એપ્રિલ-મે એટલે મુંબઈકરો માટે તાવણીનો ટેમ. ઉપરથી કાળઝાળ ગરમી વરસે, નીચે પાણીનાં ફાંફાં. હવામાં ભેજ ભારોભાર એટલે પરસેવાનો નહીં પાર. છતાં શહેર દિવસ-રાત ધમધમતું રહે. એટલે જ તો એને બિરુદ મળ્યું : A City that never sleeps.
કમાન્ડર કાવસ નાણાવટી
એપ્રિલ ૨૭, ૧૯૫૯.
એપ્રિલ-મે એટલે મુંબઈકરો માટે તાવણીનો ટેમ. ઉપરથી કાળઝાળ ગરમી વરસે, નીચે પાણીનાં ફાંફાં. હવામાં ભેજ ભારોભાર એટલે પરસેવાનો નહીં પાર. છતાં શહેર દિવસ-રાત ધમધમતું રહે. એટલે જ તો એને બિરુદ મળ્યું : A City that never sleeps. આ સદા જાગતા શહેરની સંભાળ રાખવાનું કામ બૉમ્બે પોલીસનું. ક્રૉફર્ડ માર્કેટથી થોડે દૂર બૉમ્બેના પોલીસ-કમિશનરની ઑફિસનું મકાન. ૧૮૯૪ના નવેમ્બરની ૧૭મી તારીખે બે માળના આ મકાનનું બાંધકામ શરૂ થયું અને ૧૮૯૬ના ડિસેમ્બરની ૨૪મીએ પૂરું થયું. રૉયલ યૉટ ક્લબના મકાનની ડિઝાઇન બનાવનાર જૉન ઍડમ્સે ડિઝાઇન તૈયાર કરી હતી અને બાંધકામ કર્યું હતું જગન્નાથ કૉન્ટ્રૅક્ટર્સની કંપનીએ. આ નવા મકાનનું ઉદ્ઘાટન ૧૮૯૭ના જાન્યુઆરીની પહેલી તારીખે થયું. મુંબઈના ત્રીજા પોલીસ-કમિશનર આર. એચ. વિન્સેન્ટ ભાયખળાનું સાસૂન બિલ્ડિંગ છોડીને આ નવા મકાનમાં આવ્યા.
ડેપ્યુટી પોલીસ કમિશનર લોબો
બૉમ્બે પોલીસના ડેપ્યુટી કમિશનર જૉન લોબો પોતાની ઑફિસમાં દાખલ થયા. એ વખતે એવો નિયમ કે રોજ સાંજે લોબોસાહેબ પોલીસ-કમિશનર પ્રવીણ સિંહજીની ઑફિસમાં જાય. કમિશનરસાહેબનો ઑર્ડરલી જર્મન સિલ્વરની ચકચકતી ટ્રેમાં ચાનો સાધન સરંજામ લઈ આવે. બન્ને અફસરો ચાની ચૂસકી લેતા જાય અને ડેપ્યુટી કમિશનર આખા દિવસનો અહેવાલ કમિશનરસાહેબને આપતા જાય. જરૂર લાગે ત્યાં સાહેબ સૂચનો કરે એ લોબોસાહેબ પોતાની ખિસ્સા ડાયરીમાં નોંધતા જાય.
આજે કમિશનરસાહેબ સાથેની મીટિંગ થોડી વહેલી પૂરી થઈ. લોબોસાહેબ પોતાની ઑફિસમાં પાછા આવ્યા અને ખુરસી પર બેઠા. ઉપર જોઈને ખાતરી કરી લીધી કે પંખો ચાલે છે. આજે લોબોસાહેબ થોડા ખુશમિજાજ લાગે છે, તેમના ઑર્ડરલીએ વિચાર્યું. અને કેમ ન હોય? સાહેબને વાત કરી તો તેમણે તરત પંદર દિવસની રજા મંજૂર કરી દીધી. લોબોએ તેમને કહ્યું કે આ ગરમીથી તો હું ત્રાસી ગયો છું, સાહેબ. એટલે બે અઠવાડિયાં નીલગિરિ જવાનો પ્લાન ઘડ્યો છે. મનમાં બીક હતી કે સાહેબ ‘ના’ નહીં પાડે તોય રજાના દિવસ તો ઓછા કરી નાખશે. પણ ના, સાહેબે તો તરત રજા મંજૂર કરી દીધી.
