બોરીવલીમાં રહેતી ટીવી-અભિનેત્રીના ઘરમાં હાઉસહેલ્પે કરી ૮ લાખનાં ઘરેણાંની ચોરી
આરોપી મહિલા અભિનેત્રીના ઘરમાં ચોરી કરતી CCTV કૅમેરામાં કેદ થઈ ગઈ હતી.
બોરીવલી-વેસ્ટમાં આવેલી આઇસી કૉલોનીમાં રહેતાં ૫૮ વર્ષનાં ટીવી-અભિનેત્રી નમ્રતા મેનેઝિસના ઘરમાંથી તેમની હાઉસહેલ્પે ૮ લાખ રૂપિયાના સોનાના દાગીના સેરવી લીધા હોવાની ફરિયાદ ગઈ કાલે MHB પોલીસ-સ્ટેશનમાં નોંધાઈ છે. અભિનેત્રીએ પોતાના ૭૦ વર્ષના બીમાર પતિની સારસંભાળ રાખવા માટે મહિલાને કામ પર રાખી હતી, પરંતુ ૨૬ મેએ સાંજે જ્યારે અભિનેત્રી શૂટિંગ માટે બહાર ગયાં હતાં ત્યારે એ તકનો લાભ ઉપાડીને હાઉસહેલ્પે આ ચોરી કરી હતી. ચોરીની ઘટના ઘરમાં લાગેલા CCTV કૅમેરામાં કેદ થઈ જતાં આખો મામલો પ્રકાશમાં આવ્યો હતો અને હાલમાં પોલીસ CCTV કૅમેરાનાં ફુટેજના આધારે ફરાર થઈ ગયેલી આરોપી મહિલાની શોધખોળ ચલાવી રહી છે.
નમ્રતા મેનેઝીસે ‘મિડ-ડે’ને કહ્યું હતું કે ‘મારા પતિ ડાયાબિટીઝની ગંભીર બીમારીથી પીડાતા હોવાને કારણે છેલ્લાં પાંચ વર્ષથી પથારીવશ છે. તેમની સારસંભાળ માટે છેલ્લા કેટલાક સમયથી એ મહિલાને મેં કામ પર રાખી હતી અને તેની પાસે ઘરની ચાવી પણ રાખી હતી. તાજેતરમાં ઘરના વૉર્ડરોબમાં રાખેલા દાગીના તપાસતાં એમાંથી અમુક દાગીના ઓછા હોવાનું ધ્યાનમાં આવ્યું હતું એટલે ઘરમાં લાગેલા CCTV કૅમેરાનાં ફુટેજ તપાસ્યાં હતાં. ૨૬ મેએ સવારે જ્યારે હું ગોરેગામમાં શૂટિંગ માટે ગઈ હતી ત્યારે મારા ઘરમાં કામ કરતી મહિલા આવી હતી અને તેણે બેડરૂમના કબાટનો દરવાજો ખોલીને અંદરથી ૪૦ ગ્રામનો સોનાનો હાર અને ૨૦ ગ્રામનાં સોનાનાં બૂટિયાં ચોરી લીધાં હતાં. એ દાગીના મારા પતિએ મને ૧૯ વર્ષ પહેલાં ભેટ આપ્યા હતા. આ તમામ દાગીના પહેલાં અમે બૅન્ક-લૉકરમાં રાખ્યા હતા. જોકે અવારનવાર બૅન્કો બંધ થઈ જવાના સમાચાર જોતાં મેં લૉકરમાંથી કાઢીને તમામ દાગીના ઘરમાં રાખ્યા હતા.’
ADVERTISEMENT
પોલીસ શું કહે છે?
MHB પોલીસ-સ્ટેશનના એક સિનિયર અધિકારીએ ‘મિડ-ડે’ને કહ્યું હતું કે ‘આરોપી મહિલાએ ચોરી કરી હોવાની ચોક્કસ માહિતી ઘરમાં લાગેલા CCTV કૅમેરાનાં ફુટેજમાંથી મળી છે જેના આધારે અમે આરોપી મહિલાની શોધખોળ કરી રહ્યા છીએ.’
