ગંગા નદીની શુદ્ધતા વિશે એલફેલ બોલનારાં સમાજવાદી પાર્ટીનાં નેતા એવાં જયાબહેન છેલ્લાં કેટલાંક વર્ષોથી ખૂબ અહંકારી બની ગયાં છે.
કુંભ મેળો
કુંભમેળામાં ગંગા, જમના, સરસ્વતીના પવિત્ર સંગમમાં સ્નાન કરવા ધસારો થઈ રહ્યો છે, ટ્રૅફિક જૅમ થઈ રહ્યો છે ત્યારે આ ગંગા નદી છેલ્લે જે રાજ્યના ઉપસાગ૨માં જઈને ભળી જાય છે અને ગંગાસાગરના નામે પૂજાય છે એ બંગાળની જયા ભાદુરી અને અમિતાભ બચ્ચનને પરણીને જયા બચ્ચન બનેલી અભિનેત્રી કમ સાંસદની વાણી લથડી છે.
ગંગા નદીની શુદ્ધતા વિશે એલફેલ બોલનારાં સમાજવાદી પાર્ટીનાં નેતા એવાં જયાબહેન છેલ્લાં કેટલાંક વર્ષોથી ખૂબ અહંકારી બની ગયાં છે. અહંકાર રાજા રાવણનો ન ટક્યો, કેજરીવાલનો ન ટક્યો તો આ જયાબહેનનો ક્યાંથી ટકવાનો?
ADVERTISEMENT
જયાબહેનની બગડી ગયેલી બુદ્ધિને માલૂમ થાય કે શરીરને બગાડતા જીવાણુઓનો નાશ કરવાની ક્ષમતા ગંગાનાં નીરમાં છે એ હવે આજના વિજ્ઞાન દ્વારા પણ સાબિત થયું છે. ગંગા નદી અને એના અનોખા પાણીની વિશેષતાઓનો ઉલ્લેખ અનેક પ્રાચીન ધાર્મિક ગ્રંથ ઉપરાંત વિદેશી સાહિત્યમાં પણ થયો છે.
જો વૈજ્ઞાનિક દૃષ્ટિકોણથી જોઈએ તો ગંગાજળમાં ફેઝ બૅક્ટેરિયા નામના જીવાણુઓ ખૂબ મોટા પ્રમાણમાં જોવા મળે છે. આ જીવાણુઓ પાણીને દૂષિત કરતા અન્ય જીવાણુઓનું ભક્ષણ કરે છે અને એટલા માટે જ ગંગાજળમાં ક્યારેય હાનિકારક કીટાણુઓ ટકી નથી શકતા.
જયા બચ્ચનજી તમે લંડન ગયાં હશો કે લંડનથી આવ્યાં હશો ત્યારે વિમાનમાર્ગે અવરજવર કરી હશે, પરંતુ તમને યાદ અપાવું કે વર્ષો પહેલાં વિમાન નહોતાં ત્યારે અંગ્રેજો દરિયાઈમાર્ગે ભારતથી લંડન અવરજવર કરતા. વહાણ દ્વારા લંડન સુધીનું અંતર કાપતાં મહિનાઓ લાગી જતા. તેઓ ગંગા નદીનું પાણી પીવા માટે લઈ જતા એ લંડન સુધી એવું ને એવું સ્વચ્છ રહેતું, જયારે વળતા પ્રવાસમાં લંડનથી ભરીને લવાતું પાણી રસ્તામાં બગડી જતું અને એને વચ્ચેના સ્થાનકે બદલી નાખવું પડતું. આ વાત કોઈ ભારતીયે નહીં, પણ એ વખતના અંગ્રેજ ડૉક્ટર નેલ્સને નોંધી હતી. આપણા પૂર્વજો ચારધામની જાત્રાએ જતા ત્યારે ત્યાંથી પિત્તળ કે તાંબાના લોટામાં ગંગાજળ ભરીને લાવતા એ પાણી વર્ષો સુધી બગડતું નહીં અને અનેક ધાર્મિક પ્રસંગોમાં કામ લાગતું હતું.
ઑક્સિજન વાયુનું યોગ્ય પ્રમાણ કાયમ જાળવી રાખવાની અસામાન્ય ક્ષમતા પણ ગંગાજળમાં રહેલી છે.
કુંભમેળામાં તો જીવંત મનુષ્યો સ્નાન કરવા જાય છે, પરંતુ આપણે ત્યાં ભૂતકાળમાં મૃતદેહોને ગંગા નદીમાં વહાવી દેવાની પ્રથા હતી.
આ શબોથી થોડે દૂર લોકો ગંગા સ્નાન કરતા હોય એવાં દૃશ્યો જોઈ ઘણા વિદેશના વૈજ્ઞાનિકોને આશ્ચર્ય થતું. અનેક પરીક્ષણો બાદ ફ્રાન્સના સુપ્રસિદ્ધ ડૉક્ટર ડી. હેરલે જણાવ્યું હતું કે ગંગાજળમાં બીમારીથી મૃત્યુ પામેલા લોકોનાં શબો તરતાં હતાં ત્યાંથી મેળવેલા જળનું પૃથક્કરણ કરતાં તેમને એક પણ જાતના કીટાણુઓ જોવા મળ્યા નહોતા. બીજા એક મેકગિલ યુનિવર્સિટીના ડૉ. હેરિસ્ટને પણ અનેક પ્રયોગો બાદ જાહેર કર્યું હતું કે કોલેરા, કમળો, મરડો અને અતિસારના જંતુઓ ગંગાજળમાં ટકી શકતા નથી. તેમનો નાશ થઈ જાય છે.
આનો મતલબ એ થયો કે ગંગાજળ જેવુંતેવું પાણી નથી, એનામાં એવું કશુંક તત્ત્વ છે જેથી એનું પાણી પોતે પણ શુદ્ધ રહે છે અને એના સસર્ગમાં આવનાર અન્યોને પણ શુદ્ધ કરે છે.
શુદ્ધતા અને પવિત્રતા વચ્ચે ઘણો ફરક છે. જે પોતે શુદ્ધ હોય પરંતુ એના સંસર્ગમાં આવનારને શુદ્ધ કરી ન શકે એ પવિત્ર નથી, પણ જે પોતે શુદ્ધ હોય અને એના સંસર્ગમાં આવનાર દરેક જીવને શુદ્ધ કરી મૂકે એને પવિત્ર કહેવાય.
આ અર્થમાં ગંગાનું પાણી ખરેખર પવિત્ર છે.
અમિતાભ બચ્ચન બોલી-બોલીને સંવાદ સાધે છે, જ્યારે જયા બચ્ચન બોલી-બોલીને વિવાદ સર્જે છે. જોકે આ વખતે તેમણે હદ વટાવી છે. કુંભસ્નાન કરવા જતા અનેક યાત્રાળુઓની શ્રદ્ધા પર તેમણે કારમો ઘા કર્યો છે.
આ ગંગા નદીની સમૃદ્ધિ વિશે વધુ જાણવા આવતી કાલે તૈયાર રહેશોજી.
(ક્રમશઃ)

