શ્રીમદ ભાગવતમાં જોઈએ તો ધર્મની વ્યાખ્યા ભગવાન વેદવ્યાસજીએ કરી છે.
પ્રતીકાત્મક તસવીર (સૌજન્ય - મિડ જર્ની)
શાસ્ત્રોમાં ધર્મની વ્યાખ્યા આપવામાં આવી છે અને ધર્મનું મહત્ત્વ પણ સમજાવવામાં આવ્યું છે.
આહાર નિદ્રા ભય મૈથુનં ચ સામાન્યમેતત્ પશુભિર્નરાણામ્
ADVERTISEMENT
ધર્મો હિ તેષામધિકો વિશેષઃ ધર્મેણ હીનાઃ પશુભિઃ સમાનાઃ
ધર્મ રહિત મનુષ્યનું જીવન પશુ સમાન છે. યાદ રહે કે ધર્મ મનુષ્ય માટે છે. એટલા માટે એ મનુષ્ય માટે છે જેનાથી મનુષ્યમાં મનુષ્યત્વ જે દુર્લભ વસ્તુ છે એની મનુષ્યને પ્રાપ્તિ થાય. મનુષ્ય કા ચૌલા તો હો જાતા હૈ, શરીર તો મિલ જાતા હૈ પર એમાં મનુષ્યત્વ છે કે નહીં એ મહત્ત્વનું છે અને એ મનુષ્યત્વ ટકી રહે એ માટે ધર્મ છે. ધર્મ પશુઓ માટે અથવા તો પરમાત્મા માટે નથી, ધર્મ મનુષ્ય માટે છે અને એથી ધર્મમ ભજસ્વ સતતમ્.
સતત ધર્મનું પાલન કરવાનું હોય છે. મંદિરમાં જઈએ અને અડધો-પોણો કલાક કે કલાક પૂજાપાઠ કરીએ ત્યારે આપણે ધર્મ કરીએ છીએ અને પછી ધર્મને ભૂલી જઈએ અથવા તો ધર્મની ભૂમિકા ત્યાં પૂરી થાય એવું નથી. ધર્મ એ બીમાર પડીએ ત્યારે લેવાની ઔષધિ નથી કે ધર્મ ભૂખ લાગે ત્યારે લેવામાં આવતું અન્ન નથી. ધર્મ એ જીવનનો પ્રાણવાયુ છે. જેમ ઑક્સિજન વગર જીવાય નહીં એ રીતે ધર્મ વગરનું જીવન એ જીવન નથી, પણ આ ધર્મ શું છે. ધર્મનાં લક્ષણ આપણાં શાસ્ત્રોમાં બતાવવામાં આવ્યાં છે. દસ લક્ષણો કહ્યાં છે પણ શ્રીમદ ભાગવતમાં જોઈએ તો ધર્મની વ્યાખ્યા ભગવાન વેદવ્યાસજીએ કરી છે.
સ વૈ પુંસાં પરો ધર્મ યતો ભક્તિધોક્ષજે
અહૈતુક્યપ્રતિહતા યયાત્મા સુપ્રસીદતિ
અર્થાત્, મનુષ્ય પરમ ધર્મ એ જ છે જેનું આચરણ કરતાં અધોકક્ષ ભગવાનમાં અનુરાગ થાય એટલે કે ભક્તિ થાય અને એવી ભક્તિ, એ જ મનુષ્યને પ્રસન્ન કરે. એનાથી જ આત્મસંતોષ અને આત્મતૃપ્તિનો અનુભવ થાય છે. ટૂંકામાં ઘૃણા કે દ્વેષને મિટાવી મનુષ્યના મનને પ્રેમથી ભરે એનું નામ ધર્મ. કવયિત્રી ઇન્દિરા ઇન્દુની બહુ પ્રસિદ્ધ પંક્તિઓ છે, પરમાત્મા માટેનો પ્રેમ એટલે કે સંપૂર્ણ કાયનાત માટે થયેલો, જડ-ચેતન સૌના માટે પ્રગટેલો પ્રેમ.
પ્રેમ જબ અનંત હો ગયા,
તો રોમ-રોમ સંત હો ગયા,
દેવાલય હો ગયા બદન,
હૃદય તો મહંત હો ગયા.
પ્રાણી પ્રત્યેનો પ્રેમ, પ્રકૃતિ પ્રત્યેનો પ્રેમ, નદી અને પર્વતો પ્રત્યેનો પ્રેમ એટલે ધર્મ.