વસંતપંચમીનું કુંભ સ્નાન રંગેચંગે પતી ગયા પછી ૧૨ ફેબ્રુઆરીને મહા સુદ પૂનમના દિવસે અર્થાત્ માઘી પૂનમના દિવસે ફરી દિવ્ય સ્નાન થશે.
કુંભ મેળો
વસંતપંચમીનું કુંભ સ્નાન રંગેચંગે પતી ગયા પછી ૧૨ ફેબ્રુઆરીને મહા સુદ પૂનમના દિવસે અર્થાત્ માઘી પૂનમના દિવસે ફરી દિવ્ય સ્નાન થશે.
આ સાથે જેમણે પોષ મહિનાની પૂનમ કે જ્યાંથી આ મહાકુંભની શરૂઆત થઈ એને પણ એક મહિનો પૂર્ણ થશે.
ADVERTISEMENT
આપણે રોજેરોજ આરતીમાં ગાઈએ છીએ.
પૂનમે કુંભ ભર્યો, સાંભળજો કરુણા… મા સાંભળજો કરુણા.
કદાચ ઘણા વાચકોને ખબર નહીં હોય કે શા માટે આરતીમાં આવું ગવાય છે.
શ્રી શિવાનંદ સ્વામી રચિત જગદંબાની ખૂબ લોકપ્રિય આરતી જયો જયો મા જગદંબેની પ્રત્યેક પંક્તિ અર્થપૂર્ણ છે અને સમજી-વિચારીને લખાઈ છે. પૂરી આરતી અર્થસભર છે. અને એમાં ઉપરોક્ત પંક્તિનો અર્થ જ થાય છે કે પૂનમે કુંભ ભરાય છે.
મતલબ કે પૂનમે નદીઓનાં નીર અમૃત જેવાં બની જાય છે. આથી જ કુંભમેળો હોય કે ન હોય પૂનમના દિવસના સ્નાનને ખૂબ જ મહત્ત્વ અપાયું છે. ચંદ્રના આધારે મતલબ કે તિથિ અનુસાર હિન્દુઓનું કૅલેન્ડર ચાલે છે.
ભારતમાં દરેક મહિનાની પૂનમે કોઈ ને કોઈ ધાર્મિક કે સામાજિક તહેવાર અવશ્ય ઊજવાય છે.
ફાગણ મહિનાની પૂનમે હોળી ઊજવાય છે, હોલિકાદહન થાય છે. તો ચૈત્રી પૂનમે હનુમાનજીનો જન્મ ધામધૂમથી ઊજવાય છે. વૈશાખી પૂનમ બુદ્ધજયંતી તરીકે પણ ઊજવાય છે. જેઠ મહિનાની પૂનમે વટસાવિત્રી વ્રત ઊજવાય છે. અષાઢી પૂનમે ગુરુ પૂર્ણિમા ઉત્સાહથી ઊજવવામાં આવે છે. શ્રાવણ સુદ પૂનમે તો બળેવ, રક્ષાબંધન અને નારિયેળી પૂર્ણિમા જેવા ત્રણ-ત્રણ તહેવાર ઊજવવામાં આવે છે. ભાદરવી પૂનમ મા અંબાના પ્રાગટ્યદિન તરીકે ઊજવાય છે. આસો મહિનાની પૂનમે શરદ પૂનમ તો કારતકની પૂનમે દેવોની દિવાળી ઊજવાય છે. માગશરની પૂનમ દત્તાત્રય જયંતી તરીકે ઊજવાય છે. પોષની પૂનમ પોષી પૂનમ તરીકે તો હવે આવતી મહા મહિનાની પૂનમ માઘી પૂનમ તરીકે ઊજવાશે.
તહેવારો-વ્રતોની ઉજવણીની સાથે-સાથે પૂનમનું સ્નાન ખરેખર મહત્ત્વનું છે. આ દિવસે ચંદ્રની અસરથી પાણીને ઔષધીય ગુણો પ્રાપ્ત થાય છે.
જ્યોતિષની દૃષ્ટિએ ચંદ્રની અસર પાણી અને પાણી જેવા ચંચળ મન પર ખૂબ થાય છે. પૂનમના દિવસે નદી સ્નાન કરવાથી શરીરનું સ્વાસ્થ્ય તો સુધરે છે, સાથે માનસિક શક્તિ પણ પ્રબળ બને છે.
આપણે ત્યાં દર અઠવાડિયે કામના કેટલા કલાકો હોવા જોઈએ એનો વિવાદ ચાલી રહ્યો છે ત્યારે જણાવવાનું કે અગાઉના સમયમાં આપણી પ્રજા આજના સરકારી બાબુ જેવી આળસુ નહોતી. અંગ્રેજોએ મહિનામાં ચાર ૨વિવાર રજા રાખી. છ દિવસનું અઠવાડિયું બનાવી દીધું હતું, પરંતુ આપણે ત્યાં પૂનમ અને અમાસ એમ મહિનાના બે જ દિવસ રજાઓ પળાતી. એમાંય પૂનમના દિવસે મંદિર-તીર્થસ્નાન, ઉપવાસ અને દાન જેવાં કાર્યો કરવામાં આવતાં, જ્યારે અમાસના દિવસે ધંધારોજગા૨ બંધ રાખવામાં આવતા.
આપણે ત્યાં પૂનમના દિવસે ખાસ કરીને શક્તિરૂપી માતાજીના સ્થાનકે દર્શન કરવા જવાનો રિવાજ બહુ જૂનો છે. ગુજરાતમાં અંબાજી, બહુચરાજી અને પાવાગઢ જેવા માતાજીના સ્થાનકે લોકો પૂનમ ભરવા જાય છે.
પૂનમના દિવસે માતાજીનાં દર્શનથી તેમના જેવી શક્તિ અને શૌર્ય માટેની પ્રેરણા મળે છે તો આ દિવસે પૂનમનો ચંદ્ર નદીનાં નીરને પોતાનાં કિરણો પાઈને શક્તિવાન બનાવે છે. સૂર્યના અસહ્ય પ્રખર કિરણોને કોમળ અને સહ્ય બનાવવાનું કામ આ ચંદ્ર કરે છે. સત્યનારાયણની પૂજા પૂનમને દિવસે કરવાનું અનેરું મહત્ત્વ છે. કુંભ એટલે કળશ. કોઈ પણ પૂજા વખતે તાંબાના કળશમાં પાણી ભરીને એમાં વરુણ દેવ (જળ દેવ)ને આમંત્રણ અપાય છે. તેમની આગતા-સ્વાગતા થાય છે.
આમ કુંભ અને પાણીને ઊંડો સંબંધ છે.
કુંભમેળામાં ન જઈ શકાયું હોય તો કોઈ પણ પૂનમે કોઈ પણ નજીકની વહેતી નદીમાં મા ગંગા, જમુના અને સરસ્વતીને યાદ કરીને ભાવપૂર્વક અને શ્રદ્ધાપૂર્વક સ્નાન કરવાથી તનમન સ્વસ્થ રહે જ છે. એટલે જ સ્વામી શિવાનંદે ગાયું છે,
પૂનમે કુંભ ભર્યો છે. મા અમારી ફરિયાદ સાંભળજો.
(ક્રમશઃ)


