પરિવાર માટે સંસ્કૃતમાં ‘પરિકર’ શબ્દ છે. પરિકર એટલે શોભા
પ્રતીકાત્મક તસવીર
મનુષ્ય એક સામાજિક પ્રાણી છે. હૂંફ અને લાગણી કોઈ પણ આવા પ્રાણી માટે પૂરક અને પોષક તત્ત્વ બને છે. મનુષ્યના લાગણીતંત્રને લઈને અનેક પ્રકારનાં સંશોધનો થયાં છે અને હજી થાય છે.
બ્રિટનના કેટલાક વૈજ્ઞાનિકોએ આ બાબતે થોડા વધુ આગળ વધીને ચોપગા પ્રાણીના લાગણીતંત્ર પર સંશોધન કર્યું. થોડાં વર્ષો પૂર્વે યુનિવર્સિટી ઑફ એક્ઝિટરના વૈજ્ઞાનિકોએ આવાં સંશોધનો માટે ગાય પર પસંદગી ઉતારી. ગાયના એક ધણને એક સ્થાને રાખવામાં આવ્યું. એ દરેક ગાયના પગ સાથે બાંધેલા રેડિયો કૉલર મારફત મળતા સંદેશા મુજબ તારણ કાઢતા ગયા.
આ બધી ગાયોની રોજની દૂધ આપવાની ક્ષમતા નોંધાતી ગઈ. ધણમાંથી એક ગાયને થોડા દિવસ અલગ રાખીને દોહતાં એ અચાનક ઓછું દૂધ આપે છે એ વાતની નોંધ થઈ.
ADVERTISEMENT
ગાય પણ મનુષ્યની માફક એક સામાજિક પ્રાણી છે. સાથે રહેતી ગાયો પણ પોતાનું વર્તુળ બનાવી લે છે. પોતાના ધણથી અલગ થઈ જતી ગાય ઓછું દૂધ આપવા માંડે છે. પોતાના વર્તુળથી વિખૂટી પડતાં જ ગાયની માનસિકતા પર અસર પડે છે અને આ નેગેટિવ ઇમ્પૅક્ટથી ગાયની ઉત્પાદકતા અને એના આરોગ્ય પર અવળી અસર થવા માંડે છે. સતત ચાલતાં સંશોધનોએ આ વિગત બહાર લાવી દીધી.
લાંબા સમય સુધી અને અલગ-અલગ ગાયો પર ચાલતાં સંશોધનોના આધારે યુનિવર્સિટી ઑફ ઍનિમલ બિહેવિયર રિસર્ચ ગ્રુપના ડૉ. ડૅરેન ક્રૉફ્ટ દ્વારા એવી જાહેરાત કરવામાં આવી કે પોતાના વર્તુળથી અલગ થઈ જતી ગાયોના આરોગ્ય અને એની ઉત્પાદકતા પર અવળી અસર થાય છે. સાથે રહેવાથી એ જીવ પ્રસન્ન રહે છે જેની સીધી અસર એની ઉત્પાદકતાને વધારી આપે છે.
આ સંશોધનનું તારણ દરેક મનુષ્યને પોતાના પરિવારની મહત્તા સમજાવવા માટે પૂરતું છે. મિત્રવર્તુળ અને બહોળા સ્વજનવર્ગથી આગળ વધીને હોય છે પરિવાર. હૂંફાળી આત્મીયતા અને સુરક્ષિત અંગતતા એ પરિવારની ઓળખ છે. ક્યારેક થઈ જતા ખટરાગ કે ખટપટને અવગણીને પણ પરિવારનું છત્ર જાળવી રાખવા જેવું છે.
પરિવાર માટે સંસ્કૃતમાં ‘પરિકર’ શબ્દ છે. પરિકર એટલે શોભા. વાસણ હોય તો ખખડે ક્યારેક, પણ એકાદ તપેલી કે થાળી સિવાયનું કાઢી ન નખાય. સાથે રહેવાથી જ સહઅસ્તિત્વની કળા વિકસે છે. વિશ્વના પશ્ચિમી ખૂણે રહેલા દેશના ૭૦ ટકાથી વધુ સિંગલ પર્સન ફૅમિલી છે. ત્યાં સજોડે રહેવાની ઘટનાને કદાચ ‘જૉઇન્ટ ફેમિલી’ કહેવાતું હશે. પરિવાર એ જીવનની સુખાકારીની કરોડરજ્જુ છે. એમાં દુખાવો થાય તો દવા કરાય, કઢાવી ન નખાય. બાય ધ વે, કરોડરજ્જુનું ક્યારેય રિપ્લેસમેન્ટ થતું નથી.
- જૈનાચાર્ય શ્રી ઉદયવલ્લભસૂરિ (આચાર્ય શ્રી ઉદયવલ્લભસૂરિ ‘પર્ફેક્ટિંગ યુથ’ કૅમ્પેન થકી જૈન સમાજના યુવાનોમાં સંસ્કરણનું ભગીરથ કાર્ય કરી રહ્યા છે)

