ભૂલનો સ્વીકાર, માણસ માત્ર ભૂલને પાત્ર. આ કહેવતને બે છેડેથી અપ્લાય કરવાની છે.

પ્રતીકાત્મક તસવીર
- હું માણસ છું માટે મારાથી પણ ભૂલ થઈ શકે તેથી મારે એવો ફાંકો ન મારવો જોઈએ કે મારાથી ક્યારેય ભૂલ થાય જ નહીં. અંદરમાં બેઠેલો તોતિંગ અહંકાર ક્યારેય પોતાની જાતને કલ્પ્રિટ તરીકે સ્વીકારવા તૈયાર જ થતો નથી. તેથી વાસ્તવમાં પોતાની ભૂલ થાય ત્યારે પણ તેને જસ્ટિફાય કરવાનો પ્રયત્ન થાય છે. રેક્ટિફાય કરવાનો પ્રયત્ન નથી થતો. આમ ભૂલનો સ્વીકાર નહીં કરવાની મનોવૃત્તિ સરળતા ગુણનો અવરોધ કરે છે. પોતાની ભૂલનો સહજતાથી સ્વીકાર કરી લેવો એનું નામ છે સરળતા. પૂજ્ય શ્રી હરિભદ્રસૂરિ મહારાજા કહે છે, હૃદયની સરળતા એ જ ખરો મોક્ષ માર્ગ છે.
- હવે જો ભૂલ સામે છેડે થઈ હોય તો તેનો પણ સ્વીકાર કરી લેવાનો છે. એ ભૂલની ક્ષમા આપી દેવાની છે. ભૂલ સામા પક્ષે થાય ત્યારે ક્ષમાને અને સ્વપક્ષે થાય ત્યારે સરળતાને વ્યક્ત થવાનો એક અવસર મળે છે.
ભૂલ કોનાથી ન થાય? ભગવાનથી ન થાય. જેનાથી ભૂલ થાય જ નહીં તેનું નામ ભગવાન. જે પોતાની ભૂલનો સ્વીકાર કરે તેનું નામ ઇન્સાન. કરેલી ભૂલનો બચાવ કરે તે હેવાન અને પોતે કરેલી ભૂલનો બીજા પર આરોપ કરે તે શેતાન.
મનને એવું ટાઇટ અને રિજિડ ન બનાવી દેવું જોઈએ કે એના દરવાજા બંધ જ રહે. મનના દરવાજા બંધ હોય તો કોઈ સાચી અને સારી વાત એમાં પ્રવેશી ન શકે અને અંદરના ગંદા કચરા બહાર નીકળી ન શકે. ચિત્તસમાધિ માટે જેમ પરિસ્થિતિના સ્વીકારની માનસિકતા ઘડવી જોઈએ એમ સરળતા ગુણની પ્રાપ્તિ માટે ભૂલના સ્વીકારની માનસિકતા ઘડવી ખૂબ જરૂરી છે. ભૂલ કરવી કે થઈ જવી એ માનવસહજ મર્યાદા છે. પરંતુ ભૂલોનો સ્વીકાર કરવાના બદલે બચાવ કરવો એ તો વિકૃતિ છે. ભૂલ કરવી એ નાની ભૂલ છે. ભૂલ છુપાવવી કે છાવરવી એ મોટી ભૂલ છે. જ્યારે આપણે ભૂલનો બચાવ કરીએ છીએ ત્યારે આપણા સાચા કે સારાનો પક્ષ છોડીને ખોટા કે ખરાબના પક્ષમાં બેસીએ છીએ. ભૂલ કબૂલ કરી લેવાથી ભૂલનું વજન ઘણું ઘટી જાય છે અને ભૂલનો બચાવ કરવાથી ભૂલ ખૂબ વજનદાર બની જાય છે. ભૂલ કબૂલ કરનારને માફી મળી શકે. ભૂલ છુપાવનાર અને છાવરનાર સજાપાત્ર બને છે.
એક રાજા પોતાના જન્મદિવસે જેલની મુલાકાતે ગયા. દરેક કેદીની વ્યક્તિગત મુલાકાત લઈ રહ્યા હતા.
