પર્યુષણ પર્વ જગતના જીવોને પૈગામ આપે છે કે જીવનમાં સત્યનો સ્વીકાર કરતાં શીખો. સત્ય શુગર કોટેડ હોતું નથી. સત્ય હંમેશાં સત્ય જ રહે છે.
પર્યુષણનો પાવન સંદેશ
પ્રતીકાત્મક ફાઈલ તસવીર
પર્યુષણ પર્વ જગતના જીવોને પૈગામ આપે છે કે જીવનમાં સત્યનો સ્વીકાર કરતાં શીખો. સત્ય શુગર કોટેડ હોતું નથી. સત્ય હંમેશાં સત્ય જ રહે છે. જોકે દંભનો દશકો હોય, પણ સત્યની શતાબ્દીઓ હોય છે. જીવનમાં સત્યનું આચરણ અતિ જરૂરી છે.
પાપીનો નહિ, પાપનો ધિક્કાર કરવાનો છે. વ્યક્તિની ભૂલ થાય તો તે વ્યક્તિનો તિરસ્કાર કરશો નહીં. માણસ માત્ર ભૂલને પાત્ર તેમ સમજીને પડી જાય તેને બેઠો કરવામાં નિમિત્ત બનજો.
અવગુણને જોવાને બદલે સદ્ગુણ જોતાં શીખી જવું જરૂરી છે. અવગુણ શોધનારને અશાંતિ અને સદ્ગુણ જોનારને શાંતિ મળશે. ડગલે ને પગલે આવતી સમસ્યાનું સાચું કારણ આપણી ખરાબ ગ્રહદશા નથી, પરંતુ ખોટી આગ્રહદશા છે.
ADVERTISEMENT
પર્યુષણમાં કોઈ આઠ ઉપવાસ (અઠ્ઠાઈ) કર્યા પછી હોટેલમાં જોવા મળે તો વ્યક્તિ કહેતો ફરશે કે મેં તો હોટેલમાં જોયા, પરંતુ ત્યારે એમ વિચારો કે હોટેલમાં જનારાએ પણ અઠ્ઠાઈ તો કરીને!
શુદ્ધ વ્યવહાર અતિ અતિ આવશ્યક છે. આજના કાળે માનવીનું ધાર્યું પરિણામ ન આવે તો બીજા સાથે અશુદ્ધ વ્યવહાર કરવા લાગે છે, પરંતુ આવા સમયમાં જ્યાં જીવો છો તેની ચિંતા કરવાને બદલે જ્યાં જવાના છો તેની ચિંતા કરો.
તમે ક્યાં બેઠા છો એ નહીં, તમારામાં કોણ બેઠું છે એ અગત્યનું છે. સમાજસુધારક બનતા પહેલાં સ્વભાવ સુધારક બનવું જરૂરી છે. ઘણા લોકો જ્યાં જાય ત્યાં આનંદ અને ઘણા જ્યાંથી જાય ત્યાં આનંદ. હવે વિચારી લેજો કેવું જીવન જીવવું છે.
શુદ્ધ વ્યવહારથી આગળ વધીને શુદ્ધાત સ્વરૂપ સુધી પહોંચી જવાશે તો પર્યુષણ સફળ બન્યા વિના રહેશે નહીં. જૈન સંસ્કૃતિ પર્વને માને છે. ‘પુનાતિ ઇતિ પર્વ’ જે આત્માને પવિત્ર બનાવે છે તે પર્વ. પર્યુષણના જુદા જુદા અર્થ છે (૧) પરિવસન: એક સ્થળે સ્થિર થવું. (૨) પર્યવસન: તપોમય અધ્યાત્મ જીવનની વર્ષગાંઠ ઊજવવી. (૩) પર્યુશમન: આત્માને દૂષિત કરનારા કષાયોનું શમન કરવું.
જીવનમાં વેર-ઝેરની ગાંઠો પડી ગઈ હોય, એને છોડવાની છે. અબોલા, શત્રુતા હશે ત્યાં સુધી આત્માની શુદ્ધિ નહીં થાય.
સીડીનું કામ શરીરને ઉપર ચડાવે. સંપત્તિનું કામ દિમાગને ઉપર ચડાવે તેમ સદ્ગુણોનું કામ આત્માને ઊંચે ચડાવે છે.
બોલીને બગાડો નહીં, સમતા ધારણ કરો. થોડું સહન કરવું એમ જે સમજે છે તે સદ્ગુણોનું ઉપાર્જન કરી શકે છે.
વર્ષોના સંબંધોને કડવી ભાષા બોલવાથી તૂટતાં વાર લાગતી નથી. માટે ક્રોધમાં ક્યારેય બોલવું નહીં.
ચપટી નમકથી રસોઈ સ્વાદિષ્ટ બને, ચમચી મેળવણથી દહીં જામી જાય, તેમ મીઠી ભાષામાં બોલવાથી ઘર નંદનવન બની જાય.
પર્યુષણમાં જીભને શુગર ફૅક્ટરી અને મગજને આઇસ ફૅક્ટરી બનાવો.
પતિએ પત્નીને ફરિયાદી સૂરમાં કહ્યું કે – બા જેવી રોટલી આવડતી નથી. પત્નીએ કહ્યું : બા જેવી રોટલી ખાવી હોય તો બાપુજી જેવો લોટ બાંધતાં શીખી જાઓ! પતિએ એ જ દિવસે ગુરુદેવ પાસે જઈને યાવત્જીવન જમતી વખતે ન બોલવાની પ્રતિજ્ઞા અંગીકાર લીધી!
જીવનમાં જીભનો વ્યાપાર એવો કરો કે બોલ્યા પછી પસ્તાવું ન પડે! માટે રિપોર્ટર નહીં પણ સપોર્ટર બનજો!