વાલીનું વહાલ આવા સમયે જ વરસવું જોઈએ. બાળક પર હાથ ઉપાડતા પહેલાં સમજી રાખવું કે આ ભૂલકાંઓ છે, ભુલકણાં નથી
પ્રતીકાત્મક તસવીર
પૂર્વે વર્તમાનપત્રોમાં (અને હવે સોશ્યલ મીડિયામાં પણ) ઘણી વખત ‘ગુમ થયેલા છે’ના મથાળા સાથે સંતાનની તસવીરો જોવા મળે છે. આ તસવીરો તેમનાં મા-બાપ તરફથી છપાતી હોય છે. આજે વાલી સંસ્થા ચોક્કસ ભાગ્યશાળી છે કે હજી સુધી કોઈ બાળકને એવું સૂઝ્યું નથી કે પોતાનાં જીવંત છતાં અતિ વ્યસ્ત મા-બાપની તસવીર છપાવે અને ઉપર મથાળું લગાવે ‘ગુમ થયેલાં છે!’ આજે ઘણાં બાળકોના નસીબમાં પપ્પાની છાયા અને મમ્મીની માયાને બદલે એક આયા લખાઈ છે. આ ટ્રેન્ડ પહેલાં અતિ શ્રીમંત પરિવારોમાં અને હવે ધીમે-ધીમે સરેરાશ સુખી પરિવારો સુધી વિસ્તરતો રહ્યો છે. જ્યારે કોઈ મા ઓળખાણ કરાવે કે ‘આ મારા દીકરાને સાચવનારી બાઈ’ ત્યારે માતાના માતૃત્વ સામે પ્રશ્નાર્થ ખડો ન થાય?
‘વર્કિંગ વુમન’નો વધી રહેલો ટ્રેન્ડ આમાં જવાબદાર છે એવું કેટલાકનું તારણ છે. તો સામે વધી રહેલી મોંઘવારીમાં વુમનનો વર્કિંગ રોલ જરૂરી છે એવી પણ એક થિયરી છે. ઍની વે, ‘જે કર ઝુલાવે પારણું...’વાળી સાત્ત્વિક વાતો કદાચ કાવ્ય પૂરતી સીમિત રહી જાય એવાં એંધાણ તો વર્તાઈ રહ્યાં છે. સંતાનને જન્મ આપી દેવો એ એક ઘટના માત્ર છે. મા-બાપ બની શકવું એ એક સાધના છે. આ સાધના કરવા ઇચ્છતા સાધકો માટે ઘણાં વર્ષો પૂર્વે એક મજાનું પ્રકાશન બહાર પડ્યું હતું. નામ હતું ‘બાળઘડતરની કેડી પર’. લેખક હતા પોલીસ ખાતાના એક સંનિષ્ઠ ઉચ્ચ અધિકારી હસમુખ પટેલ. પોલીસના ગણવેશની અંદર છુપાયેલા એક પ્રેમાળ પિતૃહૃદય સંવેદનશીલ સજ્જન અને ઉમદા વિચારકને ત્યારે પિછાણ્યો. એમાં તેમણે બાળકની ભૂલ થાય ત્યારે હળવે હાથે કામ લેવાની ભલામણ કરી હતી (જે આજે પણ કરવામાં આવે છે). બાળકને ભૂલ થવા પર જ્યારે આપણો પ્યૉર ગુજરાતી શિયાળુ ‘મેથીપાક’ ચખાડવામાં આવે છે ત્યારે સમજાતું નથી કે બાળકે ભૂલ કરી માટે લાફો પડ્યો કે ભૂલ કરનારો બાળક હતો માટે તેને લાફો પડ્યો?
ADVERTISEMENT
વાલીનું વહાલ આવા સમયે જ વરસવું જોઈએ. બાળક પર હાથ ઉપાડતા પહેલાં સમજી રાખવું કે આ ભૂલકાંઓ છે, ભુલકણાં નથી. તેમના મનની હાર્ડ ડિસ્કમાં આ વર્તન રહી જાય છે, જેના આધારે ભવિષ્યમાં તૈયાર થનારી પ્રિન્ટ જરાય સારી નહીં હોય. બધે જ અહિંસક બનવા ટેવાયેલાં દરેક (ધર્મ શ્રદ્ધાળુ પણ) મા-બાપને કહેવું છે કે સંતાનો સાથે પણ અહિંસક બનો!
વાસ્તવમાં હાથ ઉપાડવો એ બાળકને સમજાવવાનો અતિ જલદ શૉર્ટકટ સમજીને લેવાતો હોય છે. પરંતુ આનાથી બાળક માત્ર આપણી વાત જ નથી સમજતું. એ સાથે તે પણ સમજે છે કે ‘ઠીક ત્યારે, ઠોકવાથી કામ થાય છે.’ બાળકને કેટલીક બાબતે શીખવવું જરૂરી હોય છે પરંતુ એ શીખવવાની પદ્ધતિ પણ એટલી જ અગત્યની છે. શાક સુધારવું અને સંતાનને સુધારવું આ બે વચ્ચે ફરક છે અને એ રહેવો જોઈએ.

