Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > લાઇફસ્ટાઈલ સમાચાર > સંસ્કૃતિ અને વારસો > આર્ટિકલ્સ > પરંપરાગત નોરતાંની જ્યોત હજીયે અહીં જલે છે

પરંપરાગત નોરતાંની જ્યોત હજીયે અહીં જલે છે

25 September, 2022 12:23 PM IST | Ahmedabad
Shailesh Nayak | shailesh.nayak@mid-day.com

એક તરફ મૉડર્નાઇઝેશનને કારણે ડિસ્કો દાંડિયાનું ચલણ વધી રહ્યું છે ત્યારે આજે ગુજરાતની એવી જગ્યાઓની સફરે જઈએ જ્યાં આજે પણ સદીઓ જૂની પરંપરા સંચિત થઈને રહી છે

જામનગરમાં અંગારા પર રમાતો મશાલ-રાસ શું આ જાણો છો?

જામનગરમાં અંગારા પર રમાતો મશાલ-રાસ


રાસ અને ગરબા એ ગુજરાતનું ઘરેણું છે. સદીઓથી માતાજીમાં અખૂટ શ્રદ્ધા સાથે ઊજવાતા આ પર્વમાં કોઈ અંગારા પર મશાલ-રાસ રમે છે તો કોઈક સળગતી ઈંઢોણી માથે મૂકે છે, ક્યાંક હવન-જ્યોતનો અનેરો મહિમા છે તો ક્યાંક નોરતિયાની પરંપરા. એક તરફ મૉડર્નાઇઝેશનને કારણે ડિસ્કો દાંડિયાનું ચલણ વધી રહ્યું છે ત્યારે આજે ગુજરાતની એવી જગ્યાઓની સફરે જઈએ જ્યાં આજે પણ સદીઓ જૂની પરંપરા સંચિત થઈને રહી છે.

પાવાગઢ મંદિરની જ્યોત



માત્ર ગુજરાતમાં જ નહીં; રાજસ્થાન, મધ્ય પ્રદેશમાં પણ હજારો-લાખો શ્રદ્ધાળુઓનાં ઘરે આજે પણ નવરાત્રિમાં પાવાગઢના શ્રી મહાકાળી માતાજીના મંદિરમાંથી લઈ જવાયેલી જ્યોત પ્રગટે છે. નવરાત્રિમાં પાવાગઢના મંદિરની જ્યોતનું મહત્ત્વ ખૂબ છે. સદીઓથી એક પરંપરા રહી છે. પાવાગઢમાં પર્વતની ટોચ પર દેવી સતીના જમણા પગની આંગળીઓ પડી હોવાની લોકવાયકા છે. શક્તિપીઠ પાવાગઢમાં હાજરાહજૂર શ્રી કાલિકા માતાજીના સ્થાનકે સદીઓથી નવરાત્રિના આગળના દિવસે એટલે કે અમાસના દિવસે હજારો ભાવિકો માતાજીના દીવામાંથી જ્યોત પ્રગટાવીને તેમના ઘરે લઈ જાય છે અને નવરાત્રિના ૯ દિવસ સુધી એ અખંડ જ્યોત રાખે છે એ પરંપરા વિશે વાત કરતાં શ્રી કાલિકા માતાજી મંદિર ટ્રસ્ટના ટ્રસ્ટી અશોક પંડ્યા કહે છે, ‘નવરાત્રિના એક દિવસ પહેલાં અમાસના દિવસે જ્યોત લેવા માટે માતાજીના મંદિરે લોકો આવે છે. પોતાના ઘરેથી દીવો લઈને આવેલા શ્રદ્ધાળુઓ મંદિરમાં માતાજીની અખંડ જ્યોતમાંથી દીવો પ્રગટાવીને તેમના ઘરે લઈ જાય છે. અંદાજે ૨૦૦ વર્ષથી આ પરંપરા ચાલી આવે છે. ભાવિકો અમાસના દિવસે આવે, માતાજીનાં દર્શન કરે અને જ્યોત પ્રગટાવીને ઘરે લઈ જાય. ગુજરાતના આદિવાસી વિસ્તારો સહિતના વિસ્તારોમાંથી તેમ જ મધ્ય પ્રદેશ અને રાજસ્થાનથી પણ ભાવિકો વર્ષોથી મંદિરે આવે છે અને જ્યોત પ્રગટાવીને લઈ જાય છે. ઘણા લોકોની બાધા કે માનતા હોય છે તો ઘણાને કરવઠું પણ હોય છે અને જ્યોત અહીંથી લઈ જાય છે.’


