Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


Aarti and bhajan Aarti and bhajan
હોમ > લાઇફસ્ટાઈલ સમાચાર > સંસ્કૃતિ અને વારસો > આર્ટિકલ્સ > ચૈત્ય પરિપાટી : પ્રભુભક્તિનો જમણવાર

ચૈત્ય પરિપાટી : પ્રભુભક્તિનો જમણવાર

17 September, 2023 03:20 PM IST | Mumbai
Acharya Vijay Ratnasundersurishwarji Maharaj

પર્યુષણ પર્વ દરમ્યાન કરવાનાં પાંચ કર્તવ્યોમાં એક છે ચૈત્ય પરિપાટી - ચૈત્ય એટલે જિનાલય

પ્રતીકાત્મક તસવીર

જિન વાણી

પ્રતીકાત્મક તસવીર


પર્યુષણ પર્વ દરમ્યાન કરવાનાં પાંચ કર્તવ્યોમાં એક છે ચૈત્ય પરિપાટી - ચૈત્ય એટલે જિનાલય. દલેક શ્રાવક-શ્રાવિકા પ્રતિદિન પોતાના સંઘમાં રહેલા જિનાલયમાં દર્શન-પૂજા કે સંધ્યાકાળની આરતી માટે જાય છે, પરંતુ વિશેષ ભક્તિભાવ પ્રગટે એ આશયથી પર્યુષણ પર્વને અનુલક્ષીને ચૈત્ય પરિપાટી કરવાનું કર્તવ્ય છે. સકળ સંઘ સાથે મળીને ગુરુ નિશ્રાએ અનેક જિનાલયોની દર્શનયાત્રા એટલે ચૈત્ય પરિપાટી. પોતાના વિસ્તારના નજીક-દૂરનાં જિનાલયોને ચૈત્ય પરિપાટીમાં આવરી લેવાય છે. જિનાલયમાં સમૂહ ભક્તિ થાય અને સંઘપૂજાનાં ઉપકરણો - દ્રવ્યોની છાબ દરેક જિનાલયમાં સમર્પિત કરે. સૌના દિલમાં પ્રભુભક્તિમાં અદ્ભુત ઉત્સાહ હોય છે. અન્ય લોકોને વિક્ષેપ ન થાય એ મર્યાદા જાળવીને સમૂહમાં નારા બોલાતા હોય અને ભક્તિગીતો ગવાતાં હોય છે. સૌથી આગળ મંગલ વાદ્ય વાગતાં હોય છે. ત્યાર બાદ પૂજ્ય ગુરુભગવંતો ચાલતા હોય છે. એ પછી શ્રાવકો, સાધ્વીજી  ભગવંતો અને શ્રાવિકાઓ ચાલતાં હોય. સહુ શ્રાવક-શ્રાવિકાઓએ જાજરમાન વેશ પરિધાન કર્યો હોય. સાથે શણગારેલી બગીમાં લાભાર્થી પરિવાર બેઠેલો હોય. સૌના પગ પ્રાયઃ ચંપલ-બૂટ વગરના ખુલ્લા હોય. આ સમૂહયાત્રાનું સંપૂર્ણ દૃશ્ય આંખોને ઉત્સવ થાય એવું હોય છે. કેટલાક ભાગ્યશાળીઓ તો પૂજાનાં વસ્ત્રોમાં હોય છે અને દરેક જિનાલયે જિનપૂજા પણ કરતા હોય છે.


ચૈત્ય પરિપાટી એટલે પ્રભુભક્તિનો જમણવાર. માણસ ઘરે રોજ ભોજન કરે છે અને પ્રસંગ-તહેવારે જમણવારમાં જવાનું થતું હોય છે, પરંતુ રોજના ભોજન અને જમણવારના ભોજન વચ્ચે બહુ મોટો ફરક છે. રોજના ઘરના ભોજનમાં લગભગ ફિક્સ્ડ મેનુ હોય છે. શાક-રોટલી, દાળ-ભાત, પાપડ કે એકાદ સૅલડ. જમવાનો સમય થાય એટલે ડાઇનિંગ ટેબલ સામે બેસીને જમી લેવાનું અથવા તો ઑફિસે ટિફિન આવે તો લંચ-બ્રેકના સમયે ટિફિન ખોલીને જમી લેવાનું. જમતી વખતે સાથે બીજું કોઈ જમનાર હોય કે ન પણ હોય. જમતાં પહેલાં ન હોય જમવાના વિચાર કે જમ્યા પછી નથી હોતી એની ખાસ કોઈ યાદ.