પ્રેમ આહુજાનો મૃતદેહ
લોબોસાહેબ ઘરે જવા નીકળવાની તૈયારી કરતા હતા એ જ વખતે બહારથી કોઈનો અવાજ કાને પડ્યો: ‘લોબોસાહબ કા ઑફિસ કહાં હૈ?’ અને ઑર્ડરલી એક સુદૃઢ બાંધાવાળા, ગોરા પારસી યુવાનને લઈને દાખલ થયો. હૅન્ડશેક માટે હાથ લંબાવતાં તેણે કહ્યું : ‘આઇ ઍમ કમાન્ડર કાવસ નાણાવટી ફ્રૉમ ધ ઇન્ડિયન નેવી.’ ઊભા થઈને હૅન્ડશેક કરતાં લોબો એકદમ સતર્ક થઈ ગયા. તેમનામાં રહેલી ગુના શોધનની સૂઝ કહેતી હતી કે હમણાં ગામદેવી પોલીસ-સ્ટેશનથી જે ફોન આવેલો તેને અને આ નાણાવટીને કોઈક સંબંધ હોવો જોઈએ.
એ જ વખતે નાણાવટીએ એકી શ્વાસે બોલવાનું શરૂ કર્યું : ‘મારે એક આદમી સાથે ઝઘડો થયો. તેણે મારા પર હુમલો કરી મારા હાથમાંની બ્રાઉન પેપરની થેલી ઝૂંટવી લીધી. હું એ થેલી લેવા જતો હતો ત્યાં થેલીમાં રહેલી મારી સર્વિસ રિવૉલ્વરમાંથી અકસ્માત બે ગોળી છૂટી અને પેલા માણસને વાગી. તેનું નામ પ્રેમ આહુજા.’ લોબોસાહેબ બહુ જ શાંતિપૂર્વક બોલ્યા : ‘હા. અને હમણાં જ ગામદેવી પોલીસ સ્ટેશનનો ફોન હતો. એ માણસનું મોત થયું છે.’
પછી જાણે કશું જ ન થયું હોય તેમ શાંતિથી પૂછ્યું : ‘કમાન્ડર, તમે ચા લેશો કે કૉફી?’ ‘કંઈ નહીં. પણ જો એક ગ્લાસ પાણી મળી શકે તો...’ અને ઑર્ડરલી લઈ આવ્યો એ આખો ગ્લાસ પાણી નાણાવટી એકી ઘૂંટડે પી ગયા. પછી ઑર્ડરલીને બોલાવીને લોબોએ કહ્યું : ‘સાહેબને બાજુના કમરામાં બેસાડો.’ પછી ઇન્ડિયન નેવીના ચીફ લૉ એન્ફોર્સમેન્ટ ઑફિસરને ફોન લગાડી વાત કરી. એ ઑફિસરે કહ્યું કે નાણાવટી ઇન્ડિયન નેવીમાં બહુ ઊંચા સ્થાને છે. આજ સુધીનો તેનો રેકૉર્ડ ચોખ્ખોચણક છે. બનાવ બન્યા પછી તે સામે ચાલીને તમારી પાસે આવ્યો છે અને આત્મસમર્પણ કર્યું છે. આ બધું જોતાં તેને પોલીસ લૉક-અપમાં ન મોકલો તો સારું એવી મારી વિનંતી છે.
લોબોએ પોતાની ઑફિસની બાજુના એક કમરામાં નાણાવટી માટે રાત રહેવાની સગવડ ઊભી કરાવી લીધી. ઓરડાની બહાર કડક ચોકીપહેરો ગોઠવી દીધો. અને પછી નાણાવટીને કહ્યું: ‘આજની રાત તમારે આ ઓરડામાં ગાળવી પડશે. પછી શું કરવું એનો નિર્ણય રક્ષા મંત્રાલય કાલે લેશે.’
