Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > લાઇફસ્ટાઈલ સમાચાર > સંસ્કૃતિ અને વારસો > આર્ટિકલ્સ > પહેલું નોતરું દુંદાળાદેવને....

પહેલું નોતરું દુંદાળાદેવને....

28 September, 2023 02:15 PM IST | Mumbai
Alpa Nirmal

રણથંભોરના કિલ્લામાં બિરાજમાન ત્રિનેત્ર ગણપતિને લગ્નની સીઝનમાં દરરોજની સેંકડો આમંત્રણપત્રિકા મળે છે. દેશ દુનિયામાં વસતા મોટા ભાગના રાજસ્થાનીઓ પહેલી કંકોતરી આ બાપ્પાના નામની લખે છે

ગણેશ મંદિર

તીર્થાટન

ગણેશ મંદિર


આમ તો આજે ગણરાયા પૃથ્વીલોક પરથી પ્રસ્થાન કરશે. ભાવિકો ૧૦ દિવસના ઉત્સવ બાદ એકદંતને ભાવભીની વિદાય આપશે, પરંતુ ભારતમાં કેટલાંક એવાં દેવાલયો છે જ્યાં પાર્વતીપુત્ર કાયમી વસવાટ કરે છે. આજે રાજસ્થાનના એક એવા ગણેશમંદિરે જઈએ જે સ્વયંભૂ પ્રગટ થયા છે અને ત્રણ નેત્ર ધરાવતા વિશ્વના એકમાત્ર વક્રતુંડ છે.

મરુભૂમિના સવાઈ માધોપુર જિલ્લા અને શહેરથી મોટા ભાગના પર્યટકો પરિચિત છે, કારણ કે વિશ્વપ્રસિદ્ધ રણથંભોર વાઘ અભયારણ્ય અને યુનેસ્કો વર્લ્ડ હેરિટેજ સાઇટ રણથંભોર ફોર્ટ આ જ જિલ્લામાં છે. ૧૦,૫૨૭ સ્ક્વેર કિલોમીટરનું ક્ષેત્રફળ ધરાવતા આ ડિસ્ટ્રિક્ટમાં અનેક પ્રસિદ્ધ મંદિરો સહિત અન્ય કિલ્લાઓ પણ છે, પરંતુ સવાઈ માધોપુર સિટીથી ૧૨ કિલોમીટરના અંતરે આવેલા ત્રિનેત્ર ગણેશજીના મંદિર કી બાત હી નિરાલી હૈ.આજે ટૂરિસ્ટ ઍટ્રૅક્શન પ્લસ મંદિરોને લીધે આસ્થાનું કેન્દ્ર બનેલા રણથંભોર કિલ્લાએ ઘણી લોહિયાળ લડાઈઓ જોઈ છે. જંગલની વચ્ચે એક ચટ્ટાન પર બનેલા આ દુર્ગનું નિર્માણ ચૌહાણ વંશના રાજપૂત રાજવીઓએ ઈસવી સન ૯૪૪માં શરૂ કરાવ્યું. જોકે અગેઇન, બીજા મત પ્રમાણે એનું બાંધકામ ઈસવી સન ૧૧૧૦માં શરૂ થયું. ખેર, સત્ય જે હોય એ, પરંતુ પ્રકૃતિની વચ્ચોવચ આ કિલ્લો બનાવવાનાં મુખ્ય બે કારણ હતાં. પહેલું, રાજાઓ અહીં તેમના શિકારનો શોખ પૂર્ણ કરી શકે અને બીજું, આજુબાજુના વિસ્તારથી ઊંચું હોવાથી સિક્યૉરિટીની દૃષ્ટિએ સેફ પ્લેસ રહે તેમ જ આડોશ-પાડોશનાં રાજ્યોની હલચલ પર નિગરાની રહે.