જમણવારની વાત જુદી છે. કોઈના ભોજન સમારંભમાં જમવાનું આમંત્રણ મળ્યું હોય ત્યારથી એક છૂપી ઉત્કંઠા મનમાં રમ્યા કરે છે. ભોજન સમારંભમાં સમૂહમાં જમવાનો આનંદ કાંઈક ઑર જ હોય છે. ભોજન સમારંભ છે એટલે માત્ર ચાર-પાંચ સાદી વાનગી જ ન હોય, વિવિધ વાનગીઓ એ ભોજન સમારંભની સહજ ઓળખાણ ગણાય. વળી ભોજન  સમારંભમાં જમી લીધા પછી તરત એનું વિસ્મરણ થઈ જતું નથી. એની મીઠી યાદ પણ થોડા સમય સુધી મનમાં સચવાયેલી રહે છે.


આમ સાદા ભોજન કરતાં જમણવારના ભોજનમાં ૬ બાબતો વિશેષ હોય છે.

1. જમતાં પૂર્વે ઉત્કંઠા, 2. સમૂહ, 3. વાનગીઓનું વૈવિધ્ય, 4. વાનગીઓનું વૈશિષ્ટ્ય, પ. જમતી વખતે આનંદ, ઉલ્લાસ અને લહેજતનો અનુભવ, 6. જમી લીધા પછી પણ એની મીઠી યાદ. કદાચ જમણવારના આનંદને માણસ બે-ચાર મિત્રો-સ્વજનો સાથે શૅર પણ કરે છે.


જેવો ફરક રોજના ભોજનમાં અને જમણવારમાં છે એવો જ ફરક રોજનાં દર્શન-પૂજન અને ચૈત્ય પરિપાટીમાં પણ છે. ચૈત્ય પરિપાટી એટલે પ્રભુભક્તિનો જમણવાર. જે છ વિશેષતાઓ રોજના ભોજન કરતાં જમણવારમાં હોય છે એવી જ છ વિશેષતા ચૈત્ય પરિપાટીમાં હોય છે.

1. ઉત્કંઠા : ચૈત્ય પરિપાટીનો દિવસ આઠ-દસ દિવસ પહેલાં જ જાહેર થઈ જતો હોય છે. જ્યારથી ચૈત્ય પરિપાટીની જાહેરાત થાય ત્યારથી જ દર્શનાર્થીના મનમાં એક ઉત્કંઠા રમવા લાગે છે. આવી પ્રતીક્ષા અને ઉત્કંઠા ભાવુકને સતત શુભ ભાવમાં રમતો રાખે છે. આ ઉત્કંઠાનું એકબીજા સાથે શૅરિંગ પણ થતું હોય છે. હું ચૈત્ય પરિપાટીમાં જવાનો છું, તમે આવવાના છો? ચૂકતા નહીં. મજા આવશે. આવા વાર્તાલપ ચૈત્ય પરિપાટીના પૂર્વ દિવસોમાં સાંભળવા મળે છે.

2-3. વૈવિધ્ય અને વૈશિષ્ટ્ય : શ્રાવકો રોજ દર્શન-પૂજા તો કરતા જ હોય, પરંતુ એ માટે પોતાના ઘરની નજીકમાં રહેલું એક જિનાલય લગભગ રોજ માટે નિયત હોય. રોજ લગભગ નિયત સમયે નિયત દેરાસરે જવાનું, એક નિત્યક્રમની જેમ દેરાસરે જઈ આવવાનું. દેરાસરમાં રહેલા પ્રભુજીનાં દર્શન કે પૂજન રોજ થઈ જાય, પરંતુ ચૈત્ય પરિપાટીમાં પાંચ-સાત દેરાસરની દર્શનયાત્રા હોય છે. ભિન્ન-ભિન્ન જિનાલયોને જુહારવાનાં હોય છે. કોઈ શિખરબંધી જિનાલય, તો કોઈ ત્રિશિખરી જિનાલય, કોઈ સંઘમંદિર તો કોઈ ગૃહમંદિર. કોઈ જિનાલયમાં એક માળ તો કોઈમાં બે-ત્રણ માળ. કોઈ જિનાલયમાં પાંચ પ્રભુજી તો કોઈમાં પચીસ પ્રભુજી..., કોઈ જિનાલયમાં આદિનાથ, કોઈમાં નેમિનાથ, કોઈમાં પાર્શ્વનાથ, કોઈમાં મહાવીરસ્વામી. કોઈ દેરાસરમાં શત્રુંજય પટ, તો કોઈમાં ગિરનારનો પટ, કોઈ દેરાસરમાં પાવાપુરની રચના તો કોઈ દેરાસરમાં નંદીશ્વર દ્વિવપની રચના. આ બધું વૈવિધ્ય અને વૈશિષ્ટ્ય નિહાળીને શ્રાવક-શ્રાવિકાનાં મન ખૂબ હરખાતાં હોય છે. આવી ચૈત્ય પરિપાટી ભાવુક શ્રાવકો માટે આધ્યાત્મિક જલસો બની જાય છે.

