મનુષ્ય અને કબૂતરોનું સહઅસ્તિત્વ બનાવી રાખવા માટે ઊંચાં ટાવર બાંધવામાં આવે. કબૂતરોને ચણ નાખવું એ હિન્દુ ધર્મની એક પરંપરા છે
ગઈ કાલે દાદરના કબૂતરખાનાની આસપાસ ચણ શોધતાં કબૂતરો. તસવીર : કીર્તિ સુર્વે પરાડે
સુપ્રીમ કોર્ટે ગઈ કાલે કબૂતરોને ચણ નાખવાથી લોકોના સ્વાસ્થ્ય સંદર્ભે સમસ્યાઓ ઊભી થાય છે એવા બૉમ્બે હાઈ કોર્ટના નિર્ણયના વિરોધમાં કરાયેલી અરજી સંદર્ભે દરમ્યાનગીરી કરવાની ના પાડી દીધી હતી. સુપ્રીમ કોર્ટના જસ્ટિસ જે. કે. માહેશ્વરી અને જસ્ટિસ વિજય બિશ્નોઈની બેન્ચે કહ્યું હતું કે ‘આ બાબતે બૉમ્બે હાઈ કોર્ટમાં સુનાવણી ચાલી રહી છે ત્યારે એની સમાંતર સુનાવણી કરવી યોગ્ય નહીં ગણાય. જો અરજદારને હાઈ કોર્ટના ૩૦ જુલાઈના આદેશમાં કોઈ માૅડિફિકેશન જોઈતું હોય તો તેઓ એ માટે હાઈ કોર્ટમાં રજૂઆત કરી શકે છે.’
બૉમ્બે હાઈ કોર્ટે એના આદેશમાં બૃહન્મુંબઈ મ્યુનિસિપલ કૉર્પોરેશનને કહ્યું હતું કે કબૂતરોને ચણ નાખવા પર બંધી છે ત્યારે દાદર કબૂતરખાના કે અન્ય કબૂતરખાનામાં જો કોઈ વ્યક્તિ કબૂતરોને ઉદ્ધતાઈથી ગેરકાયદે ચણ નાખે તો તેની સામે ફર્સ્ટ ઇન્ફર્મેશન રિપોર્ટ (FIR) દાખલ કરો.
ADVERTISEMENT
બૉમ્બે હાઈ કોર્ટના એ આદેશ સામે સુપ્રીમ કોર્ટમાં અરજી કરવામાં આવી હતી, જેમાં અરજદારો દ્વારા રજૂઆત કરતાં સૂચન કરીને કહેવામાં આવ્યું હતું કે ‘મનુષ્ય અને કબૂતરોનું સહઅસ્તિત્વ બનાવી રાખવા માટે ઊંચાં ટાવર બાંધવામાં આવે. કબૂતરોને ચણ નાખવું એ હિન્દુ ધર્મની એક પરંપરા છે, પ્રથા છે. વળી કબૂતરોને કારણે સ્વાસ્થ્ય સંદર્ભે સમસ્યાઓ થાય છે એનો પ્રભાવ બહુ જ ઓછો હોય છે. જોકે એ સામે વાહનોના પ્રદૂષણ અને અન્ય કારણોને કારણે અસ્થમા જેવી બીમારી વધુ થતી હોવાનું જણાઈ આવ્યું છે એટલે મુંબઈમાં ૫૧ જગ્યાએ દાયકાઓથી કબૂતરખાનાં આવેલાં છે એને બંધ કરવાની જરૂર નહોતી.’