દરેક કેદીને પૂછ્યું, બોલ તારો શું ગુનો છે?
એક કેદીએ કહ્યું, મારા પર ચોરીનો આરોપ મુકાયો છે પણ હું નિર્દોષ છું.
બીજાએ કહ્યું, મારા પર ખૂનનો આરોપ છે પણ હું નિર્દોષ છું.
બધા કેદીઓનો આવો જ જવાબ હતો, મારા પર અમુક ખોટા આરોપ મૂકીને મને જેલમાં પૂરવામાં આવ્યો છે પણ હું નિરપરાધી અને નિર્દોષ છું.
એક ખૂણામાં એક કેદી બેઠો હતો. રાજાએ તેને પૂછ્યું, તું કેમ જેલમાં છે? શું ગુનો કર્યો હતો? તે કેદીએ જવાબ આપ્યો, હું ખરેખર મોટો અપરાધી છું. મેં ક્રોધમાં આવીને મારા ભાઈને ઢોરમાર માર્યો હતો. મારો ગુનો ઘણો મોટો અને ગંભીર છે. સગા ભાઈ પ્રત્યેનો અપરાધ મોટો ન ગણાય? મને એવું લાગે છે કે મને બહુ નાની સજા કરવામાં આવી છે.
રાજાએ જેલના સુપરિન્ટેન્ડન્ટને કહ્યું, આ એક દોષિત ગુનેગાર (?) ને જેલમાંથી રવાના કરો નહીંતર બીજા નિર્દોષ (?) કેદીઓને બગાડી દેશે.
આ સંસાર પણ એક જેલ છે. આપણે બધા એમાં કેદી છીએ. જે પોતાની ભૂલો કબૂલ કરે છે તેને પ્રભુ માફ કરે છે અને મુક્ત કરે છે.
સોરઠ પ્રાંતમાં વંથલી ગામની આ એક ઐતિહાસિક ઘટના છે.
દેશદેશાવરનું વહાણવટું કરનારા મોટ શ્રીમંત વેપારી સવચંદ શેઠનાં વહાણો અટવાઈ ગયાં. ભારે ભીડમાં આવી ગયાં. લેણદારોની મોટી કતાર લાગી. બાજુના ગામના એક ઠાકોરના પણ એક લાખ રૂપિયા સવચંદ શેઠ પાસે હતા. તેમણે કડક ઉઘરાણી કરી. ઇજ્જતનો સવાલ હતો. સવચંદ શેઠે અમદાવાદના સોમચંદ શેઠ ઉપર એક લાખ રૂપિયાની હૂંડી લખી આપી. સવચંદ શેઠને સોમચંદ શેઠ સાથે કોઈ ઓળખાણ-પિછાણ કે આર્થિક વ્યવહાર નહોતો. હૂંડી લખતાં આંખમાંથી પડેલાં આંસુનાં ટીપાંથી અક્ષરો ચેરાઈ ગયા હતા. સોમચંદ શેઠ સમજી ગયા કે કોઈ ખાનદાની શેઠ ભીડમાં હશે. તેમણે મારા પરના વિશ્વાસથી હૂંડી લખી છે. તેમણે ઠાકોરને એક લાખ રોકડા ચૂકવી દીધા.
આપણે ઘણીબધી ભૂલો અને પાપો કરીને કર્મના દેવાદાર બન્યા છીએ. એ બધું દેવું ચૂકવવાની આપણી તાકાત નથી પણ કર્મ એવો પઠાણી લેણદાર છે જે પોતાની ઉઘરાણી વસૂલ કર્યા વગર રહેવાનો જ નથી. એક જ ઉપાય છે - પરમાત્મા ઉદાર છે. તેમની ઉપર હૂંડી લખી દઈએ.
આપણી તમામ ભૂલો અને પાપોનો સ્વીકાર અને પશ્ચાત્તાપ સાથેનો એકરાર કરીએ તો આપણી એ ભૂલો અચૂક માફ થઈ જાય છે. જરૂર છે ગદ્ગદ ભાવે પોતાની ભૂલોના સ્વીકારની.
