Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


App banner App banner
હોમ > લાઇફસ્ટાઈલ સમાચાર > સંસ્કૃતિ અને વારસો > આર્ટિકલ્સ > બુકે નહીં પણ બુક આપો, કરમાય નહીં એવું સુખ આપો

બુકે નહીં પણ બુક આપો, કરમાય નહીં એવું સુખ આપો

Published : 16 June, 2026 12:14 PM | IST | Mumbai
Jainacharya shree Udayvallabhasuri | feedbackgmd@mid-day.com

દુનિયામાં નિરક્ષરોની સંખ્યા ઘટતી જાય છે. જોકે આ સત્ય ચૅલેન્જેબલ છે કારણ કે બે જાતના નિરક્ષરો હોય છે : જે વાંચી શકતા નથી તે અને જે વાંચતા જ નથી તે પણ

પ્રતીકાત્મક તસવીર (તસવીર સૌજન્યઃ એઆઇ)

સત્સંગ

પ્રતીકાત્મક તસવીર (તસવીર સૌજન્યઃ એઆઇ)


શરીરને ટકવા માટે હવા, પાણી, ખોરાક અને આરામની જરૂર રહે છે. સાથે એ પણ ખરું કે હવા-પાણી ચોખ્ખાં હોવાં જોઈએ, ખોરાક હાઇજીનિક હોવો જોઈએ, આરામ માપસરનો હોવો જોઈએ. શરીરની તંદુરસ્તી જેવા જ નિયમો મનની તંદુરસ્તીને પણ લાગુ પડે છે. મનને પણ ખોરાક-પાણી વગેરેની જરૂર રહે છે અને એ પણ હાઇજીનિક હોવાં જરૂરી છે. વિચારો મનનો ખોરાક છે અને સારા વિચારો મનને મળતો સાત્ત્વિક ખોરાક છે.

માણસ રોજ સેંકડો, હજારો વિચારોને મગજમાં સ્થાન આપે છે. આ પ્રક્રિયા સહજ અને શીઘ્ર છે. સ્ક્રીન પર કોઈ વિજ્ઞાપન જોયું અને એ વસ્તુ વિશેનો કોઈ વિચાર મનમાં પેસી ગયો. છાપું વાંચતાં, સિરિયલ જોતાં, રસ્તા પરના હોર્ડ‌િંગ સામે નજર નાખતાં, પિક્ચરનું પોસ્ટર જોતાં, ઇન્સ્ટાગ્રામ પર રીલ જોતાં કે કોઈના સતત બદલાતા DP પર નજર નાખતાં પણ માણસ કેટલું બધું ગ્રહણ કરે છે. 
વિચારોને ગ્રહણ કરવાનું ચાલતું જ રહે છે, એ વિશેનાં પ્લૅટફૉર્મ બદલાયા કરે છે. મનને સતત તાજું રાખતું એક સક્ષમ પ્લૅટફૉર્મ એટલે સારું પુસ્તક. કાગળ પર થયેલા વિચારોના અવતરણને આપણે પ્રિન્ટિંગ કહીએ છીએ. સારું પુસ્તક એટલે ખરો મિત્ર, ખરા સમયની દવા, સંકટ સમયની સાંકળ અને વહેલી પ્રભાતનું ઝાકળ.



આપણા સ્ક્રીન-ટાઇમે આપણો વાંચવાનો રસ સાવ ખતમ કરી નાખ્યો છે. દુનિયામાં નિરક્ષરોની સંખ્યા ઘટતી જાય છે. જોકે આ સત્ય ચૅલેન્જેબલ છે કારણ કે બે જાતના નિરક્ષરો હોય છે : જે વાંચી શકતા નથી તે અને જે વાંચતા જ નથી તે પણ. આમાં જ ક્યાંય આપણે ખરા? જે ઘરમાં વાંચન નથી એ ઘરમાં ઘડતર કે સંસ્કરણ નબળું જ રહેવાનું. ઘડતર પામેલું પાત્ર કે મિત્ર છેક આત્મીય બનીને કાયમ ટકે છે. વ્યક્તિ તો માટી છે, વાંચન તેનું ઘડતર છે. માટી જો ચંપલ સાથે આવે તો ઉંબરા સુધી જ પહોંચી શકે, પણ જો એ માટલું બનીને આવે તો છેક પાણિયારે પૂજાય. ગુણવંત શાહે એક સરસ વાત લખેલી કે જેમના ઘરે પાંચ સારાં પુસ્તકો ન હોય ત્યાં દીકરી આપવામાં જોખમ! આમાં ઉમેરીને કહી શકાય ખરું કે એવા ઘરની દીકરી લેવામાં પણ જોખમ. મનને પ્રસન્ન બનાવવા માટે, બુદ્ધિને સમૃદ્ધ બનાવવા માટે, જીવનને દિશા આપવા માટે અને વર્તમાન જગતમાં ટકી રહેવા માટે પણ સદવાંચન જરૂરી છે. આ દુનિયામાં સારું સાહિત્ય એ જ એકમાત્ર એવો દરિયો છે જેમાં ડૂબવાથી જ તરી શકાય છે.


વાંચન માટે જેના ઘરમાં પુસ્તક નથી એ દરિદ્રતા છે, પણ વાંચન માટે જેની પાસે ફુરસદ નથી તે તો દયાપાત્ર છે. વિચારોની આવક ઓછી હોય ત્યાં શબ્દોનો બગાડ વધારે જ રહેવાનો. પુસ્તકો વાંચવાનો અને એ માટે રાખવાનો ટ્રેન્ડ જરૂરી છે. પરણીને સાસરે જતી દીકરીને આણામાં સારાં ૧૦ પુસ્તક આપી શકાય. પ્રસંગે ફ્રેન્ડને પણ આવી ગિફ્ટ આપી શકાય. આપણે ત્યાં વારે-તહેવારે ફ્લાવર બુકે આપવાનો ટ્રેન્ડ છે. શું આ ટ્રેન્ડને બદલી ન શકાય? શુભેચ્છા સાથે શુભવિચારનો ટ્રેન્ડ શરૂ કરી શકાય અથવા બુકેની જગ્યાએ બુક આપવાની પ્રથા શરૂ કરી શકાય. ચાલો, વ્યવહારને વધુ અર્થસભર બનાવવા માટે એક નવો તાજો અને ફોરમતો ફેરફાર કરીએ. બુકે નહીં પણ બુક આપો, કરમાય નહીં એવું સુખ આપો.


Whatsapp-channel Whatsapp-channel

16 June, 2026 12:14 PM IST | Mumbai | Jainacharya shree Udayvallabhasuri

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK