નાલાસોપારા પાસેના વાઘોલી ગામમાં સ્થિત ઇચ્છાપૂર્તિ અન્ડરગ્રાઉન્ડ ગણપતિ મંદિરની સાથે હજારો ભક્તોની અસીમ આસ્થા જોડાયેલી છે
નાનું પણ બહારથી સુંદર સજાવેલું મંદિર.
‘શ્રદ્ધાનો જો હો વિષય તો પુરાવાની શી જરૂર’ આ લાઇન નાલાસોપારાના ઇચ્છાપૂર્તિ અન્ડરગ્રાઉન્ડ ગણપતિ મંદિરને બરાબર બંધબેસે છે. કહેવાય છે કે આ મંદિરમાં આવેલી મૂર્તિ એટલીબધી શક્તિશાળી છે કે તમે એની સમક્ષ આવીને જે કંઈ માગો એ ઇચ્છા ત્વરિત પૂરી થઈ જાય છે. જોકે થૅન્ક્સ ટુ સોશ્યલ મીડિયા કે જેને લીધે આ મંદિર વિશે લોકોને ખબર પડી. આ મંદિરની એક નહીં પણ અનેક ખાસિયત છે. એક તો તે ઇચ્છાપૂર્તિ ગણપતિ છે. બીજું એ કે આ ગણપતિનું મંદિર જમીનથી લગભગ ૧૫ ફીટ નીચે આવેલું છે. અને ત્રીજું એ કે આ મંદિર અને એની આસપાસનો પરિસર એટલોબધો રળિયામણો છે કે ભક્તોને મંદિરની સાથે-સાથે આ જગ્યાની સાથે પણ લગાવ થઈ જાય છે. જોકે આજની તારીખમાં પણ આ મંદિર વિશે ઘણા લોકોને જાણકારી નથી. તો ચાલો જાણીએ આ મંદિરની સ્થાપનાથી લઈને આજ સુધીની તમામ માહિતી.
નાલાસોપારા વેસ્ટના વાઘોલીના જયવંત નાઈક અને કિશોર નાઈક ભાઈઓના ફુલારે ચૅરિટેબલ ટ્રસ્ટ હેઠળ આ મંદિર સંચાલિત છે. આ ફુલારે ચૅરિટેબલ ટ્રસ્ટ પાસે વાઘોલી ગામમાં લગભગ બાર એકરના વિશાળ વિસ્તારમાં શ્રી ગણેશ મંદિરની સાથે શનિ મંદિર પણ છે. ૨૦૦૧માં નાઈક બંધુઓએ તેમના પૂર્વજોના ખેતરમાં આ ગણેશ મંદિર બનાવ્યું હતું. મુંબઈથી માત્ર એક કલાક દૂર આવેલું આ મંદિર એવી જગ્યા અને વાતાવરણની વચ્ચે છે કે જ્યાં જઈને એવું લાગે છે કે તમે ગોવામાં કે પછી કેરલાના કોઈ વિસ્તારમાં હો. આ જગ્યા હરિયાળી અને કુદરતી સૌંદર્યથી ઘેરાયેલી છે. હાલમાં મહારાષ્ટ્રની અંદર મોટી સંખ્યામાં પ્રવાસીઓ અર્નાલા, કલંબ અને રાજોડીના દરિયાકિનારાની મુલાકાત લઈ રહ્યા છે પણ ટૂંક સમયમાં આ જગ્યા પણ પ્રવાસીઓનું ગમતીલું સ્થળ બની રહે તો નવાઈ નહીં. મંદિરનું ધીરે-ધીરે પ્રખ્યાત બનવા પાછળનું એક કારણ એ છે કે આ મંદિર મહારાષ્ટ્રમાં બીજું અને પાલઘર જિલ્લામાં પ્રથમ એવું એકમાત્ર અનોખું ભૂગર્ભ ગણેશ મંદિર છે. આવું જ એક મંદિર યવતમાલમાં હોવાનું કહેવાય છે. કેટલાકનું કહેવું છે કે આ મંદિર સ્વયંભૂ છે. આ જગ્યા પર ખોદકામ કરતી વખતે અંદરથી ગણપતિની મૂર્તિ નીકળી હતી, પણ સાચી માહિતી વિશે હજી જાણ નથી. જે હશે તે પણ આ મંદિર અચૂક જોવા જેવું છે. જેમ-જેમ લોકોને આ મંદિર અને એના સત વિશે જાણકારી અને માહિતી મળતી જઈ રહી છે તેમ-તેમ આ મંદિરમાં ભક્તોની ભીડ પણ વધી રહી છે.
ADVERTISEMENT
મંદિરની રચના અને પરિસર
મંદિરની વાત કરીએ તો એનું બાંધકામ ખૂબ જ સિમ્પલ છતાં આકર્ષક રીતે કરવામાં આવ્યું છે. ગોળ જેવા આકારના આ મંદિરની અંદર પ્રવેશતાંની સાથે સામે સર્કલ શેપમાં કેટલીક સીડી જોવા મળશે જ્યાંથી નીચે ઊતરીને મુખ્ય મંદિર સુધી પહોંચવાનું રહે છે. નીચે એક નાના સરખા લાકડાના મંદિરમાં ગણેશજીની મૂર્તિની સ્થાપના કરવામાં આવેલી છે અને સામેની તરફ ગોળાકારમાં ખુલ્લી જગ્યા છે જ્યાં ભક્તો લાંબા સમય સુધી ધ્યાન મુદ્રામાં બેસી શકે છે. એટલે આ સ્થાનને શ્રી ગણેશ ધ્યાન મંદિર પણ કહેવામાં આવે છે. આ જગ્યાને ઉપરથી ગુંબજ આકારના બાંધકામથી કવર કરવામાં આવેલી છે. મંદિરનું ઇન્ટીરિયર ખૂબ જ સાદું છે અને એમાં લાકડાની સજાવટનો વધુ ઉપયોગ કરવામાં આવેલો છે. આ મંદિરની મુલાકાત લેનારા ભક્તો ધ્યાન ધરવાની સાથે ગણેશની પૂજા અને પરિક્રમા કરી શકે છે. મંદિર પાસે એક ભાઉ ફુલારે હૉલ પણ છે જ્યાં નાના-મોટા કાર્યક્રમો પણ કરી શકાય છે. આ હૉલ અન્ય હૉલની જેમ આલીશાન કે ઝગમગાટથી સજ્જ નથી પણ ખૂબ જ બેઝિક છે. અહીં દર શનિવારે અને સંકટ ચતુર્થીના દિવસે મહાઆરતીનું આયોજન કરવામાં આવે છે, જેમાં ભાગ લેનારને દિવ્ય અનુભવની અનુભૂતિ થાય છે.
૧૫ ફુટ ઊંડાં ભોંયરામાં આવેલું ગર્ભગૃહ.
સુંદર ગાર્ડન અને વૈવિધ્યસભર પ્લાન્ટ્સ
મંદિર એવું સ્થળ છે જ્યાં સૌકોઈને માનસિક શાંતિનો અનુભવ થાય છે, પણ આવો જ અનુભવ મંદિરની બહારના પરિસરમાં પણ અનુભવાય તો કેવો આનંદ આવે નહીં? અહીં એવું જ છે. મંદિરની આસપાસ કેટલાય ફુટ સુધી માત્ર ને માત્ર ગ્રીનરી જ દેખાશે. તમે જો ચોમાસા દરમિયાન અહીં આવો તો જાણે લાગે કે તમે મુંબઈમાં નથી પણ કોઈ હિલ સ્ટેશનની મુલાકાત લઈ રહ્યા છો. મંદિરની બહારના પરિસરની વાત કરીએ તો આ મંદિરમાં પ્રવેશવા માટે એક માર્ગ છે. આ માર્ગની બન્ને તરફ મોટું સુંદર ગાર્ડન અને જાતજાતના પ્લાન્ટ રોપેલા છે. ગાર્ડનમાં બાળકોને જ નહીં પણ મોટા લોકોને પણ ગમે એવી વ્યવસ્થા કરવામાં આવી છે. અનેક સિંગલ હીંચકા, થ્રી-સીટર ઝૂલા, જંગલ જિમ, લસરપટ્ટી, બાંકડા, નાસ્તાપાણી કરવા માટેની પ્રૉપર બેઠક વગેરેની સારીએવી વ્યવસ્થા કરવામાં આવી છે. બીજું એ કે અહીંનું વાતાવરણ પણ એકદમ શાંત અને નિર્મળ હોવાને લીધે અહીં આવનારા ભક્તોને પરિસરમાં બે ઘડી બેસવાનું પણ મન થઈ જાય છે. એટલે વીક-એન્ડમાં તો અહીં સારીએવી ગિરદી થઈ જાય છે. બાકીના દિવસોમાં અહીં એટલી ભીડ રહેતી નથી. અહીં પરિસરના વિડિયો અને ફોટો સોશ્યલ મીડિયા પર એટલાબધા ફરવા લાગ્યા છે કે ઘણા લોકો સ્પેશ્યલ અહીં વન ડે પિકનિકનું આયોજન કરવા માંડ્યા છે. પહેલાં અહીં આસપાસ કંઈ મળતું નહોતું પણ હવે ઘણુંબધું ડેવલપ કરી દેવામાં આવ્યું છે. તેમ જ ગાર્ડનમાં પણ દર થોડા દિવસે કંઈ ને કંઈ નવીન વસ્તુનો ઉમેરો કરવામાં આવે છે. અહીં આસપાસમાં અને પરિસરમાં પણ ઘણાં મંદિરો છે અને નજીકમાં બીચ પણ છે.
ઇચ્છાપૂર્તિ ગણપતિબાપ્પા.
અમરેશ્વર મહાદેવ
મંદિરના જ પ્રાંગણમાં ઝાડ નીચે એક શિવલિંગ આવેલું છે. આ શિવલિંગ પણ સ્વયંભૂ હોવાનું કહેવાય છે. ઇચ્છાપૂર્તિ ગણપતિના મંદિરમાં આવનારા ભક્તો આ શિવલિંગની પૂજા કરીને જ પરત ફરે છે. અન્ય શિવમંદિરોની જેમ અહીં પણ દર સોમવારે, શ્રાવણ મહિનામાં અને મહાશિવરાત્રિમાં વિશેષ પૂજા કરવામાં આવે છે. હમણાં જે મહાશિવરાત્રિ ગઈ ત્યારે અહીં ઘણી મોટી માત્રામાં ભક્તો એકઠા થયા હતા. પરિસરને ફૂલોથી શણગારવામાં આવ્યો હતો. શિવલિંગને પણ શણગારવામાં આવ્યું હતું. તેમ જ અહીં આવનારા ભક્તોને સિદ્ધ રુદ્રાક્ષનો પ્રસાદ આપવામાં આવ્યો હતો. અહીં વિશેષ દિવસે શિવજીને દિવ્ય શણગારથી શણગારમાં આવે છે જેને જોવું પણ એક લહાવો છે. આ સિવાય અહીં બાલુમામાનું મંદિર આવેલું છે. એને ધનગર સમાજના લોકો ખૂબ જ માને છે. અહીં ભંડારાનું પણ આયોજન કરવામાં આવે છે. નજીકમાં કૅન્ટીન પણ છે. આ ઉપરાંત ગાર્ડન અને ટ્રી હાઉસ પણ છે.
પ્રાંગણમાં આવેલા અમરેશ્વર મહાદેવ.
શનિ મંદિર
શનિ શિંગણાપુરમાં છે એવું જ શનિદેવનું મંદિર ગણેશ મંદિરની નજીકમાં છે. માત્ર થોડી મિનિટો પગપાળા ગયા બાદ આ મંદિર સુધી પહોંચી શકાય છે. અહીં ભક્તો તેલથી અભિષેક કરી શકે છે. આ તેલ સ્વ-સહાય જૂથોની મહિલાઓ દ્વારા વેચવામાં આવે છે. અભિષેક માટે વપરાતું આ તેલ બગાડવામાં આવતું નથી પરંતુ યોગ્ય રીતે રીસાઇકલ કરવામાં આવે છે, એને હર્બલ અર્ક સાથે મિશ્રિત કરવામાં આવે છે, અને વૃદ્ધો અને બીમાર લોકોને માલિશ માટે મફત પ્રસાદ તરીકે વહેંચવામાં આવે છે. આ મંદિર, જેમાં ભગવાન શનિદેવની છબી છે એ વિશાળ અને આકર્ષક છે. લાકડાના ઉત્કૃષ્ટ કોતરણી બાંધકામ સાથે સુંદર રીતે ડિઝાઇન કરવામાં આવેલું છે. શનિ મંદિરમાંથી ભક્તોને પ્રસાદ તરીકે અર્પણ કરવામાં આવતાં ફૂલો આપવામાં આવે છે. શનિ મંદિરમાંથી અત્યાર સુધીમાં પાંચ લાખથી વધુ ફૂલો અને ફળના ઝાડનું વિતરણ કરીને પ્રકૃતિનું સંતુલન જાળવવામાં યોગદાન આપ્યું છે.
કેવી રીતે જશો?
મંદિર સુધી પહોંચવા માટે નાલાસોપારા સ્ટેશન સૌથી નજીક પડે છે. નાલાસોપારા વેસ્ટ તરફના સ્ટેશનથી ૨૫૧ નંબરની બસ પકડીને વાઘોલી બસ-સ્ટૉપ પર ઊતરવાનું રહે છે. ત્યાંથી ૧૦ મિનિટ પગપાળા જવાની સાથે તમે આ મંદિર સુધી પહોંચી જશો. અહીં સુધી શૅર-અ-રિક્ષા પણ મળી જશે. અમુક રિક્ષા વાઘોલી નાકા પાસે પણ ઉતારે છે. પ્રાઇવેટ રિક્ષા અહીં સુધી આવવા માટે ૧૫૦ રૂપિયા લે છે. જો તમે અહીં પોતાના વાહનમાં આવવા માગતા હો તો પણ કોઈ વાંધો નથી કેમ કે મંદિરની નજીકના પરિસરમાં પાર્કિંગ માટે સારીએવી વ્યવસ્થા અને જગ્યા છે.
ઍડ્રેસ : ઇચ્છાપૂર્તિ અન્ડરગ્રાઉન્ડ ગણપતિ મંદિર, ભાઉ ફુલારે માર્ગ, વાઘોલી ગામ, નાલાસોપારા (વેસ્ટ)
મંદિરનો સમય : સવારે ૯થી રાત્રે ૯ સુધી

