મેં હમણાં જ ક્યાંક વાંચ્યું હતું જે મારા હૃદયને સ્પર્શી ગયું કે ચિત્રગુપ્તનો અર્થ છે ગુપ્તમાં આપણાં ચિત્ર પાડી અને ભગવાન સુધી પહોંચાડે. આ આપણા ધર્મની એક વિશેષતા અને મહાનતા છે.
પ્રતીકાત્મક તસવીર
આપણે હમણાં જ્યાં જોઈએ ત્યાં વાંચીએ છીએ કે તમે કોઈની નિગરાનીમાં છો, યુ આર અન્ડર CCTV સર્વેલન્સ અથવા તો આપણને એક વાક્ય એવું વાંચવા મળે કે તમે કોઈની નજરમાં છો. આ વાક્ય વાંચું એટલે મને એક જ વિચાર આવે કે જેમ આપણે અત્યારે CCTVના કવરેજમાં છીએ એવી જ રીતે કર્મ પણ એક CCTV છે. કોઈ આપણને જુએ કે ન જુએ, ભગવાન આપણને જોઈ રહ્યા છે અને આપણે જો એમ વિચારતા હોઈએ કે આપણે એકલા છીએ, એકાંતમાં છીએ તો એમ વિચારવું ગલત છે કારણ કે ભગવાન આપણને જોઈ રહ્યા છે. આપણે ત્યાં કર્મને લખવાનું ખાતું ચિત્રગુપ્તને આપવામાં આવ્યું છે જે આપણાં તમામ કર્મો લખ્યા કરે અને પછી એનો હિસાબ ધર્મરાજ કરે. કેટલી સુંદર વ્યવસ્થા છે કે આપણે જે કંઈ પણ કાર્ય કરીએ છીએ પછી એ મનથી હોય, તનથી હોય કે વિચારથી હોય; એ બધું જ ક્યાંક ને ક્યાંક લખાઈ રહ્યું છે. એટલા માટે આપણા પર એક ન દેખાતો અંકુશ ભગવાને રાખ્યો છે. જે જેવું કરશે એવું પામશે એટલા માટે પૂજ્ય પુનિત મહારાજ પણ કહેતા, જેવું કરો એવું ભરો એ ભાવના ભૂલશો નહીં.
આ સુંદર વ્યવસ્થા આપણને ડરાવવા માટે નથી, આપણને અંકુશમાં રાખવા માટે છે. નિરંકુશ વ્યક્તિ સ્વચ્છંદ બની જાય, એ વ્યક્તિ કોઈ પણ અપરાધ, ગુનો કે દોષ કરવામાં પાછી ન પડે. એટલા માટે આપણે ત્યાં આ કર્મની સુંદર વ્યવસ્થા, લખવાની સુંદર વ્યવસ્થા, કર્મને ભોગવવાની સુંદર વ્યવસ્થા ભગવાને ઊભી કરી છે.
ADVERTISEMENT
મેં હમણાં જ ક્યાંક વાંચ્યું હતું જે મારા હૃદયને સ્પર્શી ગયું કે ચિત્રગુપ્તનો અર્થ છે ગુપ્તમાં આપણાં ચિત્ર પાડી અને ભગવાન સુધી પહોંચાડે. આ આપણા ધર્મની એક વિશેષતા અને મહાનતા છે. માણસે એ ન ભૂલવું જોઈએ કે હું સતત કોઈક ને કોઈકની નિગરાનીમાં છું અથવા નજરમાં છું. મારા પ્રત્યેક વિચાર, મારા પ્રત્યેક કાર્ય અને મારું બોલવું ક્યાંક ને ક્યાંક લખાઈ રહ્યું છે. એ કર્મથી છૂટવાનો અર્થ યા તો આપણામાં અકર્તા ભાવ આવે તો આપણે કર્મમાંથી છૂટી જઈએ અથવા તો એ કર્મની દિશા અને દશા બન્ને સુધરે તો આપણે એનો પરમ લાભ લઈ શકીએ.
કર્મની બાબતમાં બોલવું એ સૂર્યની સામે દીવો લઈને બોલવા જેવું છે, કારણ કે ભગવાન શ્રીકૃષ્ણએ પણ અર્જુનને કહ્યું છે કે કર્મની ગતિ અતિ ગહન છે.
આપણે તો ખાલી એટલું જ વિચારવાનું રહ્યું કે મારે શું ભોગવવું છે એવું કર્મ કરીએ. આજ સુધી આપણને બધા એમ કહેતા આવ્યા કે જેવું કરશો એવું ભરશો, જે સૂરજ જેવું સત્ય છે. પરંતુ આપણે એમ કેમ ન વિચારીએ કે જેવું ભોગવવું હોય એવું કર્મ કરીએ તો પણ આપણા જીવનનો ઉદ્ધાર સહજમાં શક્ય છે. કર્મની ગતિ ગહન છે છતાં કર્મ કર્યા વગર આપણે રહી શકવાના નથી તો ચાલોને વિવેકપૂર્ણ કર્મ કરીએ અને પોતાના જીવનને ઉન્નતિના માર્ગે લઈ જઈએ. એ વિવેકપૂર્ણ કર્મ સત્સંગથી મળશે. સત્સંગનો અર્થ છે સારાના સંગમાં રહેવું.
-આશિષ વ્યાસ