કાવસને રાતે ઊંઘ તો ક્યાંથી આવે? નજર સામે ચિત્રો તરવર્યા કરે. આખું નામ કાવસ માણેકશા નાણાવટી. જન્મ ૧૯૨૫. માણેકશા અને મેહરા નાણાવટીનો મોટો દીકરો. નાનો ભાઈ હોશંગ. પાક્કી છ ફીટની ઊંચાઈ. વજન લગભગ ૬૫ કિલો. આંખ અને વાળ બન્ને કાળા. અમેરિકાના ડાટમથમાં આવેલી રૉયલ નેવી કૉલેજમાં પ્રશિક્ષણ.
વિદેશી પત્નીનું લગ્ન પહેલાંનું નામ સિલ્વિયા કિંગ. ગ્રેટ બ્રિટનના પૉટ્સમથમાં જન્મ ૧૯૩૧. મૂળ કૅનેડાની વતની. ઊંચાઈ ૫ ફીટ ૫ ઇંચ, વજન ૬૦ કિલો. વાળનો રંગ આછો કથ્થાઈ (લાઇટ બ્રાઉન), આંખો માંજરી.
જીવનજ્યોત, નેપિયન સી રોડ
કાવસ નાણાવટી પરદેશમાં હતા ત્યારે બન્ને મળ્યાં, પ્રેમમાં પડ્યાં અને ૧૯૪૯ના જુલાઈ મહિનામાં અદારાઈ ગયાં. ત્યારે સિલ્વિયાની ઉંમર માત્ર અઢાર વરસની. નેવીનું પ્રશિક્ષણ પૂરું થયા પછી કાવસ અને સિલ્વિયા હિન્દુસ્તાન પાછાં આવ્યાં અને કાવસ ઇન્ડિયન નેવીમાં જોડાયા. હોશિયાર, ચાલાક, ચબરાક, મહેનતુ એટલે બઢતી થતી ગઈ. રાજકારણીઓ સાથે સંબંધો બંધાતા ગયા. ઇન્ડિયન નેવીમાં પાંચમાં પુછાતા થયા. કફ પરેડ વિસ્તારમાં નેવીએ આપેલા વિશાળ ફ્લૅટમાં બધાં સાધન સગવડ, પણ અગવડ એક જ - નેવીની નોકરીમાં મુંબઈ, પત્ની, અને ત્રણ બાળકોથી અવારનવાર દૂર રહેવું પડે, મહિનાઓ સુધી. જો આમ દૂર રહેવું પડતું ન હોત તો કદાચ આજનો આ દિવસ જોવાનો વારો આવ્યો ન હોત.
આવા-આવા વિચારોમાં સવાર ક્યારે પડી ગઈ એની ખબરે ન પડી. ઑર્ડરલી ઍલ્યુમિનિયમની કીટલીમાં ચા લઈને આવ્યો. સાથે જાડા કાચનાં સફેદ કપ-રકાબી, નાની પેપર ડિશમાં થોડાં બિસ્કિટ. બધું ટેબલ પર મૂકીને એ ગયો. કાવસ આ ‘બેડ ટી’ સામે તાકી રહ્યો. રોજ તો જર્મન સિલ્વરની ટ્રેમાં ફાઇન ચાઇનાનો ટી સેટ હોય. કૅટલ પર રંગબેરંગી ભરતકામવાળી ટી-કોઝી હોય. ચાર-પાંચ પ્લેટમાં જાતજાતનો નાસ્તો હોય. સિલ્વિયા બે કપ ચા બનાવે. અલકમલકની વાતો કરતાં બન્ને ચા પીતાં જાય અને તાજાં અખબારો પર નજર ફેરવતાં જાય.
પણ આજે આ ચા પીવાની? નાસ્તામાં ફક્ત બે-ચાર બિસ્કિટ! અરે, પણ સિલ્વિયાએ ચા પીધી હશે કે નહીં? તેના હાથમાં છાપું હશે? હશે જ. અને પહેલે પાને છપાયેલા સમાચાર તે વાંચતી હશે: ‘મોટરના જાણીતા શોરૂમના માલિક અને ધનાઢ્ય વેપારી પ્રેમ આહુજાનું તેમના જ ઘરમાં ખૂન! ઇન્ડિયન નેવીના કમાન્ડર નાણાવટીની ધરપકડ.’ નછૂટકે કાવસે ચા પી લીધી અને બિસ્કિટ ખાઈ લીધાં. મનમાં વિચાર્યું : ‘હવે તો આવી ઘણી બાબતોથી ટેવાવું પડશે.’ એ જ વખતે ડેપ્યુટી પોલીસ કમિશનર લોબો આવી પહોંચ્યા. બોલ્યા : ‘કમાન્ડર નાણાવટી! તૈયાર થઈ જાઓ. તમને અહીંથી લઈ જઈને નેવલ કસ્ટડીમાં સોંપવાના છે.” આ સાંભળીને આવા કપરા સંજોગોમાં પણ કમાન્ડર નાણાવટીને થોડો હાશકારો થયો. સાથોસાથ વિચાર આવ્યો : ‘પણ આ બન્યું કઈ રીતે?’
એ બન્યું આ રીતે : અડધી રાત સુધી ઇન્ડિયન નેવીના અધિકારીઓ, મુંબઈ અને દિલ્હી સરકારના મંત્રીઓ, મુંબઈના પોલીસ કમિશનર વગેરે વચ્ચે ફોન પર ચર્ચા થઈ. કાયદા પ્રમાણે તો ખૂનના ગુનામાં સંડોવાયેલા માણસને ખટલો શરૂ થતાં સુધી પોલીસ-કસ્ટડીમાં જ રાખવો જોઈએ. પણ આ તો નેવીના આલા દરજ્જાના કમાન્ડર. મુંબઈના રાજભવન અને દિલ્હીના તીન મૂર્તિ ભવન સાથે મીઠા સંબંધ. ચર્ચાવિચારણા પછી દિલ્હીથી હુકમ છૂટ્યો : ‘કમાન્ડર નાણાવટીને પોલીસ-કસ્ટડીમાં નહીં, નેવલ કસ્ટડીમાં મોકલો.’
કમાન્ડર નાણાવટી ડેપ્યુટી પોલીસ કમિશનર લોબોને મળવા ગયા એ પહેલાં જ ગામદેવી પોલીસ-સ્ટેશનના અધિકારીઓ, ક્રાઇમ બ્રાન્ચના ઑફિસરો અને હવાલદારો નેપિયન સી રોડ પર આવેલા જીવન જ્યોત બિલ્ડિંગમાં પહોંચી ગયા હતા. આ નેપિયન સી રોડનું આજનું સત્તાવાર નામ સેતલવડ લેન. પોલીસ ફ્લૅટ પાસે પહોંચી ત્યારે બારણું ખુલ્લું હતું. ૯ X ૬ ફુટના બાથરૂમમાં બધે તૂટેલા કાચના ટુકડા વેરાયેલા હતા. બાથરૂમના બારણાના હૅન્ડલ પર, બાથરૂમની દીવાલો પર, ઠેર-ઠેર લોહીના ડાઘ હતા. બાથરૂમની ફર્શ પર પીળા રંગનું એક મોટું એન્વલપ પડ્યું હતું. એના પર નામ લખ્યું હતું : ‘લેફ્ટનન્ટ કમાન્ડર કે. એમ. નાણાવટી’. હાથમાં સફેદ ગ્લવ્ઝ પહેરેલા ક્રાઇમ બ્રાન્ચના અધિકારીએ વાંકા વળીને બહુ જ સાવચેતીપૂર્વક એ એન્વલપ ઉપાડી લીધું. ફ્લેટના માલિકનો મૃતદેહ બાથરૂમની ફર્શ પર પડ્યો હતો. તેણે કમરે ફક્ત ટુવાલ વીંટાળેલો હતો. એ પણ લોહીથી ખરડાયેલો હતો. પંચનામું કરીને પોલીસે મૃતદેહને પોસ્ટમૉર્ટમ માટે મોકલવાની વિધિ શરૂ કરી. એ મૃતદેહ હતો ફ્લૅટના માલિક પ્રેમ ભગવાનદાસ આહુજાનો. મુંબઈના એક જાણીતા મોટરના શોરૂમના માલિક. બીજા પણ ઘણા ધંધા. ખાણીપીણી, મદિરા અને મદિરાક્ષીના શોખીન.
પણ નેવલ કમાન્ડર કાવસ નાણાવટી અને વેપારી પ્રેમ આહુજા વચ્ચે એવું તે શું થયું હશે કે નાણાવટીએ તેના ઘરમાં જઈને તેના પર બબ્બે ગોળી છોડી?
એની વાત આવતા શનિવારે.