ભીતરમાં બેઠેલા અહંકારને અને તુચ્છવૃત્તિને કારણે ભૂલનો સ્વીકાર કરવાની ખેલદિલી પ્રગટ થતી નથી અને તેથી આગળ વધીને ક્યારેક પોતાની ભૂલ બીજા પર ઢોળી દેવાનો નીચ પ્રયત્ન થતો હોય છે.
બીજાના કાર્યના યશનો લાડવો પોતે લૂંટી લેવો અને પોતાનો ભૂલનો ટોપલો કોઈના માથે મૂકી દેવો આ બન્ને વૃત્તિ અત્યંત નિમ્ન કક્ષાની છે.
યાદ આવે છે ગોપાલકૃષ્ણ ગોખલે. તે નિશાળમાં ભણતા હતા ત્યારની વાત છે. શિક્ષકે હોમવર્કમાં ગણિતનો એક અઘરો દાખલો બધાને ગણી લાવવા આપ્યો હતો. દાખલો અઘરો હતો. બધાનો દાખલો ખોટો હતો, માત્ર ગોપાલકૃષ્ણનો જ જવાબ સાચો હતો. શિક્ષક તેના પર ખૂબ પ્રસન્ન થયા. તેની ખૂબ તારીફ કરી. આટલો કઠિન દાખલો સાચો ગણી લાવવા બદલ ખૂબ અભિનંદન આપ્યાં. શિક્ષકે તેને પ્રથમ નંબર જાહેર કર્યો. ખુશ થવાને બદલે ગોપાલકૃષ્ણ રડવા લાગ્યો. શિક્ષકે રડવાનું કારણ પૂછ્યું તો ગોપાલકૃષ્ણએ કહ્યું, મારે પહેલો નંબર નથી જોઈતો. આ બધાં અભિનંદન અને પ્રશંસાનો હું અધિકારી નથી. આ દાખલો મેં નથી ગણ્યો. મેં દાખલો બીજા પાસે કરાવ્યો છે. મેં તમને છેતર્યા છે. મને માફ કરો.
મોટું ભવ્ય પરાક્રમ કરી દેવું સહેલું છે પણ સાચી ખેલદિલી દાખવવી ખૂબ દુષ્કર છે.
ટેનિસ બૉલ ટુર્નામેન્ટની ફાઇનલ મૅચ હતી. રુબેન ગૉન્ઝાલેસ વિશ્વ વિખ્યાત પ્લેયર, તે મૅચમાં રમી રહ્યા હતા. વિશ્વ વિક્રમ સર્જવાના ઊજળા સંજોગો હતા. ખૂબ સુંદર શૉટ માર્યો. રેફરીએ તેમના શૉટને યોગ્ય ગણાવી તેમને વિજેતા ઘોષિત કર્યા. ઑડિયન્સે તાળીઓના ગડગડાટથી વધાવ્યા. ગૉન્ઝાલેસના આ વિશ્વ વિક્રમને સૌએ સ્ટૅન્ડિંગ ઓવેશન આપીને સત્કાર્યો.
પરંતુ ગૉન્ઝાલેસે થોડા સંકોચ બાદ પોતાના પ્રતિસ્પર્ધી સાથે હાથ મિલાવતાં કહ્યું. મારો શૉટ ખોટો હતો. આવી કબૂલાતના કારણે ગૉન્ઝાલેસ સર્વિસ અને મૅચ હારી ગયા. ઘણા લોકો તેમને ટોળે વળ્યા અને પૂછ્યું, તમે આવું કેમ કર્યું? આવો એકરાર કરવાને કારણે તમે મૅચ હારી ગયા અને વિશ્વ વિક્રમ ચૂકી ગયા. તેમણે ખુલાસો કરતાં કહ્યું, મારા ખમીરને અને ખેલદિલીને જીવતા રાખવા માટે મારી પાસે આ સિવાય બીજો કોઈ ઉપાય નહોતો.
મૅચ હારી ગયા, પણ જીવન જીતી ગયા.
- જૈનાચાર્ય વિજય મુક્તિવલ્લભસૂરીશ્વરજી મ.સા.