જગતભરમાં ચાલી રહેલાં યુદ્ધ, સંઘર્ષ તેમ જ પરસ્પર વિવાદોની ઉત્પત્તિ શોધવામાં આવે તો એનું પરિણામ નીકળશે - મનુષ્યની ‘અનિયંત્રિત વાણી’.
પ્રતીકાત્મક તસવીર
આપણે સહુ જાણીએ જ છીએ કે બાળક જન્મે છે ત્યારે માતાના ગર્ભમાંથી બહાર આવતાંની સાથે જ ‘ઉંવા ઉંવા’ કરીને રડવા લાગે છે. મતલબ કે મનુષ્યોમાં વાણી જન્મતાંની સાથે જ શરૂ થઈ જાય છે. બાળપણથી લઈને માણસ કેટલું બોલે છે! જો તેના બોલેલા દરેક શબ્દને રેકૉર્ડ કરવામાં આવે તો એક ખૂબ જ મોટું નગર એક વ્યક્તિના આલાપ, વિલાપ, પ્રલાપ અને સંતાપથી ભરાઈ જશે અને એવામાં જો તેને અમુક વર્ષ પહેલાંનું રેકૉર્ડિંગ સંભળાવવામાં આવે તો તે સ્વયં પણ હેરાન થઈને બોલી ઊઠશે કે ‘હેં! હું આવું પણ બોલ્યો હતો?’ એવામાં તેને જો એમ કહેવામાં આવે કે ‘તમે આ રેકૉર્ડિંગને સાંભળીને આમાંથી એવો કોઈ ભાગ કાઢીને આપો જેમાં તમે કંઈ કામનું અથવા તો કંઈ અર્થપૂર્ણ બોલ્યા છો.’ જાણીને નવાઈ લાગશે, પરંતુ આવા શબ્દોનો રેકૉર્ડ કદાચ એટલો જ નીકળશે જેટલો ૪ પગલાં જેટલી જમીન.
જગતભરમાં ચાલી રહેલાં યુદ્ધ, સંઘર્ષ તેમ જ પરસ્પર વિવાદોની ઉત્પત્તિ શોધવામાં આવે તો એનું પરિણામ નીકળશે - મનુષ્યની ‘અનિયંત્રિત વાણી’. જો વિશ્વભરના લોકો એક અઠવાડિયા માટે સંપૂર્ણપણે ચૂપ રહે તો બધાં યુદ્ધનો અંત થઈ જશે, ઝઘડો સમાપ્ત થઈ જશે, કોર્ટ કેસ કરનારાઓ પોતાનો કેસ પાછો લઈ લેશે અને ચારેકોર સદ્ભાવ અને ખુશીનું વાતાવરણ છવાઈ જશે. ચાલો એક અઠવાડિયા માટે નહીં તો કમથી કમ ૩ દિવસ માટે પણ જો બધા ચૂપ રહીને પોતપોતાનું કામ કરે તો ચૂપ રહેવાના અનેક ફાયદા આપમેળે સમજાઈ જશે. પરંતુ ચૂપ રહેવાનો વાસ્તવિક અર્થ શું છે? વાણીથી ચૂપ રહેવું એ તો પુરુષાર્થનો પ્રારંભ છે, પરંતુ વાસ્તવિક ચૂપ એટલે એવી અવસ્થા જેમાં આપણે મનમાં પણ ન પોતાની જોડે અને ન કોઈ અન્ય જીવધારી જોડે કોઈ પણ પ્રકારનો વાર્તાલાપ કરીએ. આવી ચૂપ અવસ્થાને માટે અભણ હોવું ખૂબ જ જરૂરી છે, કારણ કે ઘણી વખત એવું જોવા મળે છે કે મનુષ્યે જે સાંભળ્યું કે વાંચ્યું હોય છે એના જ વિચારો અલગ-અલગ પ્રકારે તેની સામે આવતા રહે છે. એટલે અત્યાર સુધી જે પણ સાંભળ્યું કે વાંચેલું છે એને થોભાવવું ‘ચૂપ’રૂપી સાધનાને માટે ખૂબ જ જરૂરી છે. બહારથી માણસ ચૂપ પણ રહે તેમ છતાં તેનું સાંભળેલું-વાંચેલું તેના મનમાં બોલતું રહે છે અને તેના અંદરના કાન આ બધું સાંભળે પણ છે અને બુદ્ધિ એની તરફ તેનું ધ્યાન દોર્યા કરે છે. અતઃ એ બધી જ વાતોને એક બાજુએ મૂકીને ચૂપ રહેવું એક ઉત્તમ પ્રકારની ઉપલબ્ધિ છે અને એનાથી થનારા લાભ તેમ જ સુખ અને આનંદની પ્રાપ્તિ માટે આ અભ્યાસ કરતા સમયે અભણ બનવું જરૂરી છે. જે ઉત્તમ ધારણાથી આટલાબધા લાભ જો પ્રાપ્ત થતા હોય તો શા માટે આપણે એને પોતાના જીવનમાં ન ઉતારીએ?
ADVERTISEMENT
- રાજયોગી બ્રહ્માકુમાર નિકુંજજી
(રાજયોગી બ્રહ્માકુમાર નિકુંજજી આંતરરાષ્ટ્રીય વક્તા, આધ્યાત્મિક શિક્ષાવિશ્લેષક, લેખક એવમ્ એક અનુભવી મેડિટેશન શિક્ષકના રૂપમાં પ્રસિદ્ધ છે.)


