ભગવાનના ચરણાર્વિંદમાં ભાવ પ્રગટે પછી ભેદ શાનો? સરિતાનું જીવન સમર્પણનું જીવન છે
પ્રતીકાત્મક તસવીર
સરિતાની જેમ જે વ્યક્તિ જીવન વ્યતીત કરે છે તે વ્યક્તિ જીવંત છે. તેના જીવનમાં તાજગી છે. શીતળતા, ગતિ, બીજાનું ભલું કરવાની ભાવના છે. તેઓ પડકારોને સહી લે છે. જીવનમાં અવરોધો પેદા કરતાં પરિબળોને સહી લે છે. વિરોધો સામે અટકતા નથી. પરિસ્થિતિની વિપરીતતા સામે હારતા નથી. વિરોધ વચ્ચે અગ્નિકુંડના ગુલાબની જેમ ખીલી ઊઠે છે પણ આ સરિતામાંથી ખાબોચિયું બનતાં તેને વાર નથી લાગતી. વિરોધ અને મુશ્કેલીથી જો અટકી જવાય, જીવનનો પ્રવાહ થંભી જાય તો ખાબોચિયું બની જશે. એટલે સરિતા જેવી વિશાળ દૃષ્ટિ રાખો. સરિતા પાસે ગમે તે આવે, કોઈ ભેદ જોવા નહીં મળે.
ભગવાનના ચરણાર્વિંદમાં ભાવ પ્રગટે પછી ભેદ શાનો? સરિતાનું જીવન સમર્પણનું જીવન છે. સરિતાનું પાણી હોય થોડું પણ લાગે મીઠું. સાગરમાં પાણી અગાધ, પણ ખારું. કારણ એટલું જ કે સરિતા પાસે પાણી થોડું છે પણ એ સતત આપતી જ રહે છે. સાગર સંગ્રહ કરે છે એટલે ખારો છે. સંપત્તિથી સુખ મળતું નથી એ વાત સાગર રડી-રડીને એટલે કે મોજાં ઉછાળી-ઉછાળીને લોકોને કહે છે.
ADVERTISEMENT
નથી મેળવાતી ખુશી સંપત્તિથી,
એ સાગર રડીને કહે છે જગતને,
ભીતરમાં જ મોતી ભર્યાં છે,
છતાંય સમુંદરનાં ખારાં જળ થઈ ગયાં છે
સાગર હંમેશાં ભેગું કરે છે. સંગ્રહ કરે છે એટલે ખારો છે. સમર્પણ અને સમત્વ બન્ને સરિતામાં છે. તેથી સરિતા જેવા થવા માટે જીવન-પ્રવાહ અવિરત વહેતો રાખવાનો. જીવન-પ્રવાહને અવિરત વહેતો રાખવા માટે વિરોધો ઊઠે તો ઊઠવા દેવાના અને વિરોધોને દૂર કરતા રહો. આસ્તિક એ જ છે જેણે જીવનમાંથી વિરોધોને દૂર કર્યા અને સ્વીકારને સ્થાન આપ્યું. ચાલશે. ફાવશે. ગમશે. પરવડશે.
બસ! આમ સ્વીકાર, પણ આપણે તો ‘જોઈશે’ને પકડીને બેઠા છીએ અને તેથી જ દુઃખ છે. એટલે જીવનમાંથી દુરાગ્રહ-હઠાગ્રહને દૂર કરો તો પરમાનંદ તરફ ગતિ નિરંતર આગળ વધશે.
વર્તમાનમાં નૂતન અયોધ્યાનાં દર્શન પણ ઉત્કૃષ્ટ બની ગયાં છે. ત્યારે રામાયણની વાત પણ નિત્ય પ્રસ્તુત છે. આપણા જીવનનું દર્શન કરાવનાર રામાયણ આપણું દર્પણ છે. દશરથજી એટલે વેદ. કૌશલ્યા એટલે જ્ઞાનકાંડ, જ્ઞાનશક્તિ. સુમિત્રા એટલે ઉપાસના ભક્તિની શક્તિ અને કૈકેયી એટલે ક્રિયાકાંડ. જ્ઞાન બ્રહ્મ છે એટલે જ્ઞાનશક્તિ કૌશલ્યાએ પરબ્રહ્મ રામને જન્મ આપ્યો. સુમિત્રા લક્ષ્મણ અને શત્રુઘ્નની માતા છે. તેથી લક્ષ્મણ અને શત્રુઘ્ન મહાઉપાસક છે. જ્યાં ભક્તિ હોય, જ્યાં પ્રેમ હોય ત્યાં સમર્પણ આવે જ. પ્રેમ જતું કરે, પકડી રાખે તેને પ્રેમ ન કહેવાય. નાની વાતમાં ખોટું શું લગાડવું? જવા દેવું. પ્રેમ બલિદાન માગે છે.


