જે સંતના વેશમાં હોય પણ બીજાને દુખી કરતા હોય, તેમના દ્વારા બીજાને દુઃખ પહોંચતું હોય એ સ્વાભાવિક રીતે પૂજ્ય કે વંદનીય ન ગણાય
પ્રતીકાત્મક તસવીર (તસવીર સૌજન્યઃ એઆઇ)
આપણે ત્યાં સંત અને સાધુબાવાઓ વચ્ચેનો ફરક બહુ ઓછા લોકો જાણે છે. સંતને કોઈ નિયમો હોતા નથી, તેને કોઈ જાતની પ્રથા-પ્રણાલી અને કોઈ જાતના રૂઢિવાદને પાળવાના હોતા નથી અને એ પછી પણ બની શકે કે તે સંત તમામ સાધુબાવાઓથી અનેકગણો ચડિયાતો અને પૂજનીય હોય. સંતની સીધી અને સરળ વ્યાખ્યા છે, જે સૌકોઈએ સમજી લેવા જેવી છે. જે પોતાની સાથે બીજાને પણ સુખી કરે અને સમય આવ્યે પોતાને દુઃખ થતું હોય તો પણ બીજાને સુખી કરવાનું કાર્ય કરે તે સંત છે. આ પ્રકારના સંતો આપણાં શાસ્ત્રોમાં પણ છે. નરસિંહ મહેતાથી માંડીને વીરપુરના જલારામબાપા આ પ્રકારના સંત રહ્યા છે. પૂજનીય અને વંદનીય એવા તેમના વ્યક્તિત્વમાંથી કંઈ મેળવવું કે પછી તેમની દિનચર્યામાંથી કંઈક લઈને એને જીવનમાં અનુસરવું એ કપરું કાર્ય છે, પણ એ કરવામાં આવે તો જીવન ધન્ય થઈ જાય.
જે સંતના વેશમાં હોય પણ બીજાને દુખી કરતા હોય, તેમના દ્વારા બીજાને દુઃખ પહોંચતું હોય એ સ્વાભાવિક રીતે પૂજ્ય કે વંદનીય ન ગણાય. એ પછી પણ તેમને પૂજ્યભાવ આપવામાં આવતો હોય, અહોભાવ દર્શાવવામાં આવતો હોય તો પણ માનવું કે તેમને મળી રહેલા એ અહોભાવમાં ક્યાંક ડર અને ભયની લાગણી છે અને જે અહોભાવ દર્શાવવામાં આવે છે એ અંતરના ભાવ સાથે નથી. આગળ કહ્યું છે એ જ વાત હું ફરીથી કહીશ, આપણે ત્યાં સાધુ અને સંત વચ્ચેનો ફરક કોઈ ઓળખી શકતું નથી અને ઓળખવાની માનસિકતા પણ ધરાવતું નથી. વેશ આધારિત સંત ન હોય એ વાત સારી રીતે સમજી લેવી જોઈએ. વેશ આધારિત સાધુ હોય, સંત નહીં. સંત તો ગુણકર્મ આધારિત હોય અને ગુણ તથા તેમના પરોપકારી સ્વભાવથી જ તેમનામાં સંતત્વ આવ્યું હોય. સંતભાવ અચાનક જન્મે એવું જ્વલ્લે જ બને અને કોઈ એવી ઘટનાથી બને જે ઘટના તેની આંખો ખોલવાનું કામ કરી ગઈ હોય. અન્યથા સંતભાવ જન્મથી જ અને લાગણીના ભાવ સાથે આવતો હોય છે. સંત સંસારમાં હોય અને સંસારી જીવન પાળી રહ્યા હોય એ પણ શક્ય છે. સાધુ બનવા માટે દીક્ષા લેવી પડે, અન્ય ધાર્મિક કર્મકાંડ કરવા પડે; પણ સંત બનવા માટે મનનો મેલ સાફ કરવો પડે અને મનને ચોખ્ખું રાખવું પડે. બની શકે કે વિધિવત સાધુ બનનારા પણ મનનો મેલ સાફ કરી ન શક્યા હોય અને માત્ર દેખાવે અને કપડાંથી જ સાધુત્વ પામી શક્યા હોય, પણ સંતને આવી કોઈ વાત લાગુ નથી પડતી.

