પૂજા કરવી ગમતી હોય અને એના માટે પ્રેમ હોય તો જરૂર પૂજા કરો, પણ જો કંઈ ન આવડે તો એમાં પોતાને દોષી માનવાની જરૂર નથી
પ્રતીકાત્મક તસવીર
પ્રેમ દેવો ભવઃ
હા, એનાથી વધુ કશું હોય નહીં અને એનાથી ઉપર પણ કંઈ હોય નહીં. માનસમાં લખ્યું છે કે રામને પૂજા, પ્રશંસા, પ્રતિષ્ઠા, પદ, પરંપરા પ્રિય નથી એટલા માટે તેમણે કેટલીયે પરંપરાઓને સવિનય તોડી છે; કારણ કે તેમનામાં મર્યાદા છે, વિવેક છે. કોઈ પર પ્રહાર ન કર્યો, કોઈને દૂભવ્યા નહીં. યોગ્ય કારણ રજૂ કર્યું અને કહ્યું કે હવે આમ નહીં, આ કરવાની જરૂર છે.
ADVERTISEMENT
‘રામ હિ કેવળ પ્રેમુ પિઆરા, જાની લેઊ જો જાનનિહારા.’
આચાર્યચરણ શંકરાચાર્ય વેદાંત આપનારા શંકારાવતાર. તેઓ ગંગાના તટ પર જતા ત્યારે ગંગાને જોઈને રડી પડતા તો ક્યારેક ગંગાથી દૂર હોય તો એને યાદ કરીને પણ રડી પડતા. આ ગંગા પ્રત્યેનો તેમનો પ્રેમ હતો અને એ પ્રેમને લીધે તે રડી પડતા હતા. ક્યારેક એવું થશે કે હું કેવળ ગંગાજળ પીતાં-પીતાં અહીં સ્મરણ કરતો રહું. આ પ્રેમનો ચમત્કાર છે.
પૂજા કરવી ગમતી હોય અને એના માટે પ્રેમ હોય તો જરૂર પૂજા કરો, પણ જો કંઈ ન આવડે તો એમાં પોતાને દોષી માનવાની જરૂર નથી. પ્રેમ છે એનાથી ઉપર કંઈ હોય જ નહીં. સત્ય, પ્રેમ, કરુણા આ જીવનના ત્રણ આધાર છે. સંસાર આ ત્રણ આધાર પર ઊભો છે અને આ ત્રણ આધારમાં પ્રેમ અદકેરું મહત્ત્વ ધરાવે છે.
માણસ બે રીતે ભરાઈ જાય. એક ત્યાગથી અને બીજા પ્રેમથી. આ રીતે ભરાયેલો માણસ ક્યારેય પોતાને ખાલી કે એકલો નથી અનુભવતો. કેવી રીતે એ સમજવું હોય તો પ્રેમનો અષ્ટાંગ યોગ સમજવો પડે.
પ્રેમના અષ્ટાંગ યોગમાં પ્રેમી પરખાઈ જ જાય. આ એ યોગ છે જે સમાધિમાંથી કદી બહાર જ નથી લાવતો. પતંજલિએ અષ્ટાંગ યોગની વાત કરી છે, પણ આ પંથના પરિવ્રાજકો તો અષ્ટાંગ પ્રેમસૂત્રની અદ્ભુત વાતો કરી જાણે છે. પ્રેમના અષ્ટાંગ યોગમાં સ્મિત છે, મમતા છે, મહિમા અને સ્વાર્થમુક્તિ છે તો તન્મયતા છે, મૈત્રી છે, મદમુક્તિ છે અને આઠમા સ્થાને પ્રેમના અષ્ટાંગ યોગમાં મૌન છે. આ આઠેઆઠ યોગને નજીકથી જોઈએ તો સૌથી પહેલા નંબરે આવે છે સ્મિત.
જ્યાં મોહબ્બત હોય ત્યાં સ્મિત હોય. સૂફી લોકો નાચે છે, ગાય છે. તેઓ હિંમત એકઠી કરીને બહાર આવી ગયા. ભલે ચહેરા પર સ્મિત ન ફરકાવ્યું, પણ હૃદયથી તો સ્મિત દર્શાવ્યું. મોહબ્બત હસશે, પરંતુ કોઈને હાસ્યાસ્પદ સ્થિતિમાં નહીં મૂકે. જો તમને કોઈના ચહેરા પર સ્મિત ન દેખાય તો એવું ન સમજતા કે તેઓ પ્રેમના પ્રદેશથી દૂર છે. તેઓમાંથી પણ ખુશ હોય, સ્મિત કરતા હોય એમ બની શકે છે.

