આક્ષેપ કરવાનું કારણ કદાચ તમારું અજ્ઞાન હોઈ શકે, પણ આક્ષેપ થવાનું કારણ તો તમે જ ભૂતકાળમાં તમારા જ વાવેલા આક્ષેપ હોય છે.
પર્યુષણ લેખમાળા
પ્રતીકાત્મક તસવીર
જ્યારે તમે પ્રેમ આપો છો ત્યારે તમને હજારગણો પ્રેમ મળે છે. એક આક્ષેપ કરો છો તો એક હજાર આક્ષેપ મળે છે. તમને લાગે કે કોઈ તમારા પર આક્ષેપ કરે છે, પણ ના! તમને તમારું જ રિફ્લેક્શન મળે છે.
પર્વાધિરાજ પર્યુષણ મહાપર્વ એટલે ક્ષમાપના દ્વારા આત્મશુદ્ધિ કરવાનો કલ્યાણકારી અવસર! સંવત્સરીની ક્ષમાપના ત્યારે જ સાર્થક થાય જ્યારે એક-એક અવગુણની વિશુદ્ધિ થાય. ક્ષમાપનામાં પહેલું સ્પીડબ્રેકર આવે બ્લેમિંગનું - આક્ષેપનું! આક્ષેપ કરનાર વધારે દુખી થાય કે જેના પર આક્ષેપ થાય તે વધારે દુખી થાય? તમારી દૃષ્ટિમાં જેના પર આક્ષેપ થાય તે વધારે દુખી થાય પણ જૈનદર્શન કહે છે, આક્ષેપ કરનાર વધારે દુખી થાય કેમ કે આક્ષેપ કરનારને અંતો ક્રોડાક્રોડ સાગરોપમનાં કર્મો બંધાય છે એટલે જ્યાં સુધી એના ઉપર અનેકો વાર આક્ષેપ ન થાય ત્યાં સુધી તેનાં એ કર્મો ક્ષય ન થાય.
ADVERTISEMENT
એવું નથી કે મોટા-મોટા આક્ષેપોને જ આક્ષેપ કહેવાય, નાની-નાની વાતમાં પણ આક્ષેપ થતા હોય છે; જેમ કે એણે મારી વ્યવસ્થા બરાબર નથી કરી, મારા શર્ટનું બટન ટાંક્યું નથી, મારી ચાવી ક્યાંક મૂકી દીધી છે, વગેરે... કયારેક નાની-નાની વાતોના આક્ષેપ પણ બહુ મોટા પ્રૉબ્લેમ્સ તરફ લઈ જતા હોય છે. ‘આ પર્યુષણમાં મારે મારી આક્ષેપ કરનારી દૃષ્ટિને ચેન્જ કરવી છે.’ મારે બીજાની ભૂલો જોવાના, બીજાને બ્લેમ કરવાના મારા અવગુણને વિશુદ્ધ કરવો છે. અજ્ઞાની હંમેશાં બીજાની ભૂલને શોધી એના પર બ્લેમ કરે, જ્યારે જ્ઞાની હંમેશાં સ્વયંતા કર્મોને જુએ.
આખી દુનિયા અરીસાઘર છે
એક દિવસ એક આદિવાસી એના દીકરા અને દીકરીને લઈને મોટા શહેરમાં આવ્યો. એક અમ્યુઝમેન્ટ પાર્કમાં ગયાં. ત્યાં એક અરીસાઘર હતું. પહેલાં દીકરો એ અરીસાઘરમાં ગયો. ત્યાં એક સાથે હજાર પ્રતિબિંબ દેખાય એવાં મિરર્સ હતાં. તેણે જોયું, અરે! અહીં તો કેટલા બધા લોકો છે!
દીકરાએ ક્યારેય પોતાનો ચહેરો જોયો જ નહોતો એટલે તેને ખબર જ નહતી કે આ મારું જ રિફ્લેક્શન છે. દીકરાએ સ્માઇલ કર્યું, એ હજારે સામે સ્માઇલ કર્યું. દીકરાના હાથમાં એક ફૂલ હતું, તેણે ફૂલ આપ્યું. સામે એક હજાર ફૂલ તેને આપતા હોય એવું તેણે અનુભવ્યું. તે ખૂબ ખુશ થઈ ગયો અને બહાર આવી કહ્યું, અંદર બધા ખૂબ જ સારા અને સ્માઇલિંગ છે. હવે દીકરી અંદર ગઈ. તેણે પણ હજાર લોકોને અંદર જોયા. પણ બન્યું એવું કે એ જ સમયે એના ગાલ ઉપર એક મચ્છર કરડી ગયું. ગુસ્સામાં તેણે પોતાના ગાલ ઉપર મચ્છર ઉડાડવા હાથ ઊંચો કર્યો સામે હજાર હાથ ઊંચા થયા.
દીકરી એકદમ ડરી ગઈ, ગભરાઈ ગઈ. એણે બીજી વાર હાથ ઊંચો કર્યો, સામે હજાર હાથ ઊંચા થયા. તે તરત જ બહાર આવી અને કહ્યું, અંદર બધા બહુ ખરાબ લોકો છે, બધા મને મારવા તૈયાર હતા.
આ દુનિયા આવું જ અરીસાઘર છે.
જ્યારે તમે પ્રેમ આપો છો ત્યારે તમને હજારગણો પ્રેમ મળે છે. એક આક્ષેપ કરો છો તો એક હજાર આક્ષેપ મળે છે. તમને લાગે કે કોઈ તમારા પર આક્ષેપ કરે છે, પણ ના! તમને તમારું જ રિફ્લેક્શન મળે છે. આક્ષેપ કરવાનું કારણ કદાચ તમારું અજ્ઞાન હોઈ શકે, પણ આક્ષેપ થવાનું કારણ તો તમે જ ભૂતકાળમાં તમારા જ વાવેલા આક્ષેપ હોય છે.
આક્ષેપથી બચવા શું કરવું જોઈએ?
આક્ષેપથી બચવાનો ઉપાય છે, ઍક્સેપ્ટન્સ, સ્વીકારભાવ!
‘મોટા ભાગની વ્યક્તિઓ બીજાએ કરેલા આક્ષેપોના ભારને મગજમાં લઈને જીવતા હોય છે અને એ ભારના કારણે એમનો ચહેરો પણ હંમેશાં ભારવાળો જ હોય, મરઝાયેલો જ હોય!
મુરઝાયેલા ચહરાને મુસ્કુરાતો ચહેરો કરવો એ જ તો હોય છે પર્વાધિરાજ પર્યુષણ મહાપર્વનું કર્તવ્ય! પર્વાધિરાજ સંદેશ આપે છે, બધા સાથે પ્રેમથી, બધા સાથે મૈત્રીભાવથી, સદ્ભાવથી રહો અને મન-મગજમાં કોઈ પણ પ્રકારના આક્ષેપનો ભાર ભર્યો હોય તો એને ખાલી કરી નાખો. જો આ પર્યુપણમાં મગજનો ભાર હળવો નહીં થાય તો આવતા પર્યુષણમાં એ ભાર વધી જશે.
અનુપ્રેક્ષા કરો, તમારા આક્ષેપો કેવા છે?
ગન જેવા કે મશીનગન જેવા? અજ્ઞાની મશીનગન જેવા હોય અને જ્ઞાની ગન જેવા પણ ન હોય. આજે આક્ષેપોનું પ્રતિક્રમણ કરો, મેં ગનની જેમ કે મશીનગનની જેમ કેટલા પર કેવા-કેવા બ્લેમ કર્યા છે? કોના-કોના આક્ષેપોના રીઍક્શન આપીને એના ઉપર ખોટા આક્ષેપો કર્યા છે? એણે તો સાચો આક્ષેપ કર્યો હતો, પણ એ દુ:ખ મારાથી સહન ન થયું એટલે મેં એના પર ખોટો આક્ષેપ કર્યો હતો. એક-એક આક્ષેપ પોતે યાદ કરી એનું પ્રતિક્રમણ કરો,
પર્વાધિરાજ બીજો સંદેશ આપે છે કે ‘વાર’ કરતાં પહેલાં ‘વાર’ લગાડવી. અર્થાત્ વાર એટલે કે પ્રહાર. કોઈના પર શબ્દોનો, આક્ષેપનો પ્રહાર કરતાં પહેલાં વાર લગાડવી અર્થાત્ થોડો સમય ધીરજ રાખવી, થોડી પેશન્સ રાખવી જેથી બધું શાંત થઈ જાય. ક્યારેક આપણું ભલું કરવાવાળા પણ આપણને ભલા નથી લાગતા. આપણું હિત કરવાવાળા હોય પણ આપણને હેટ કરવાવાળા લાગતા હોય છે.
જગતમાં તમને કોઈ અન્યાય કરી શકે તેમ નથી. તમારાં જ કર્મોનો તમને ન્યાય મળે છે. જગતમાં કોઈ તમારા પર આક્ષેપ નથી કરતું, તમે પાસ્ટમાં કરેલા આક્ષેપનું પરિણામ જ આક્ષેપરૂપે
મળે છે. છતાં મનમાં એ આક્ષેપ મહિનાઓ અને વર્ષો સુધી કાંટાની જેમ ખૂંચતો હોય છે. મન-મગજમાં ખૂંચતાં એ દ્વેષના, એ અણગમાના કાંટાને કાઢવા માટે હોય છે પર્વાધિરાજ પર્યુષણ મહાપર્વ!
આપણું બ્રેઇન આક્ષેપોની ફૅક્ટરી બની હંમેશાં બ્લેમ કરતું જ રહે છે અને એ બ્લેમનું પ્રોડક્શન જ્યારે બહુ હાઈ થઈ જાય ત્યારે એ બ્લેમ લાસ્ટમાં ફ્લેમ બની જાય છે, જે સ્વયંને પણ બાળે અને અન્યને પણ બાળે! પર્વાધિરાજ પર્યુષણ મહાપર્વ તમારી જીભને શુગર ફૅક્ટરી બનાવવા આવ્યા છે, પણ એ ત્યારે જ બને જ્યારે તમારું મગજ આઇસ ફૅક્ટરી હોય!
આક્ષેપ કરવાવાળા ક્યારેય સુખી થતા નથી અને ક્ષમા આપવાવાળા સુખી થયા વિના રહેતા નથી.
ભૂતકાળના આક્ષેપોની કરો ક્ષમાપનાઃતમારા મનમાં, ચિત્તમાં, હૃદયમાં, આત્મ પ્રદેશમાં જેના-જેના માટે અન્યાયની 1૦૦1725 હોય અને એ અન્યાયના કારણે એને ઇાઢાળ૯ કરતા હો તો આજે આ મારાં જ કર્મોનું ફળ છે એમ માનીને ક્ષમાપના કરી લો. તમારા બધા બ્લેમ, બધાં આક્ષેપો, અણગમો, કુર્ભાવ અને નેગેટિવિટીને ડિલીટ ફૉર ઑલ કરી હળવા અને પ્રસન્ન થઈ જાઓ. કેમ કે જ્યાં પ્રસન્નતા હોય ત્યાં પરમાત્માનો વાસ હોય! જ્યાં અણગમો હોય ત્યાં અરિહંત ક્યારેય ન પધારે! જ્યાં દ્વેષ હોય ત્યાં સિદ્ધત્વની શરૂઆત પણ ન હોય!