ઍન્ડ... આ જ બે કારણ મુખ્ય રહ્યાં આ કિલ્લા પર આધિપત્ય જમાવવાનાં. ચૌહાણ વંશીય રાજા જયંત બાદ પૃથ્વીરાજ (પ્રથમ) અને થોડો સમય પૃથ્વીરાજ (તૃતીય)એ આ ફોર્ટની માલિકી ભોગવી, પણ ૧૧૯૨માં મોહમ્મદ ઘોરીએ ચૌહાણો સાથે યુદ્ધ કરી આ કિલ્લો જીતી લીધો. ત્યાર બાદ ૧૨૨૬માં દિલ્હીના સુલતાન ઇલ્તુતમિશે અહીં કબજો જમાવ્યો અને તેના મૃત્યુ બાદ ફરી ચૌહાણોએ પોતાના પૂર્વજોની આ ધરોહર અંકે કરી લીધી. વળી ૧૨૪૮ અને ૧૨૫૩માં સુલતાન નસીરુદ્દીને આધિપત્ય જમાવ્યું અને ૧૨૫૯માં ચૌહાણ શૂરવીર જૈત્રસિંહે આ કિલ્લો ફતેહ કર્યો. ૧૨મી સદીના અંતમાં જલાલુદ્દીન ખીલજીએ અહીં ડેરો નાખ્યો, જેનો મુકાબલો શૂરવીર રાજા હમીરદેવે લાંબો સમય કર્યો. પછી રાણા કુંભા, રાણા સાંગ, ઉદયસિંહ (પ્રથમ) જેવા હિન્દુ રાજાઓએ અહીં શાસન કર્યું ને પંદરમી સદીમાં ગુજરાતમાં સુલતાન બહાદુરશાહ પાસે પણ ત્રણ વર્ષ એની માલિકી રહી. ત્યાર બાદ અકબરે પણ આ કિલ્લા પર પરછમ લહેરાવ્યો, જે ખાસ્સો ટાઇમ રહ્યો. ૧૭મી શતાબ્દીમાં આ ઇમ્પોર્ટન્ટ કિલ્લો જયપુરના કછવાહા વંશીય મહારાજાની ટેરિટરીમાં આવ્યો, જે ભારતના સ્વાતંત્ર્ય સુધી તેમના જ કન્ટ્રોલમાં રહ્યો.


પણ આ તીર્થાટનમાં આપણે રણથંભોરના કિલ્લાના ઇતિહાસની આવી વિસ્તૃત વાત કેમ કરી રહ્યા છીએ? વાચકરાજ્જા, રણથંભોર કિલ્લાનાં ગીતો ગવાઈ રહ્યાં છે. બિકોઝ, કિલ્લામાં કબજો જમાવવાની લડાઈમાં જ ત્રિનેત્ર ગણપતિનું પ્રાગટ્ય થયું છે.

બૅક ટુ ૧૩મી સદી, જ્યારે હમીરદેવનો સૂરજ આ વિસ્તારમાં સોળે કળાએ ખીલી ઊઠ્યો હતો. પૃથ્વીરાજ ચૌહાણના પ્રપૌત્ર એવા હમીર બે દસકામાં ૧૭ લડાઈ લડ્યા હતા, જેમાં તે ૧૬ યુદ્ધમાં વિજયી થયા હતા. ચિત્તોડ, માલવા, આબુ સુધી તેમનું રાજ્ય વિસ્તર્યું. એ સમયે અલાઉદ્દીન ખીલજીના થોડા વિદ્રોહી સૈનિકોએ તેને છોડીને હમીરદેવ પાસે શરણ માગ્યું. હમીરદેવે રાજકીય ધર્મ નિભાવ્યો અને એ આશ્રિતોને આશ્રય આપ્યો અને ખીલજીની હટી ગઈ. તે સેના લઈને રણથંભોર કિલ્લાની દીવાલો સુધી પહોંચી ગયો અને ત્યાં અડ્ડો જમાવી દીધો. રાજા હમીરે અગમચેતી વાપરીને પોતાના પહાડી દુર્ગ પર પહેલેથી જ મોટા પ્રમાણમાં ધાન્ય વગેરે ભરાવી લીધું હતું, જેથી સૈનિકો અને રાજ પરિવારને ખાવા-પીવાનો વાંધો ન આવે. જોકે દીર્ઘકાળ ચાલેલી એ લડાઈને લીધે રાજભંડાર ખૂટવાની અણીએ આવી ગયો. સ્વાભાવિક છે, પ્રજાપાલક હમીરને એની ચિંતા થાય. તેમણે તેમના આરાધ્યદેવ ગણપતિને આ વિઘ્ન હરવાની પ્રાર્થના કરી. કહેવાય છે કે એ રાતે ગણેશજી રાજાના સપનામાં આવ્યા અને ચિંતા ન કરવાનું કહ્યું. બીજા દિવસે મહેલની એક દીવાલ પર ત્રણ નેત્રધારી ગણેશજીનું સ્વરૂપ પ્રગટ થયું અને રાજા હમીરનું સંકટ દૂર થયું.

‌ધિસ ઇઝ સ્ટોરી ઑફ ત્રિનેત્ર ગણેશ. તેમણે રાજાનું વિઘ્ન હર્યું એથી આજે ૯૦૦ વર્ષ બાદ પણ આસ્થાળુઓને શ્રદ્ધા છે કે આ ગણપતિબાપ્પા આપણાં વિઘ્ન, અડચણો, સંકટ દૂર કરશે અને શુભ કાર્યમાં કોઈ અશુભ તત્ત્વ આવવા જ નહીં દે. એટલે રાજસ્થાની પરિવારોમાં વિવાહના મંગલ કાર્યની પહેલી નિમંત્રણપત્રિકા ત્રિનેત્ર બાપ્પાના નામે લખાય છે.

રણથંભોરના કિલ્લામાં સપરિવાર એટલે પત્ની, રિદ્ધિ-સિદ્ધિ, પુત્રો શુભ-લાભ ને વાહન મૂષક સહિત બિરાજતા લંબોદરનો મહેલ હવે સરસ મંદિરમાં પરિવર્તિત થયો છે જે આ પૌરાણિક કિલ્લા, છત્રીઓની સુંદરતા વધારે છે. આ જ પરિસરમાં હનુમાનજી અને અન્ય દેવી-દેવતાઓનાં પણ બેસણાં છે. સવારના ૮થી સાંજે ૬/૭ વાગ્યા સુધી ખુલ્લા રહેતા દેવાલયનાં દર્શન કરવા સાડાસાતસોથી વધુ સીડીઓ ચડવી પડે છે. જોકે મૉડરેટ એવી આ ચઢાઈ ચડતાં મૅક્સિમમ કલાકનો સમય થાય છે. પ્રકૃતિની વચ્ચે બનેલા કાળા પથ્થરોના સુગમ સંગીત સમા આ કિલ્લાની બ્યુટી જેટલી અપ્રતિમ છે એટલી જ એની શૌર્યગાથાઓ અદ્વિતીય છે.

ઊંચી, મજબૂત દીવાલો ધરાવતા આ ફોર્ટમાં પ્રવેશવાનાં ઓરિજિનલી સાત દ્વાર છે, જેનાં નામ છે નવલખા પોળ, હાથિયા પોળ, ગણેશ પોળ, અંધેરી પોળ, સૂરજ પોળ, દિલ્હી પોળ અને સત પોળ કિલ્લાના પરિસરમાં મંદિર ઉપરાંત હમીર પૅલેસ, રાણી પૅલેસ, બડી કચહરી, છોટી કચહરી (કચેરી), બાદલ મહલ, બત્રીસ ખંભા છત્રી, જાનવરા-ભાનવરા, (ધાન્ય-ભંડાર), મસ્જિદ, દરગાહ અને દિગંબર જૈન દેરાસર પણ છે. દરેક સ્મારક અને મંદિર સૂર્યોદયથી સૂર્યાસ્ત સુધી સપ્તાહના સાતેય દિવસ ખુલ્લાં રહે છે.

રહેવા-ખાવા-પીવા માટે રણથંભોર સિટીમાં જંગલ લૉજથી લઈ તારાંકિત હોટેલ્સની સુવિધા છે. અને રાજસ્થાનમાં આવ્યા હોઈએ ત્યારે દાલ, બાટી, ચૂરમા, ગટ્ટે કી સબ્ઝી ખાધા વિના ન જ જવાય. જોકે હવે તો આ સિટીમાં મૉડર્ન ક્વિઝીન પણ અવેલેબલ છે. હા, ટેસ્ટ ઍન્ડ હાઇજીન તમારા ખાતે, અમારી કોઈ જવાબદારી નહી. ફોર્ટ ઉપર કે રસ્તામાં કાંઈ મળતું નથી આથી કૅરી વૉટરબૉટલ અને જરૂર પડે તો થોડો નાસ્તો.

પૉઇન્ટ બ્લૅન્ક

જો તમારી કુંડળીમાં એન્કાઉન્ટર યોગ હોય તો અહીંના નૅશનલ પાર્કના રાજ્જાનો મેળાપ તમને થઈ શકે. જોકે બહુ ભીડ હોય ને અવાજ હોય ત્યારે વાઘ અહીં આવતા નથી. પરંતુ રેકૉર્ડ કહે છે કે કિલ્લાની આજુબાજુ ક્યારેક વાઘ બાબુ આવી જાય છે.

તમારી પાસે રણથંભોર અભ્યારણ્યમાં જવાનો ટાઇમ ન હોય તો હેવી ડ્યુટી બાયનોક્યુલર સાથે લઈ જવું. ફોર્ટ ઉપર પહોંચી કે ચડતાં-ચડતાં હરણ, જંગલી સાંઢ દેખાઈ શકે. વળી કલબલ કરતાં રંગબેરંગી પક્ષીઓ દૂરબીનથી વધુ સમીપ દેખાશે. અને હા, બંદરો ચડતાં-ઊતરતાં બેઉ સમયે તમારું અભિવાદન કરવા હાજર હશે.

રણથંભોર જિલ્લામાં નૅશનલ પાર્ક ઉપરાંત સવાઈ માધોપુરમાં આવેલું ચૌથ માતાનું મંદિર પણ બહુ ફેમસ છે. સ્ત્રીને સૌભાગ્ય આપનારી માતાને મથ્થા ટેકવા ૬૨૫ પગથિયાં ચડવાનાં રહે છે. એ જ રીતે અહીંનાં અમરેશ્વર મહાદેવ, શ્રી ચમત્કારજી જૈન મંદિર પણ દર્શનીય.

બત્તીસખંભા છત્રી ઇન્સ્ટાગ્રામેબલ છે. રાજવીની સમાધિની કારીગીરી મનમોહક છે.

આગળ કહ્યું એમ ત્રિનેત્ર ગણેશ મંદિરમાં સેંકડો કંકોતરીઓ આવે છે. એ દરેક કંકોતરીને પોસ્ટમૅન સાડાસાતસો સીડી ચડીને પ્રભુને પહોંચાડે છે અને પૂજારી એ દરેક કાર્ડને ખોલી બાપા સમક્ષ ધરે છે. તમારે પણ પ્રથમ દેવને આમંત્રણપત્રિકા મોકલવી હોય તો યે રહા પતા - રણથંભોર ત્રિનેત્ર ગણેશ મંદિર, સવાઈ માધોપુર, રાજસ્થાન - ૩૨૨૦૨૧

Whatsapp-channel Whatsapp-channel

28 September, 2023 02:15 PM IST | Mumbai | Alpa Nirmal

App Banner App Banner

અન્ય લેખો


X
ક્વિઝમાં ભાગ લો અને જીતો ગિફ્ટ વાઉચર
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK