સાંદીપનિ આશ્રમે, જ્યાં મહાજ્ઞાની સાંદીપનિએ હજારો ઋષિઓ, દેવો, રાજાઓ, બ્રાહ્મણો સહિત કૃષ્ણ, બલરામ અને સુદામાને પણ વિદ્યા આપી છે
સાંદીપનિ આશ્રમનું પ્રાંગણ.
મહાકાલની નગરી ઉજ્જૈનની ભૂમિમાં કંઈક તો શક્તિ છે જેના વગર સ્વયં શિવજી, માતા હરસિદ્ધિ, કાળભૈરવ, સિદ્ધવટ એક જ સ્થાન પર ન હોય. આ પૌરાણિક સ્થળો તો ખરાં જ, પણ આ ભૂમિ પર જ જગતના નાથ કાનુડાની પાઠશાળા પણ છે. ગુરુપૂર્ણિમાનો અવસર દસ્તક દઈ રહ્યો છે ત્યારે જઈએ સાંદીપનિ આશ્રમે, જ્યાં મહાજ્ઞાની સાંદીપનિએ હજારો ઋષિઓ, દેવો, રાજાઓ, બ્રાહ્મણો સહિત કૃષ્ણ, બલરામ અને સુદામાને પણ વિદ્યા આપી છે
વૈદિક સંસ્કૃતિનું આ પાસું તમે માર્ક કર્યું છે જેમાં જન્મથી અનેક વિદ્યાજ્ઞાનના ધારક ઈશ્વર અને ભગવાનના પણ ગુરુ છે. પરમાત્મા પોતે વિદ્યાપ્રાપ્તિ માટે ગુરુની પાઠશાળામાં, આશ્રમમાં ગયા છે. નહીં તો કહો કે બાલ્યવયમાં જ યશોદાને સંપૂર્ણ બ્રહ્માંડનું મુખમાં દર્શન કરાવનાર બાળકનૈયાને વેદનું જ્ઞાન મેળવવા સાંદીપનિ ઋષિ પાસે જવાની શું જરૂર? અરે, ૧૪ વર્ષની કિશોરવયે ક્રૂર કંસનો વધ કરનાર મોહનને ધનુર્વિદ્યા મેળવવા સાંદીપનિ ઋષિ પાસે જવાની શું જરૂર હતી?
ADVERTISEMENT
બલરામ, શ્રીકૃષ્ણ અને સુદામાજીની ત્રિમૂર્તિ અહીં છે.
આ જ તો સનાતન ધર્મનું સુંદર સત્ત્વ છે. વૈદિક પરંપરામાં પરમાત્મા કરતાં પણ ગુરુને ઊંચો દરજ્જો આપવામાં આવ્યો છે. એટલે જ તો કબીરે કહ્યું છે, ‘ગુરુ ગોવિંદ દોનોં ખડે, કાકે લાગૂં પાય, બલિહારી ગુરુ આપને, ગોવિંદ દિયો બતાય...’
૧૦ જુલાઈએ ગુરુપૂર્ણિમા પર્વ છે ત્યારે શ્રીકૃષ્ણની વિદ્યાભૂમિ સાંદીપનિ આશ્રમનાં દર્શનથી વિશેષ દર્શન શેનાં હોઈ શકે? લેટ્સ ગો...
સાંદીપનિ આશ્રમનો ડ્રોન વ્યુ.
પૌરાણિક કથા અનુસાર દેવ અને દાનવો વચ્ચે થયેલા સમુદ્રમંથનમાંથી નીકળેલા અમૃતનાં ચાર બિંદુઓ પૃથ્વી પર ચાર સ્થાને પડ્યાં : હરિદ્વાર, નાશિક, પ્રયાગ અને ઉજ્જૈન. એ અનુસાર અહીં પણ સિંહસ્થ કુંભમેળો યોજાય છે. વળી ઉજ્જૈન સપ્ત મોક્ષ પુરીમાંનું પણ એક નગર છે. હરિસિદ્ધ તેમ જ ગઢ કાલિકા માની શક્તિપીઠ ધારણ કરી છે તેમ જ આ રાજા ભર્તૃહરિની પણ સાધનાભૂમિ છે. વૈજ્ઞાનિક અને ઍસ્ટ્રોનૉમિકલી વાત કરીએ તો ઉજ્જૈન પૃથ્વીના ગોળા પર કેન્દ્રસ્થાને છે. આવી ભૌગોલિક સ્થિતિને કારણે આપણા ઋષિમુનિઓએ અહીંથી જ કાળગણનાની પ્રણાલી શરૂ કરી હતી જે વિદેશોએ પણ અપનાવી છે. કહેવાય છે કે જ્યોતિષશાસ્ત્રનો ઉદ્ગમ જ અહીં થયો છે અને એથીયે આગળ વધીને કહીએ તો સ્કંદપુરાણમાં ઉલ્લેખ છે કે મંગળ ગ્રહની ઉત્પત્તિ જ આ સ્થાનથી થઈ છે. પવિત્ર ક્ષિપ્રા નદીના કાંઠે વસેલા આ શહેર માટે કવિ કાલિદાસે એને પૃથ્વી પર પડી ગયેલો સ્વર્ગનો એક ભાગ કહ્યો છે. ઉજ્જૈનનું આટલું માહાત્મ્ય જાણ્યા પછી અંદાજ આવ્યોને કે આ કેટલી પાવરફુલ ભૂમિ છે? અને જગના નાથને સ્વયં ભણવા આવવું હોય તો શક્તિશાળી અને તત્ત્વશાળી જ સ્થાન જોઈએને!
કહે છે કે દ્વારિકાધીશ લગભગ ૧૬-૧૮ વર્ષની વચ્ચે અહીં આવ્યા હતા (ભગવાનની ઉંમર માટે ભિન્ન-ભિન્ન મતો છે). ગોપાલે મથુરાને અને માતા-પિતાને ક્રૂર કંસના સંકજામાંથી છોડાવ્યાં. પછી પિતા વાસુદેવને થયું કે અત્યાર સુધી દીકરાને કોઈ ગુરુ પાસે મોકલ્યો જ નથી, તે વિવિધ ક્ષેત્રોમાં પારંગત થાય એ સારુ ગુરુકુળમાં જવું જરૂરી છે. પિતાની આજ્ઞા માનીને શ્યામ અને તેમના જ્યેષ્ઠ ભ્રાતા બલરામ સાંદીપનિ ઋષિના આશ્રમે આવ્યા. હવે હતા તો તેઓ જન્મથી જ પરમ જ્ઞાની એટલે ગુરુ તેમને એક વખત શીખવતા ને બેઉ ભાઈઓને એ કળા આવડી જતી. તેઓ અહીં ૬૪ દિવસ રહીને ૧૪ શાસ્ત્ર અને ૬૪ કળાઓ શીખ્યા અને ધર્મના આચાર્યોના કહેવા મુજબ કુરુક્ષેત્રમાં કહેલી ગીતામાં યોગેશ્વરે આ જ્ઞાન આપ્યું હતું.
શ્રીકૃષ્ણ પાઠશાળા
સ્વયં વિધાતા હોવા છતાં, નંદ-વાસુદેવના પુત્ર હોવા છતાં કોઈ ગર્વ રાખ્યા વિના તેઓ ગુરુની સેવા કરતા, આશ્રમનું કામ કરતા અને પૂર્ણ સર્મપણ અને ભક્તિથી ગુરુ સાંદીપનિના આદેશનું પાલન કરતા. આ આશ્રમમાં જ તેમની બ્રહ્મપુત્ર સુદામા સાથે મિત્રતા થઈ.
lll
હાલ અવંતિકા નગરીના અંકપાત રોડ પર આવેલા સાંદીપનિ આશ્રમના મુખ્ય દ્વારથી પ્રવેશ કરતાં જ ઊર્જાકંપન મહેસૂસ થાય છે. અનેક ઘેઘૂર વૃક્ષોથી આચ્છાદિત આ વિદ્યાસ્થળમાં પ્રાચીન સર્વેશ્વર મહાદેવ બિરાજે છે તો અત્યંત પવિત્ર ગોમતી કુંડ છે. ગુરુ સાંદીપનિ તેમ જ કૃષ્ણ, બલરામ, સુદામાની મૂર્તિનું સંયુક્ત મંદિર છે ને અંકપટ, ધ્યાનસ્થળ અને અન્ય નાનાં મંદિરો પણ છે.
સૌપ્રથમ સર્વેશ્વર મહાદેવને પ્રણામ કરવા જઈએ અને એની કથા જાણીએ. કહેવાય છે કે મૂળ કાશીના અત્યંત તેજસ્વી ઋષિ સાંદીપનિ અને તેમનાં પત્ની વિચરણ કરતાં-કરતાં આ નગરીએ પધાર્યાં ત્યારે અહીં ભયંકર દુકાળ પડ્યો હતો. જનતા ત્રસ્ત હતી ત્યારે ગ્રામજનોએ સિદ્ધ ઋષિને જોયા અને એ આપદા ટાળવાની વિનંતી કરી. સાંદીપનિ મુનિ વૃક્ષની નીચે એક સ્થાન પર બીલીપત્ર મૂકી એના પર જળ ચડાવી સમાધિ લગાવીને બેસી ગયા. શિવશંભુ મહર્ષિની ભક્તિથી પ્રસન્ન થયા અને મહાકાલ સ્વરૂપે તેમની સમક્ષ પ્રગટ થયા. સાંદીપનિએ ભોલેનાથને લોકોનાં દુઃખ દૂર કરવાની વિનંતી કરી ત્યારે કૈલાસપતિએ વચન આપ્યું કે આ સ્થળ હંમેશાં નવપલ્લવિત રહેશે, અહીં ક્યારેય અકાલ નહીં પડે અને એથી જ આ સ્થાન માલવા અંચલ નામે ઓળખાશે. આટલું કહીને શંભુબાબા અંતર્ધ્યાન થઈ ગયા અને જ્યાં બીલીપત્રથી પૂજા કરાઈ હતી ત્યાં સ્વયંભૂ શિવલિંગ પ્રગટ થઈ ગયું. ત્રેતાયુગમાં બનેલી આ ઘટના બાદ આજે પણ એ શિવલિંગ અહીં સ્થાપિત છે અને સર્વેશ્વર મહાદેવના નામે ઓળખાય છે. એક કથા કહે છે કે ગુરુ સાંદીપનિનાં પત્નીએ પણ જળ ચડાવીને શિવજીને પ્રસન્ન કર્યા હતા અને ભોળેનાથે વરદાન માગવાનું કહ્યું ત્યારે ગુરુભાર્યાએ તેમના ૭ મૃત પુત્રને જીવિત કરવાનું કહ્યું. એ વખતે ખુદ પાર્વતીપતિએ સાંદીપનિને અહીં આશ્રમ સ્થાપવાનું કહીને એ પણ જણાવ્યું હતું કે દ્વાપરયુગમાં બે અત્યંત પ્રભાવી વિદ્યાર્થી તમારી પાસે જ્ઞાન મેળવવા આવશે અને તેઓ તમારા પુત્રોને પુનર્જીવિત કરશે.
શિવમંદિર.
કેદારેશ્વરનું કહેણ સાચું પડ્યું. કૃષ્ણ અને બલરામ અહીં આવ્યા અને ગુરુદક્ષિણારૂપે તેમણે ગુરુના પુત્રોને નવજીવન આપ્યું .
હવે ગોમતીકુંડની વાત કરીએ. સ્વયં રણછોડરાયે પોતાના ગુરુનાં ધાર્મિક અનુષ્ઠાનો માટે ભારતભૂમિની સમસ્ત પવિત્ર નદીઓનું જળ અહીં પ્રગટ કર્યું હતું. આજે હજારો વર્ષ બાદ પણ આ કુંડમાં જળ આવે છે અને ભક્તો એ પાવન જળનું આચમન લે છે. આશ્રમ પરિસરના મધ્યમાં ગુરુ સાંદીપનિનું મંદિર છે. એ સાથે જ કૃષ્ણ, બલરામ, સુદામાની મૂર્તિ છે. આ વિસ્તાર અંકપાટ નામે ઓળખાય છે. કહેવાય છે કનૈયો ગુરુએ શીખવેલાં વિદ્યાસૂત્રો અહીં લખતો અને પાણીથી મિટાવતો. મંદિરનો માહોલ ગુરુ-શિષ્ય વચ્ચેના પ્રેમભાવની પ્રતીતિ કરાવે છે. આશ્રમ પરિસરમાં પ્રાચીન કુંડેશ્વર મહાદેવ પણ બિરાજમાન છે. તેમની સામે અદ્વિતીય સ્ટૅન્ડિંગ નંદીબાબા છે. એક હૉલમાં મુરલીધરે મેળવેલી ૧૪ વિદ્યાઓ કલરફુલ ચિત્રોમાં આલેખાયેલી છે જે ખૂબ જ સુંદર છે તો ૬૪ કળાઓના પ્રોજેક્શન બાળકો સાથે મોટેરાંઓ માટે પણ જ્ઞાનદાયી બની રહે છે. આશ્રમ કૉમ્પ્લેક્સમાં પુષ્ટિમાર્ગના સ્થાપક વલ્લભાચાર્યજીની બેઠકજી પણ છે.
lll
મહાકાલ મંદિરથી સાંદીપનિ આશ્રમ ફક્ત સાડાત્રણ કિલોમીટરના અંતરે છે. સવારે ૯થી સાંજે સાત વાગ્યા સુધી ખુલ્લા રહેતા આ આશ્રમમાં કોઈ પણ વાહન દ્વારા પહોંચી શકાય છે. ઇન ફૅક્ટ, ઉજ્જૈનનાં પાંચ મુખ્ય દર્શનીય સ્થળના લિસ્ટમાં પણ સાંદીપનિ આશ્રમ આવે છે. પહેલી નજરે આ આશ્રમ કોઈ ટિપિકલ ધર્મસ્થળ જેવું દેખાય છે, પરંતુ જો કૃષ્ણભક્તની નજરે જોશો તો અહીંની માટીમાં, અહીંનાં વૃક્ષોની ફરતે વિદ્યા ગ્રહણ કરતો ઠાવકો કાનુડો દેખાશે.
વિક્રમાદિત્યની નગરી ઉજ્જૈન ધાર્મિક કેન્દ્ર હોવા સાથે મૉડર્ન ટાઇમ્સના મેટ્રો સિટી તરીકે ડેવલપ થઈ રહ્યું છે. મુંબઈથી તો ખરું પણ હવે દેશનાં બધાં શહેરોથી ઉજ્જૈન માટે ટ્રેનો ઉપલબ્ધ છે. બારે મહિના દર્શનાથીઓના આવાગમનથી ભર્યું-ભર્યું રહેતા ઉજ્જૈનમાં ૩૦૦થી વધુ હોટેલ, રિસૉર્ટ, ધર્મશાળા, ગેસ્ટહાઉસ, હોમસ્ટે છે. એ જ પ્રમાણે આ માલવા પ્રદેશમાં દેશ-દુનિયાના દરેક પ્રદેશનું જમણ પણ ઉપલબ્ધ છે.
ગુરુપૂર્ણિમામાં ખાસ સ્મરણ
આજે ગુરુપૂર્ણિમાએ અહીં હજારો શ્રદ્ધાળુઓ દર્શન કરવા આવે છે. એકવીસમી સદીમાં ભણવાની અલ્ટ્રા-મૉડર્ન પદ્ધતિ આવી ગઈ હોવા છતાં અષાઢી પૂર્ણિમાએ આવતી ગુરુપૂર્ણિમાનું મહત્ત્વ જરાય ઓછું નથી થયું. આજે પણ કરોડો શ્રદ્ધાળુઓ ગુરુપૂર્ણિમાના દિવસે પોતપોતાના આદ્ય ગુરુનું સ્મરણ, વંદન, પૂજન કરે છે. એ પરંપરાએ ગુરુપૂર્ણિમાના દિવસે હજારો શ્રદ્ધાળુઓ સાંદીપનિ આશ્રમમાં દર્શન કરવા આવે છે. ખાસ કરીને સ્થાનિકો તેમ જ આજુબાજુના પ્રદેશોના છાત્રો, ઉચ્ચ અભ્યાસાર્થે જતા વિદ્યાર્થીઓ શ્રીકૃષ્ણની યુનિવર્સિટીએ માથું ટેકવા આવે છે. એ જ રીતે વિદ્યારંભ કરનારાં નાનાં શિશુઓને પણ પેરન્ટ્સ અહીં લઈ આવે છે અને ગુરુ સાંદીપનિના આશીર્વાદ મેળવી, સ્લેટમાં અક્ષરો લખાવ્યા બાદ સ્કૂલમાં પ્રવેશ કરે છે.