4. સમૂહ : ચૈત્ય પરિપાટીની ઊડીને આંખે વળગે એવી બે વિશેષતાઓ છે. પહેલી અને બીજી મલ્ટિ. માસ એટલે સમૂહ અને મલ્ટિ એટલે વૈવિધ્ય. વૈવિધ્યની વાત કરી, હવે વાત કરીએ સમૂહની. શ્રાવક રોજ જિનાલયમાં જાય અને ભક્તિ કરે, પણ એકલા જિનાલય જાય અને એકલા ભક્તિ કરે. ચૈત્ય પરિપાટી એ સમૂહયાત્રા છે. સમૂહ હોય એનો ઉલ્લાસ જ જુદો હોય. સમૂહમાં ચાલતાં-ચાલતાં સુંદર નારાઓ બોલાતા હોય અને ભક્તિગીતોની રમઝટ ચાલતી હોય. કેવી મજા આવે. જિનાલયમાં પણ સામૂહિક ચૈત્યવંદન થાય અને એમાં સમૂહમાં સ્તવન-ગીત વગેરે ગવાય. આ બધાનો આનંદ અનેરો હોય છે.

5. લહેજત : જેમ જમણવારની એક અલગ જ લહેજત હોય છે એમ ચૈત્ય પરિપાટીની પણ એક અલગ જ લહેજત હોય છે. આવો પ્રભુભક્તિનો રસાસ્વાદ એકાકી ભક્તિમાં ભાગ્યે જ અનુભવાય. ચૈત્ય પરિપાટીના પ્રયાણ વખતે પણ આનંદ, ચાલતાં-ચાલતાં પણ આનંદ અને પ્રભુભક્તિના માહોલમાં પણ આનંદ. પ્રભુભક્તિની આવી લહેજત પણ ખૂબ મનભાવન હોય છે.

6. મીઠાં સંસ્મરણો : ચૈત્ય પરિપાટી એટલે આમ તો બે-ત્રણ કલાકની દર્શનયાત્રા, પરંતુ એ બે-ત્રણ કલાકમાં પૂર્ણ નથી થતી. એનો નશો અને કૅફ ઘણી વાર તો દિવસો સુધી મનને આનંદિત રાખે છે. એનાં મીઠાં સંસ્મરણોને વાગોળ્યા કરવાનું મન થાય છે.

પર્યુષણ પર્વનાં પાંચ કર્તવ્યોમાં પાંચમા કર્તવ્યનું નામ છે ચૈત્ય પરિપાટી. આ કર્તવ્યના પાલનથી પ્રભુભક્તિની ભાવના, સંઘભાવના અને પરપસ્પરની પ્રીતિ ગાઢ બને છે. સંઘના અન્ય શ્રાવકોનો સારો પરિચય થાય છે તથા વિવિધ દેરાસરોનાં દર્શન કરવાની એક સાચી ટેવ પણ પડે છે. અમદાવાદ, સુરત, ખંભાત જેવાં શહેરોમાં એવા અનેક શ્રાવકો છે જેઓ રોજ પાંચ-દસ કે એથી પણ વધારે દેરાસરોનાં દર્શન કરતા હોય છે. અમદાવાદના બે-ત્રણ એવા શ્રાવકોને આ લખનાર ઓળખે છે, જેઓ રોજ ૫૦ દેરાસરોનાં દર્શન કરે છે.

આવી ચૈત્ય પરિપાટીનું આયોજન થાય ત્યારે જયણા ધર્મની પણ તકેદારી રાખવી જોઈએ. ભાદરવા મહિનામાં વરસાદને કારણે હજી નિગોદ-ઘાસ વગેરેની સંભાવના હોય તો કેટલાક સંઘો આસો મહિનામાં ચૈત્ય પરિપાટીનું આયોજન કરે છે. ચૈત્ય પરિપાટી દરમ્યાન દરેક શ્રાવક-શ્રાવિકા સારાં વસ્ત્રો પરિધાન કરીને જાય, લઘરવઘર વસ્ત્રોમાં ન નીકળે. ત્રણલોકના નાથને જુહારવા જવાનું છે, પરંતુ એમાં એટલો વિવેક તો અવશ્ય હોવો જોઈએ કે વેશની મર્યાદા જળવાય. મર્યાદાયુક્ત વેશપરિધાન એ જ ખરી શોભા છે.

 

- જૈનાચાર્ય વિજય મુક્તિવલ્લભસૂરીશ્વરજી મ.સા.

Whatsapp-channel Whatsapp-channel

17 September, 2023 03:20 PM IST | Mumbai | Acharya Vijay Ratnasundersurishwarji Maharaj

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK