Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


App banner App banner
હોમ > લાઇફસ્ટાઈલ સમાચાર > સંસ્કૃતિ અને વારસો > આર્ટિકલ્સ > કોઈએ ગ્રીન કૉરિડોર તો કોઈએ કેદારનાથ અને ચારધામની વચ્ચે બાપ્પાને બિરાજમાન કર્યા

કોઈએ ગ્રીન કૉરિડોર તો કોઈએ કેદારનાથ અને ચારધામની વચ્ચે બાપ્પાને બિરાજમાન કર્યા

Published : 25 September, 2026 02:41 PM | IST | Mumbai
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

મુંબઈમાં ગણપતિના અનોખા શણગારમાં વિકાસગાથાથી લઈને કેદારનાથ અને ચારધામ સુધીની થીમ જોવા મળી. કાંદિવલીમાં ગ્રીન કૉરિડોર, અંધેરીમાં ક્રિકેટ સ્ટેડિયમ અને થાણેમાં ઇકો-ફ્રેન્ડ્લી સજાવટે ધ્યાન ખેંચ્યું.

મુંબઈ ગણેશોત્સવ

મુંબઈ ગણેશોત્સવ


ગ્રીન કૉરિડોર વચ્ચે બિરાજ્યા ગણપતિબાપ્પા



કાંદિવલીમાં રહેતો પારેખ પરિવાર દર વર્ષે ગણપતિબાપ્પાની સ્થાપના કંઈક અનોખી થીમ સાથે કરે છે. ગયા વર્ષે પરિવારે શ્રીનાથજીના સ્વરૂપવાળા ગણપતિબાપ્પાની સ્થાપના કરી હતી. આ વર્ષે તેમણે દેશની વિકાસગાથાને ડેકોરેશનના માધ્યમથી રજૂ કરી હતી. પારેખ પરિવારે ઘરમાં ઉપલબ્ધ નાની-નાની વસ્તુઓ, કાગળ અને પૂંઠાં જેવી સામગ્રીનો ઉપયોગ કરીને અનોખું ડેકોરેશન તૈયાર કર્યું હતું. એમાં ગણપતિબાપ્પાને ગ્રીન કૉરિડોર, બૅટરી ચાર્જિંગ-સ્ટેશન, સોલર પાવર, મેટ્રો, ટ્રેન તેમ જ દેશના હાઇવેની ઉત્તમ કનેક્ટિવિટી વચ્ચે બિરાજમાન કરવામાં આવ્યા હતા. આ વિશે માહિતી આપતાં હાર્દિક પારેખ કહે છે, ‘આપણો દેશ ખૂબ જ ઝડપથી વિકાસ કરી રહ્યો છે. છેલ્લાં કેટલાંક વર્ષોમાં દેશમાં અનેક માળખાકીય સુધારા થયા છે. નવી ટેક્નૉલૉજી અને આધુનિક ઉપકરણો રજૂ કરવામાં આવ્યાં છે. દેશની આ પ્રગતિને સલામી આપવા માટે અમે એને ગણપતિબાપ્પાના ડેકોરેશનમાં આવરી લીધી છે. વર્તમાન ટેક્નૉલૉજીની સાથે ભવિષ્યમાં આવી શકે એવી ટેક્નૉલૉજી અને ઉપકરણોની કલ્પનાને પણ અમે ડેકોરેશનમાં સ્થાન આપ્યું છે. જેમ કે ઈંધણ વિના ચાલતી ટ્રેન અને માત્ર સોલર પાવરથી ચાલતાં ઉપકરણો. આ તમામ કલ્પનાઓ અમે અમારી ઇમેજિનેશનથી ક્રીએટ કરી હતી.’ 
આ સમગ્ર ડેકોરેશન પારેખ પરિવારના સભ્યોએ સાથે મળીને તૈયાર કર્યું હતું. ડેકોરેશન પૂરું કરવામાં અનેક દિવસો લાગ્યા હતા, પરંતુ અંતે પોતાની કલ્પનાને સાકાર થયેલી જોઈને પરિવારને ખૂબ આનંદ અને સંતોષ થયો હતો.    


T20 વર્લ્ડ કપ ફાઇનલની મજા માણી રહ્યા છે દંતારાચા રાજા


અંધેરી-વેસ્ટના નાગરદાસ રોડ પર રહેતાં પદ્‍‍મા પન્નાલાલ દંતારા પરિવારના ઘરે છેલ્લાં ૧૫ વર્ષથી યુનિક થીમની સજાવટ સાથે ૩ દિવસના બાપ્પા બિરાજમાન થાય છે. આ વર્ષે અમદાવાદનું નરેન્દ્ર મોદી સ્ટેડિયમ બનાવવામાં આવ્યું હતું. એમાં પ્રેક્ષકો T20 વર્લ્ડ કપની ફાઇનલને એન્જૉય કરીને ઉજવણી કરી રહ્યા હોય અને વચ્ચે બાપ્પા બિરાજમાન હોય એવું દર્શાવાયું હતું.

ફૅબ્રિકના ફ્લાવરના ઇકો-ફ્રેન્ડ્લી બાપ્પા

થાણે-વેસ્ટમાં સંજય રખાસિયાના ઘરે ગણેશજીની પધરામણી એકદમ ઇકો-ફ્રેન્ડ્લી રીતે થઈ હતી. તેમણે શાડૂ માટીમાંથી બનેલા ગણેશજીની મૂર્તિ સ્થાપિત કરી હતી અને એનું ડેકોરેશન કાપડના ફ્લાવરનું કર્યું હતું. પર્યાવરણને ધ્યાનમાં રાખીને મિનિમમ લાઇટ્સનું ડેકોરેશન કરવામાં આવ્યું હતું.

આ સોસાયટીમાં ગજાનનને અર્પણ થતા દાનની રકમથી થાય છે અનેકવિધ સદ્‍કાર્યો

મલાડના એસ. વી. રોડ પર રિદ્ધિ વિનાયક મંદિરની લગોલગ આવેલી સમૃદ્ધિ સોસાયટીમાં ૭ દિવસના બાપ્પા બિરાજમાન હતા. સોસાયટીમાં રહેતાં ડિમ્પલ પારેખ કહે છે, ‘કાલિયા મર્દન થીમ પર આધારિત ડેકોરેશન સાથે બાપ્પાનો કૃષ્ણાવતાર મન મોહી લે એવો હતો. આ સાતેસાત દિવસ દરમ્યાન ફૅન્સી ડ્રેસ, ડ્રૉઇંગ કૉમ્પિટિશન, ૩ કલાકની ગેમ, બે દિવસ ડિનર, છપ્પનભોગ, ભજન અને કથા એમ અલગ-અલગ પ્રવૃત્તિઓનું આયોજન કર્યું હતું અને વિસર્જનમાં ડ્રેસકોડ રાખ્યો હતો. અમે દાનપેટીની વ્યવસ્થા કરી હતી. એમાં જમા થયેલી રકમનો ઉપયોગ કોઈ ગરીબ બાળકની એજ્યુકેશન ફી ભરવામાં, કોઈના હૉસ્પિટલના બિલને ઓછું કરવામાં કે કોઈને ૬ મહિના સુધીનું રાશન ભરી આપવામાં થાય છે.’

કેદારનાથના સાંનિધ્યમાં વાંઢિયા પરિવારના રાજા

ખાર રોડમાં રહેતા આનંદ વાંઢિયાના ઘરે છેલ્લાં ૧૧ વર્ષથી પાંચ દિવસના ગણપતિ બેસે છે. આ વર્ષે તેમણે આબેહૂબ કેદારનાથ મંદિર બનાવ્યું હતું. કેદારનાથ ધામમાં બિરાજમાન બાપ્પાને કેડિયું, પાઘડી, ખેસ અને પરંપરાગત ઘરેણાં પહેરાવીને ગુજરાતી ટચ આપ્યો હતો.

ચારધામની વચ્ચે એકદંત

બોરીવલીની ચીકુવાડીમાં રહેતાં પ્રજ્ઞા દોશીના ઘરે ૧૪ વર્ષથી ગણેશોત્સવ ઊજવાય છે. આ વખતે તેમણે ચારધામ થીમ પર ડેકોરેશન કરીને દોઢ દિવસના બાપ્પા બેસાડ્યા હતા. ડેકોરેશનની સાથે બાપ્પાની મૂર્તિ પણ યુનિક હતી. બ્લુ અને ગોલ્ડન કલરના કૉમ્બિનેશન સાથે બાપ્પાનું રૂપ મનમોહક લાગતું હતું.

Whatsapp-channel Whatsapp-channel

25 September, 2026 02:41 PM IST | Mumbai | Gujarati Mid-day Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK