મહાકાળી` અને `જય હનુમાન` જેવી ભવ્ય ફિલ્મો સાથે પૌરાણિક અને ભક્તિરસથી ભરપૂર સિનેમાનો મોટો પ્રવાહ જોવા મળી રહ્યો છે. તાજેતરના વર્ષોમાં તેલુગુ ફિલ્મ `હનુમાન` (Hanu-Man) અને `કાંતારા` જેવી ફિલ્મોએ બોક્સ ઓફિસ પર ઈતિહાસ રચીને સાબિત કર્યું છે કે પરંપરાગત આસ્થા અને આધુનિક સિનેમેટિક વિઝનનું મિશ્રણ દર્શકોને ઘેલું લગાડે છે. ગુજરાતી દર્શકોમાં પણ ધાર્મિક અને લોકઆસ્થા સાથે જોડાયેલા વિષયો હંમેશા લોકપ્રિય રહ્યા છે.
ઢોલીવુડની જાહેરાત
ADVERTISEMENT
આ દિવ્ય માહોલ વચ્ચે હવે ઢોલીવુડ પણ એક ઐતિહાસિક સિદ્ધિ નોંધાવવા જઈ રહ્યું છે. દેશના અગ્રણી પ્રોડક્શન હાઉસ `ઝી સ્ટુડિયોઝ` અને `વામિકા ફિલ્મ્સ` દ્વારા આગામી ભક્તિપ્રધાન ગુજરાતી ફિલ્મ ‘કિંગ ઓફ સાળંગપુર’ (King of Salangpur) ની સત્તાવાર જાહેરાત કરવામાં આવી છે. મેકર્સે ફિલ્મનું પ્રથમ પોસ્ટર (First Look) રજૂ કરીને દર્શકોમાં ભારે ઉત્સુકતા જગાવી દીધી છે. ગુજરાતનું સાળંગપુર તીર્થધામ માત્ર રાજ્ય પૂરતું સીમિત ન રહેતાં વિશ્વભરના કરોડો શ્રદ્ધાળુઓ માટે પરમ આસ્થા અને ચમત્કારોનું પવિત્ર કેન્દ્ર છે. કષ્ટભંજન દેવ હનુમાનજીના અદભુત પ્રભાવ અને ભક્તો સાથેના અતૂટ સંબંધને કેન્દ્રમાં રાખીને આ વાર્તા મોટા પડદે રજૂ કરવામાં આવશે.

આધ્યાત્મિક ફિલ્મોની બોલબાલા
છેલ્લા કેટલાક સમયથી સ્થાનિક સ્તરે આધ્યાત્મિક વિષયો, ભક્તિભાવ અને લોકવાયકા આધારિત કન્ટેન્ટને દર્શકો વધાવી રહ્યા છે. ભક્તિ અને ભાવનાત્મક કથાવસ્તુ હંમેશા પારિવારિક દર્શકોને સિનેમાઘરો સુધી ખેંચી લાવવામાં સફળ રહે છે. ‘કિંગ ઓફ સાળંગપુર’ પણ આવી જ એક અનોખી અનુભૂતિ કરાવશે, જે દર્શકોને શ્રદ્ધા, સમર્પણ અને દાદાના અલૌકિક આશીર્વાદની રોમાંચક સફર પર લઈ જશે. પોતાની પ્રથમ ગુજરાતી ફિલ્મ ‘ટોમ એન્ડ ચેરી’ની શાનદાર સફળતા બાદ, ઝી સ્ટુડિયોઝ હવે પ્રાદેશિક સિનેમામાં વધુ મજબૂત પકડ જમાવવા તરફ આગળ વધી રહ્યું છે. ‘કિંગ ઓફ સાળંગપુર’ દ્વારા સ્ટુડિયો ગુજરાતી ફિલ્મ ઉદ્યોગમાં પોતાના મૂળ વધુ ઊંડા કરવા તૈયાર છે. ફિલ્મનું નિર્દેશન પ્રશાંત દેશાવલ કરી રહ્યા છે, જ્યારે ધ્રુવ દેશાવલ, અમિત સંતોકી, ચેતન ઠુમ્મર અને આનંદ અઘારા આ ફિલ્મના નિર્માતા છે. આ પ્રોજેક્ટમાં હાર્દિક ગડારા સહ-નિર્માતા (Co-Producer) અને મોહિત વઘાસિયા ક્રિએટિવ પ્રોડ્યુસર તરીકે જોડાયેલા છે.
ઝી સ્ટુડિયોઝ અને વામિકા ફિલ્મ્સના આ સંયુક્ત સાહસથી તૈયાર થઈ રહેલી ‘કિંગ ઓફ સાળંગપુર’ ગુજરાતી દર્શકો સમક્ષ ઉચ્ચ કક્ષાનું પ્રોડક્શન, અત્યાધુનિક વીએફએક્સ અને ભક્તિભાવનું અનોખું સંયોજન રજૂ કરશે, જે ગુજરાતી સિનેમામાં એક નવો માઇલસ્ટોન સાબિત થશે. તાજેતરમાં ઝી મ્યુઝીકે પણ ગુજરાતી શ્રોતાઓને ધ્યાનમાં રાખીને ગુજરાતી સંગીતની પેલેટમાં નવા રંગો ભર્યા છે. આધ્યાત્મિક ફિલ્મોની વાત કરીએ તો હનુમાન અંશ અને લાલો જેવી ફિલ્મોની સફળતાને પગલે કે પછી નરસિંહ પરની એનિમેશન ફિલ્મના લોકપ્રિયતાને પગલે આવા વિષયો પર વધુ કથાઓ સિનેમાને પડદે કહેવાઈ રહી છે.