અમાસના દિવસે જ્યોત લેવા માટે ભાવિકોનો ધસારો રહેતો હોવાથી વ્યવસ્થા પણ કરવામાં આવે છે, એની વાત કરતાં અશોક પંડ્યા કહે છે, ‘આ દિવસે મંદિરે અખંડ જ્યોત માટે એક સ્ટૅન્ડ બનાવીએ છીએ. આ અખંડ જ્યોત કવર કરેલી હોય છે જેથી પવનથી એને રક્ષણ મળે. દિવેટો પણ મૂકવામાં આવે છે એટલે જો કોઈ શ્રદ્ધાળુ દિવેટ લીધા વગર આવ્યા હોય તો અહીંથી દિવેટ મળી રહે છે અને દીવો પ્રગટાવીને ઘરે લઈ જાય છે. અમાસના દિવસે એક અંદાજ મુજબ ૫૦,૦૦૦ જેટલા પરિવારોમાંથી એક સભ્ય કે વધુ સભ્યો મંદિરે જ્યોત લેવા માટે આવે છે. કેટલાક લોકો તેમના ઘરે જ્યોત લઈ જાય પછી તેમને ત્યાંથી કાકા-બાપાના લોકો પણ તેમના ઘર માટે જ્યોત પ્રગટાવી જાય છે. એટલે મૂળ જ્યોતમાંથી અનેક શ્રદ્ધાળુઓનાં ઘરે જ્યોત પ્રગટે છે.’

જવારા ઊંચા તો વરસ સારું જશે


નવરાત્રિમાં ઘણા બધા ભાવિકો શ્રદ્ધાપૂર્વક જવારા ઉગાડે છે, પણ અમદાવાદ શહેરનાં નગરદેવી તરીકે પૂજાતાં શ્રી ભદ્રકાળી માતાજીના મંદિરે નવરાત્રિમાં જવારાનું મહત્ત્વ કંઈક જુદું જ છે. એટલું જ નહીં, આ એક એવું મંદિર છે જ્યાં નવરાત્રિની આઠમે મધરાતે હવન થાય છે, એની વાત કરતાં ભદ્રકાળી મંદિરમાં ચોથી પેઢીએ પૂજા કરતા પૂજારી દિનેશ અવસ્થી ઉર્ફે રાજાભાઈ કહે છે, ‘ઘણા ભાવિકોને ત્યાં નવરાત્રિમાં જવારા ઉગાડવાની પ્રથા છે. ભદ્રકાળી મંદિરમાં નવરાત્રિ દરમ્યાન જવારા ઉગાડવામાં આવે છે. જો આ જવારા વધુ ઊગે તો વર્ષ સારું જાય અને જવારા ઓછા ઊગે તો વર્ષ ઠીક-ઠીક રહે એવી માન્યતા છે અને એનો અનુભવ મને થયો છે. મંદિરમાં ઘટસ્થાપન વખતે જવારા વાવીએ છીએ અને કપડાની આડમાં જવારા રાખીએ છીએ. દશેરાના દિવસે ઘણા ભાવિકો મંદિરથી જવારા લઈ જાય છે અને ઘરમાં જ્યાં લક્ષ્મી હોય ત્યાં મૂકે છે. આ મંદિરમાં આઠમનાં દર્શનનું મહત્ત્વ છે. સવારે ૪ વાગ્યે મંદિર ખૂલી જાય છે. એ દિવસે મોટી સંખ્યામાં ભાવિકો દર્શન કરવા આવે છે. આઠમે મંદિરમાં દિવસે હવન નથી કરતા, પણ આઠમની મોડી રાતે ૧૨ વાગ્યે હવન થાય છે અને સૂર્યોદય પહેલાં ચાર-સાડાચાર વાગ્યે શ્રીફળ હોમાય છે. ભદ્રકાળી મંદિર એક એવું મંદિર છે જ્યાં આઠમની મધરાતે હવન થાય છે. મોડી રાતે શાંતિથી હવન થાય છે.’

