Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


App banner App banner
હોમ > લાઇફસ્ટાઈલ સમાચાર > સંસ્કૃતિ અને વારસો > આર્ટિકલ્સ > સંગ્રહવાળાને તો લોકો ઓળખે, જ્યારે ઉદારને લોકો ચાહતા હોય

સંગ્રહવાળાને તો લોકો ઓળખે, જ્યારે ઉદારને લોકો ચાહતા હોય

Published : 02 July, 2026 02:36 PM | Modified : 02 July, 2026 02:50 PM | IST | Mumbai
Acharya Vijay Ratnasundersurishwarji Maharaj

અર્થાત્ તમે તમારા સુખને જો વહેંચતા રહો એ જ તમારી ચાહત છે, એનું જ નામ પ્રેમ છે.

પ્રતીકાત્મક ફાઇલ તસવીર

સત્સંગ

પ્રતીકાત્મક ફાઇલ તસવીર


LIVING IS LOVING.
આ અંગ્રેજી વાક્ય એક વખત એક જગ્યાએ વાંચ્યું હતું. તમે જો કોઈકને ચાહો છો, પ્રેમ કરો છો તો જ તમે જીવતા છો, તો જ તમે હયાત છો. આ જ અંગ્રેજી વાક્ય સાથે એક બીજું પણ વાક્ય વાંચ્યું હતું.
LOVING IS SHARING.
અર્થાત્ તમે તમારા સુખને જો વહેંચતા રહો એ જ તમારી ચાહત છે, એનું જ નામ પ્રેમ છે.
આ જે વાત છે એમાં જાતને ગોઠવવાનું કામ આપણે ધારતા હોઈએ એટલું સહેલું તો નથી જ, કારણ કે મનને ખાસ તો બે જ બાબતમાં રસ છે. સ્વાર્થમાં અને સંગ્રહમાં. સ્વાર્થની પુષ્ટિ થતી હોય તો એ કાળા ચોર સાથે પણ બેસવા તૈયાર થઈ જાય છે અને સંગ્રહમાં નંબર એક પર રહેવા એ પથ્થરનું પ્રતિનિધિત્વ ધરાવવું પડે તેમ હોય તો એ માટે પણ તૈયાર થઈ જાય છે, પણ સ્વાર્થ જો તૂટતો દેખાતો અને સંગ્રહમાં જો કડાકો બોલાતો હોવાનું અનુભવાતું હોય તો વર્ષો જૂના મીઠા સંબંધો તોડી નાખવા માટે પણ એ લેશ માત્ર સંકોચ અનુભવતું નથી.
આવા સ્વાર્થ તરફ ઢળેલા અને સંગ્રહ તરફ વળેલા મનને પરમાર્થ માટે તૈયાર કરવું અને ઉદાર બનવા માટે સંમત કરવું એ સાચે જ એક જાતની તાકાત માગે છે, પરંતુ એવી તાકાત કેળવ્યા વિના જ આ જગતમાંથી વિદાય થઈ જવામાં તો ઉત્તમ એવું આ માનવજીવન હારી જવાનું દુર્ભાગ્ય લમણે ઝીંકાઈને જ રહે છે.
યાદ રાખજો સંગ્રહવાળાને તો લોકો ઓળખે જ છે જ્યારે ‘ઉદાર’ને તો લોકો ચાહતા હોય છે, સ્વાર્થીને તો લોકો જાણતા જ હોય છે, પણ ‘પરમાર્થી’ને તો લોકો વધાવતા હોય છે. આવાં પરમાર્થનાં કાર્યો કરવામાં અને ઉદાર બન્યા રહેવામાં જેને ભારે રસ હોય છે એ ક્યારેય ભુલાતો નથી. આ જ તો કારણ છે કે આજે પણ શેઠ જગડુશાની વાતો થાય છે. આ જ તો કારણ છે કે આજે પણ દાનવીર કર્ણને લોકો યાદ કરે છે અને આ જ કારણ છે કે દુર્યોધનને યાદ કરતી વખતે મોઢું કટાણું થઈ જાય છે. લઈ લેવાની માનસિકતા માણસને સંગ્રહ કરાવી દેતી હશે, પણ આપી દેવાની ભાવના, માણસના મનમાં યાદનો સંગ્રહ કરાવી જતી હોય છે. જો તમે આપવાનું સામર્થ્ય કેળવી શક્યા તો તમે ક્યારેય વીસરાશો નહીં. નક્કી તમારે કરવાનું છે, ભુલાવું છે કે ભલા થઈને કોઈના હૈયે સતત ધબકતાં રહેવું છે.


Whatsapp-channel Whatsapp-channel

02 July, 2026 02:50 PM IST | Mumbai | Acharya Vijay Ratnasundersurishwarji Maharaj

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK