દરેક વ્યક્તિ ચોવીસે કલાક ધ્યાનમાં રહે છે. એક પણ સેકન્ડ ધ્યાન વિનાની હોઈ જ ન શકે. આગમ સમ્યવાચક સૂત્રોમાં ધ્યાનના જે ચાર પ્રકારો બતાવેલા છે એ આર્તધ્યાન, રૌદ્ર ધ્યાન, ધર્મ ધ્યાન અને શુક્લ ધ્યાન વિશે જાણીએ
પ્રતીકાત્મક તસવીર
ધ્યાન વિશે ઘણું વાંચ્યું, સાંભળ્યું, ઘણી ચર્ચાઓ કરી. છતાં એક પ્રશ્ન સતાવે છે. આજે પણ ધ્યાન એટલે શું? ધ્યાન કેવી રીતે કરાય? ધ્યાન ક્યારે કરાય? એની કોઈ સમય સીમા ખરી? કયા સમયે કસરત, ધ્યાન કે મેડિટેશન કરવાનું, શું કામ? એનાથી થાય શું? કોણ કરી શકે? એની વાસ્તવિકતા શું છે? ભગવાન મહાવીરે ખૂબ જ સચોટ ઉત્તર આપ્યો. દરેક વ્યક્તિ ૨૪ કલાક ૩૬૫ દિવસ ધ્યાનમાં રહે છે. એટલે કે પૂરું જીવન ધ્યાનમાં જ હોય છે. એક પણ ક્ષણ કે સેકન્ડ ધ્યાન વિના ન હોઈ શકે. છેને આશ્ચર્ય! આગમનાં સમ્યવાચક સૂત્રોમાં ધ્યાનના ચાર પ્રકાર બતાવેલા છે - આર્તધ્યાન, રૌદ્ર ધ્યાન, ધર્મ ધ્યાન, શુક્લ ધ્યાન.
આર્તધ્યાનના ચાર ભેદ છે. ઈષ્ટ વિયોગ, અનિષ્ટ સંજોગો, રોગ તથા ભવિષ્યના વિચારો, જ્યારે આપણે પ્રિય સ્વજનથી વિયોગ થાય જે દુખી થઈને સમયમાં માનસિક રીતે એમને યાદ કરીને વિલાપ કરીએ એ એક. અણગમતી વ્યક્તિ કે અણગમતું કાર્ય ઘણી વાર કરવું જ પડે એ વખતના માનસિક વિચારો, ફોગટના ભવિષ્યની ચિંતા અથવા માંદગીના લીધે સ્વાસ્થ્ય બગાડતાં સતત ટેન્શનમાં રહેવું. હું કરીશ તો જ થાય, મારા વગર કંઈ કોઈ કરી જ ન શકે. ‘હું કરું હું કરું એ જ અજ્ઞાનતા, શકટનો ભાર જાણે શ્વાન તાણે’. આ બધાં કાર્યો વખતે દેખાવ કે આડંબર કંઈ પણ હોય, પરંતુ માનસિક રીતે જે દ્વેષ કે રાગ ભાવમાં હોય એ આર્તધ્યાન છે, જેના કારણે તિર્યચ ગતિમાં જવાય છે. એટલે રોદણાં કદી પણ રડવાં નહીં જોઈએ.
ADVERTISEMENT
રૌદ્ર ધ્યાનમાં હિંસા, ચોરી, મૃષા, સંરક્ષણ જેવા ચાર ભેદ છે. કોઈની હિંસા કરો કે ન કરો પણ માનસિકતાથી કોઈના માટે વિચાર્યું. ઉદા : તરીકે (ચોખા) અક્ષત જેવડી નાની માછલી શાર્ક માછલીના મોઢામાંથી બહાર આવી જાય છે. પણ એ અક્ષત જેવડી નાની માછલી ફક્ત વિચારે છે કે આ શાર્ક માછલીને તો કંઈ ખબર જ નથી, એના બદલે હું હોઉં તો કોઈને ન છોડું બરાબર ચાવી-ચાવીને ખાઈ જાઉં. એનું આયુષ્ય છે ૪૮ મિનિટનું પણ આ ૪૮ મિનિટના આયુષ્યમાં એના આ વિચારોના કારણે નરક ગતિ પ્રાપ્ત કરે છે. કંઈ પણ કર્યું જ નથી, ફક્ત વિચાર્યું છે. એ જ રીતે જૂઠું બોલવાની આદત અથવા કારણ વગર જૂઠું બોલ્યા કરવું. લોભવૃત્તિ વધારે હોય અથવા દિવસ-રાત પોતાનો ફાયદો જ જુએ, બીજાનું કોઈ પણ કંઈ નહીં, ફક્ત પૈસા જ ભેગા કરવાવાળા સતત આવી માનસિકતામાં રચવાવાળા સીધા નરકગતિમાં જાય છે.
ધર્મ ધ્યાન અને શુક્લ ધ્યાન સૌથી શ્રેષ્ઠ છે. ધ્યાન કે મેડિટેશનની ટોટલ ૨૫૨ પદ્ધતિઓ પ્રચલિત છે. ધ્યાનથી કર્મ ખપાવવાનું ભગવાન મહાવીરે કહેલું છે જે બહારની દુનિયાથી પોતાની અંદરથી જાણવાનું છે. ઓળખવાનું છે. એક ખૂબ જ સુંદર ઉ.દા તરીકે લઈ શકાય. હરણની નાભિમાં કસ્તુરી છે, જેની સુગંધ ખૂબ જ પ્રચલિત છે પણ હરણને નથી ખબર માટે એ બહાર શોધે છે કે આ સુગંધ આવે છે ક્યાંથી? આપણે પણ આમ જ કરીએ છીએ. જે દિવસે ધ્યાનની લગની લાગી ગઈ એ દિવસે બહારની દુનિયામાં રસ નહીં રહે. આજના જમાનાનું ઉ.દા. ચેઇન સ્મોકરનું લઈ શકાય. એને સિગારેટ જોઈએ જ જોઈએ કેમ કે એનું બંધારણ છે. તેને દુનિયાથી કે તેના શરીરને થઈ રહેલા નુકશાનથી કંઈ લેવાદેવા જ નથી. તેને સિગારેટ વગર ચાલતું જ નથી. એ સિગારેટ મળી તો પોતાનામાં જ મસ્ત થઈ જશે અને તલપ પૂરી કરે છે. એવી જ રીતે જો ધ્યાનની તલપ લાગશે તો જ ધ્યાન સરળ છે. કરવાનું કંઈ છે જ નહીં, રમણ મહર્ષિ ધ્યાનમાં મગ્ન થતાં આસપાસનું ભાન જ ભૂલી ગયા. તેમનો પગ કીડાઓ ખાઈ ગયા એની પણ જાણ ન રહી. એ જ રીતે પ. પૂ. વસંતપ્રભાશ્રીજી મ.સા. આસપાસના વાતાવરણથી અલિપ્ત થઈ જાય છે. આ રીતે ધ્યાનયોગીઓને ઘણી સિદ્ધિઓ પ્રાપ્ત થાય છે. દરેકને જુદા-જુદા અનુભવો થાય છે. દરરોજ કોઈક નવો જ અનુભવ થતો રહે છે. દરેકની પાત્રતા અને યોગ્યતા અનુસાર ધીરે-ધીરે એમાં આગળ વધી શકાય છે. એમાં સાચા જીવંત ગુરુનો સહયોગ થાય તો સોનામાં સુગંધ ભળે. ધ્યાનનો સાચો માર્ગ તેના જ દ્વારા પ્રાપ્ત થાય છે.