સળગતી ઈંઢોણી સાથે રાસ

જ્યાં ભોળા શંભુની હાજરી વર્તાતી હોવાની દિવ્ય અનુભૂતિ સંતો-મહંતો અને શ્રદ્ધાળુઓ કરી રહ્યા છે એવી જૂનાગઢની પવિત્ર ભૂમિ પર નોરતાંના ૯ દિવસ ભગવાન શ્રીકૃષ્ણના પરમ ભાવિક ભક્ત નરસિંહ મહેતાના ચોરામાં વર્ષોથી હિન્દુ અને મુસ્લિમ સમાજની બાળાઓ માથે રાંદલમાતાજીના મઢ મૂકીને ગરબે રમે છે. અહીં દીકરીઓ સળગતી ઈંઢોણી મૂકીને ગરબે રમતી જોવા મળે છે, જે દર્શકોને અચંબિત કરી મૂકે છે. આ એક એવું સ્થળ છે જ્યાં નવરાત્રિના ગરબી મંડળમાં મુસ્લિમ સભ્યો માર્ગદર્શક મંડળમાં છે. અહીં નવરાત્રિના ૯ દિવસ દરમ્યાન સ્ટેજ પર ગરબા-રાસ થતા હોય છે અને એની પ્રૅક્ટિસ નવરાત્રિના મહિના પહેલાં જ શરૂ કરી દેવામાં આવે છે. જૂનાગઢની શ્રી જય ચામુંડા ગરબી મંડળ ટ્રસ્ટના પ્રમુખ પ્રવીણકુમાર ચાવડા કહે છે, ‘નવરાત્રિના ૯ દિવસ અમારે ત્યાં આરતી, રિદ્ધિસિદ્ધિનો રાસ, સળગતી ઈંઢોણીનો રાસ, આવળમાનો ભેડિયા-રાસ, ભૂવા-રાસ, મહાકાળી માતાના રાસ સહિતના ૧૬ જેટલા અલગ-અલગ રાસ સ્ટેજ પર રમાય છે. અહીં માત્ર છોકરીઓ જ રાસ રમે છે. અલગ-અલગ એજ-ગ્રુપમાં છોકરીઓ પાસેથી કોઈ પણ પ્રકારનો ચાર્જ કર્યા વગર તેમને રાસ-ગરબાની પ્રૅક્ટિસ કરાવીને શીખવાડવામાં આવે છે. અમારે ત્યાંની વિશેષતા એ છે કે સ્ટેજ પર હિન્દુ-મુસ્લિમ બાળાઓ એકસાથે પર્ફોર્મ કરે છે. અમારા વિસ્તારમાં મુસ્લિમ સમાજની વસ્તી છે અને આ સમાજની બાળાઓ પણ રાસ-ગરબા રમવા ‍આવે છે અને અમે તેમને શીખવીએ છીએ. સિદ્દી બાદશાહ સમાજની દીકરીઓ પણ રાસ રમવા અને શીખવા આવે છે. મુસ્લિમ સમાજની દીકરીઓ રાંદલમાના મઢ માથે ઉપાડીને દાંડિયા રમે છે. અમારે ત્યાં વર્ષોથી થતો સળગતી ઈંઢોણીનો રાસ ફેમસ છે. બાળાઓ બે હાથમાં મશાલ પકડે અને માથે એક ભીનો નૅપ્કિન મૂકીને ગાભાની ઈંઢોણી પર ગરબો એટલે કે નાની માટલી મૂકીને એના પર બીજી સળગતી ઈંઢોણી મૂકીને બાળાઓ રાસ રમે છે. વર્ષોથી આ રાસ અહીં માતાજીના સતના આધારે રમાતો આવ્યો છે અને બાળાઓ શ્રદ્ધાપૂર્વક રમતી હોવાથી તેમને કોઈ પણ પ્રકારની હાનિ થતી નથી. આજુબાજુનાં ગામના લોકો પણ અહીં રાસ જોવા આવે છે. આખા ગુજરાતમાં અમારું ગરબી મંડળ પહેલું હશે જેમાં ગરબી મંડળમાં મુસ્લિમ સમાજના સભ્યો હોય.’

અંગારા પર મશાલ-રાસ

જામનગરમાં યુવાનો દ્વારા અંગારા પર રમાતો મશાલ-રાસ આદ્યશક્તિમાં અખૂટ વિશ્વાસ અને શ્રદ્ધાનું બેમિસાલ ઉદાહરણ કહી શકાય. ધગધગતા અંગારા વચ્ચે માતાજીમાં આસ્થા ધરાવતા યુવાનો જોશભેર અને આનંદપૂર્ણ રીતે રાસ રમતા હોય છે. જામનગરના રણજિતનગર વિસ્તારમાં પટેલ સમાજ ચોકમાં શ્રી પટેલ યુવક ગરબી મંડળના હાર્દિક પટેલ મશાલ-રાસ વિશે કહે છે, ‘છેલ્લાં ૬૦ વર્ષોથી અહીં તબલા, ઢોલ અને હાર્મોનિયમ સાથે માત્ર પુરુષો નવરાત્રિના ૯ દિવસ રાસ રમે છે. લોકો આસપાસ જોવા બેઠા હોય અને યુવાનો રમતા હોય છે. મશાલ-રાસ, તલવાર-રાસ, કણબી-રાસ, હુડો-રાસ, ગુલાંટ-રાસ સહિતના રાસ અમે રમીએ છીએ. ગુલાંટ-રાસમાં યુવાનો ગુલાંટ મારીને રાસ રમતા હોય છે. મશાલ-રાસમાં યુવાનો હાથમાં સળગતી મશાલ રાખીને સ્વસ્તિકનું ફૉર્મેશન રચે છે. મશાલ-રાસ રમતાં-રમતાં સળગતા અંગારા નીચે પાડી દઈએ છીએ અને પછી નીચે પડેલા સળગતા અંગારા પર અમે રમીએ છીએ. આ રાસ જોવા માટે મોટી સંખ્યામાં લોકો એકઠા થાય છે.’

સળગતા અંગારા પર વર્ષોથી રમવા છતાં યુવાનો દાઝી ગયા હોય એવી ઘટના હજી સુધી નથી બની, એવું કહેતાં હાર્દિક પટેલ કહે છે કે ‘માતાજીના આશીર્વાદ છે કે સળગતા અંગારા પર રમવા છતાં કોઈને કશું થતું નથી. પગ બળતા નથી કે દાઝી જતા નથી. અમે પગના તળિયે કોઈ લોશન કે અન્ય કોઈ વસ્તુ લગાડતા નથી. માતાજીમાં શ્રદ્ધા રાખીને અમે માતાજીનું સ્મરણ કરીને રમવા ઊતરીએ છીએ. નવરાત્રિ પહેલાં અમે પ્રૅક્ટિસ કરીએ છીએ.’

સ્ત્રીવેશમાં ગરબે ઘૂમે છે પુરુષો

બનાસકાંઠાનાં કેટલાંક ગામડાંઓમાં વર્ષોથી પ્રથા રહી છે કે નવરાત્રિના ૯ દિવસ પુરુષો સાડી કે પછી ચણિયાચોળી પહેરીને પરંપરા મુજબ ‘નોરતિયા’ રમે છે. પાલનપુર પાસે વડગામ તાલુકાના જલોત્રા ગામે ઠાકોર સમાજના પુરુષો કેમ સ્ત્રીવેશ ધારણ કરીને ગરબે ઘૂમે છે એની વાત કરતાં ચેહર ઠાકોર કહે છે, ‘અંદાજે ૧૦૦–૧૫૦ વર્ષ પહેલાં નવરાત્રિ દરમ્યાન રોગચાળો ફેલાયો હતો ત્યારે એ સમયે વડીલોએ માતાજીને પ્રાર્થના કરી હતી કે આ રોગચાળો જતો રહે તો પુરુષો સ્ત્રીનો વેશ ધારણ કરશે અને ગરબે રમશે. માતાજીના આશીર્વાદથી રોગચાળો દૂર થયો અને ત્યારથી પ્રથા પડી છે કે નવરાત્રિના ૯ દિવસ દરમ્યાન ઠાકોર સમાજના પુરુષો સિકોતર માતાજીના દરબારમાં ગરબા રમે છે. નવરાત્રિમાં પાંચમના દિવસથી રોજ અલગ-અલગ વેશ ભજવાય છે. કાળકા માતાજી, સિકોતર માતાજી, જોગણી માતાજીના વેશ વડદાદાઓથી પરંપરા મુજબ નિભાવતા આવ્યા છીએ.’

દેશી પદ્ધતિથી રમાતા ગરબા વિશે વાત કરતાં ચેહર ઠાકોર કહે છે , ‘આ ગરબાની વિશેષતા એ છે કે દેશી ઢોલના તાલે અમે બધા ભાઈઓ ગરબા રમીએ છીએ. અસ્સલ જૂના ગરબા સાઉન્ડ સિસ્ટમ વગર જ ગવાય અને ગરબે ઘૂમતા ભાઈઓ એને ઝીલે છે. બહેનો ગરબા જોવા આવે છે.’ 

Whatsapp-channel Whatsapp-channel

25 September, 2022 12:23 PM IST | Ahmedabad | Shailesh Nayak

App Banner App Banner

અન્ય લેખો


X
ક્વિઝમાં ભાગ લો અને જીતો ગિફ્ટ વાઉચર
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK