Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


App banner App banner

ચાલો જગન્નાથપ્રભુની જાનમાં

Published : 19 July, 2026 02:01 PM | Modified : 19 July, 2026 02:02 PM | IST | Rajasthan
Alpa Nirmal

૧૭૦થી વધુ વર્ષથી ચાલતી આવતી આ પરંપરા અન્ય જગન્નાથજીની રથયાત્રાથી ભિન્ન છે, પરંતુ શ્રદ્ધાળુઓનો ભક્તિભાવ અનન્ય અને જબરદસ્ત છે

રાજસ્થાનના અલવર શહેરમાં બિરાજમાન જગન્નાથજી

રાજસ્થાનના અલવર શહેરમાં બિરાજમાન જગન્નાથજી


રાજસ્થાનના અલવર શહેરમાં બિરાજમાન જગન્નાથજી રથયાત્રામાં માસીના ઘરે નથી જતા, તેઓ તો જાનકીમાતા સાથે પરણવા જાય છે. વળી યાત્રામાં તેમની સાથે તેમનાં ભાઈ-બહેન પણ નથી હોતાં. ૧૭૦થી વધુ વર્ષથી ચાલતી આવતી આ પરંપરા અન્ય જગન્નાથજીની રથયાત્રાથી ભિન્ન છે, પરંતુ શ્રદ્ધાળુઓનો ભક્તિભાવ અનન્ય અને જબરદસ્ત છે

ગયા અઠવાડિયે અલગ-અલગ સંપ્રદાયોએ જગન્નાથજીની રથયાત્રાનો ઉત્સવ ઊજવ્યો. છતાં પણ કોઈ કારણોસર ભગવાનના આ ભવ્ય મનોરથમાં સામેલ થવાનું શક્ય ન બન્યું હોય તો ઊપડો મરુભૂમિના અલવર શહેરમાં. ત્યાં બુધવારે બાવીસમી જુલાઈએ ચતુર્ભુજની રથયાત્રા નીકળશે. એટલું જ નહીં, પચીસમી જુલાઈએ સંપન્ન થનારા તેમના વિવાહમાં પણ મહાલવાનો મોકો મળશે.



યસ, અલવરના જગન્નાથજીની રથયાત્રામાં જાન કાઢવાની આ પ્રથા તો અનૂઠી છે. આ ઉપરાંત અહીં વિષ્ણુ ભગવાનની બે મૂર્તિ છે. એક જે સ્થિર છે તેઓ બૂઢે જગન્નાથ તરીકે ઓળખાય છે અને કહેવાય છે કે એ સુખડના લાકડામાંથી બનાવાયેલી છે. વળી તેમનાં દર્શન માત્ર રથયાત્રાના પાંચ દિવસ દરમ્યાન જ થઈ શકે છે. બીજી પ્રતિમા ઉત્સવ મૂર્તિ છે જેના પર દરેક ધાર્મિક વિધિ કરવામાં આવે છે તેમ જ રથયાત્રામાં આ ચલ મૂર્તિ જ પધરાવાય છે અને લગભગ ૪ ફુટની આ પ્રતિમા સાથે જ મા જાનકી (લક્ષ્મીજી)નાં લગ્ન કરાવવામાં આવે છે.


lll

ભારતના લાર્જેસ્ટ સ્ટેટ રાજસ્થાનનું સિટી અલવર રાજ્યની રાજધાની જયપુર અને દેશની રાજધાની દિલ્હીની બરાબર મધ્યમાં આવેલું છે. ‘સિટી ઑફ લવ’નું ઉપનામ ધરાવતું આ શહેર અનેક ઐતિહાસિક સ્મારકો માટે જાણીતું છે. એમાં પણ અહીંનું સારિસ્કા વ્યાઘ્ર અભયારણ્ય તેમ જ ભૂતિયો ભાનગઢ ફોર્ટ દેશ-વિદેશના પર્યટકોમાં ફેમસ છે. અલવરની આજુબાજુ આવેલાં દસમી સદીનું નીલકંઠ મહાદેવ મંદિર, ભાનગઢનું શિવાલય, વિજય મંદિર, તિજરા જૈન મંદિર અને શહેરની મધ્યમાં આવેલું જગન્નાથ મંદિર રિલિજિયસ ટૂરિસ્ટોમાં પ્રખ્યાત છે. પુરાના કટલા (સુભાષ ચોક) વિસ્તારમાં આવેલા આ મંદિરની સ્થાપના ૨૭૫ વર્ષ પૂર્વે થઈ છે. એ સમયના રાજવીઓ તથા સ્થાનિક શ્રદ્ધાળુઓના સહયોગથી આ મંદિરનું નિર્માણ થયું છે. જોકે અમુક ઇતિહાસકારોના મત અનુસાર મંદિરની નીવ તો ૮૦૦ વર્ષ પહેલાં
ચૌદમી-પંદરમી સદીમાં નખાઈ હતી.


ખેર, આપણે ઓગણીસમી સદીમાં આવીએ તો સમયે-સમયે અલવરના રાજાઓએ આ મંદિરોનો જીર્ણોદ્ધાર કરાવડાવ્યો. એટલે જ અહીંની આર્કિટેક્ચર શૈલીમાં વિધવિધ શૈલીઓનું મિશ્રણ જોવા મળે છે. મુખ્ય માર્ગથી ૩૦ ફુટ ઊંચે આવેલા મંદિર સુધી પહોંચવાનાં આકરાં પચ્ચીસ પગથિયાં ઉદયપુરના જગદીશ મંદિરની યાદ અપાવે છે તો મુખ્ય દરવાજો ઇન્ડો-ઇસ્લામિક કલ્ચરનો નમૂનો છે. આ મંદિરની રથયાત્રા પ્રથાની જેમ અહીંની ફર્શ પણ નિરાળી છે. જનરલી, દેવાલયોમાં દાતાઓનાં નામ દીવાલ પર લખવામાં આવે પરંતુ અહીં દાતાઓએ પોતાનાં નામ ફ્લોરિંગની લાદીઓમાં લખાવ્યાં છે, કારણ કે ભક્તોનું માનવું છે કે દર્શનાર્થી તેમના નામની ટાઇલ પર પગ મૂકીને પ્રભુનાં દર્શન કરવા જાય તો દાતાઓને પુણ્ય મળે.

સંપૂર્ણ સફેદ સંગેમરમરના ચોરસ આકારમાં બનેલા મંદિરની આંતરિક ડિઝાઇનમાં રાજસ્થાની હવેલીઓની ઝાંય છે. મંદિરના સ્તંભો, દીવાલો પર ઉકેરેલી ફૂલપત્તીની ડિઝાઇન આકર્ષક છે. પ્રભુ બિરાજમાન છે એ ગર્ભગૃહની વાત કરીએ તો અષ્ટકોણીય ખંડની મધ્યમાં ૩ ફુટ ઊંચા આરસપહાણના પ્લૅટફૉર્મ પર ભગવાન ચતુર્ભુજની વિષ્ણુ સ્વરૂપની મૂર્તિ છે. તેમના પડખે અષ્ટધાતુમાંથી નિર્મિત માતા જાનકી (લક્ષ્મીજી) બિરાજે છે. ‘હરિ તારાં નામ છે હજાર’ના ન્યાયે આ ભગવાનને જગન્નાથજી કહેવાય છે; પરંતુ તેમનું રૂપ સંપૂર્ણ છે, પુરીના જગન્નાથજી જેવું નહીં. જોકે અહીંની પૂજાપદ્ધતિ પણ અલગ છે. પુરીસ્થિત ચકાનયન તેમનાં ભાઈ-બહેન સાથે અષાઢી બીજના દિવસે રથમાં બેસીને ગુંડીચા મંદિર જાય છે અને અઠવાડિયું ત્યાં રહે છે, જ્યારે અષાઢી એકમથી અલવરના જગન્નાથજીનો ૧૧ દિવસનો વિવાહ ઉત્સવ શરૂ થાય છે. એમાં ગણેશપૂજાથી લઈ ભગવાનને હલ્દી લગાવવાનો, કંગન-ડોરાની તેમ જ રાજસ્થાનીઓમાં પ્રચલિત લગ્ન પહેલાંની ઘણી રીત-રસમો કરાવવામાં આવે છે. આ દરમ્યાન દરરોજ ગામની મહિલાઓ મંદિરમાં લગ્નગીતો ગાવા આવે છે અને ગામમાં પાંચથી ૭ દિવસનો મેળો લાગે છે. લગ્નોત્સવમાં સામેલ થવા સ્કૂલો-કૉલેજોમાં રજા આપવામાં આવે છે. આખો રથયાત્રાનો રૂટ ધજા, પતાકા, રોશનીથી શણગારવામાં આવે છે.

હવે આ અનોખી બારાત-રથયાત્રાની પરંપરાના ઇતિહાસની વાત કરીએ તો કહેવાય છે કે લગભગ ૨૫૦ વર્ષ પહેલાં એટલે મંદિર સ્થપાયાનાં દસ-પંદર વર્ષ બાદ રથયાત્રાને જાન તરીકે કાઢવાની શરૂઆત થઈ. કોણે શરૂ કરી એ વિશે પાકું પ્રમાણ નથી, પરંતુ કહેવાય છે કે એ વખતના તત્કાલીન રાજવીઓએ જ્યોતિષીઓ-પંડિતોને ભગવાનની રથયાત્રા કાઢવાનું મુહૂર્ત પુછાવ્યું તો પંડિતોએ અષાઢી બીજને બદલે અષાઢ સુદ નોમનું મંગલ મુહૂર્ત આપ્યું. ત્યારથી અહીં રથયાત્રા અષાઢી નોમના દિવસે નીકળે છે. રહી વાત પ્રભુના વિવાહની તો એ વિશે કોઈ ઐતિહાસિક નોંધ નથી, પરંતુ એ પરંપરા ૨૫૦ વર્ષથી ચાલે છે. આખા ઉત્સવની એક પછી એક વિધિની વાત કરીએ તો અષાઢ સુદ પ્રતિપદાએ ગણેશપૂજન થાય છે એ સાથે મંદિર ઉપર વિવાહના વિશેષ ધ્વજનું આરોહણ થાય છે. બીજા દિવસે પ્રભુને ૧૧ પવિત્ર નદીઓના જળથી અભિષેક કરાવવામાં આવે છે અને ભગવાનને વરરાજા તરીકે સ્થાપિત કરીને કંગન-ડોરાની વિધિ થાય છે, જેમાં નાડાછડી બંધાય છે. ત્રીજાથી છઠ્ઠા દિવસ સુધી દુલ્હેરાજા ભગવાનનાં દર્શન બંધ થઈ જાય છે, પરંતુ નિજ મંદિરમાં પૂજારીઓ દ્વારા વિશેષ અંગસેવા તથા શ્રૃંગારની રસમ અદા થાય છે. આ દરમ્યાન મંદિર પરિસરમાં ચોવીસે કલાક અખંડ હરિનામ સંકીર્તન ચાલે છે. એ પછી સાતમા દિવસે એટલે આ વખતે મંગળવારે ૨૧ જુલાઈએ મંદિરના પટ ખૂલશે અને ભગવાનનાં દર્શન થશે. અહીંનાં અન્ય ભગવાન સીતા-રામજી રથમાં બિરાજીને અલવરના રૂપવાસસ્થિત રૂપહરિ મંદિરમાં જાનની વ્યવસ્થા કરવા એક દિવસ આગળ જશે. એ દરમ્યાન ત્યાં અનેક ભક્તો સીતા-રામજીનાં દર્શન કરવા જશે તેમ જ જાનકીમાતા (લક્ષ્મીજી)ના કરિયાવરમાં અનેક ભેટો અર્પણ કરશે. આઠમો દિવસ એટલે આખા મહોત્સવનો મુખ્ય દિવસ. ૨૦૨૬ની બાવીસ જુલાઈએ સાંજે ભગવાન ૨૦૦ વર્ષ પ્રાચીન ‘ઇન્દ્ર વિમાન’ નામના બેમજલી ઐતિહાસિક રથ પર સવાર થઈને રૂપવાસ જશે. આ ૬ કિલોમીટરની યાત્રા છથી ૮ કલાકમાં સંપન્ન થાય છે કારણ કે રથયાત્રામાં વિવિધ બૅન્ડ્સ, ઢોલ-નગારાં-ત્રાંસાં વગાડવાવાળા તો હોય છે. તેમની સાથે ખેલ-કરતબ કરનારા કલાકારો, ધાર્મિક ઝાંકીઓની બગીઓ, વિવિધ વેશભૂષા રચીને આવતા કલાકારો પણ સામેલ હોય છે. અલવરના મુખ્ય માર્ગો પરથી નીકળતી આ જાન મધરાતે રૂપવાસ પહોંચે છે અને નવમા દિવસે એટલે ૨૩ જુલાઈએ રૂપવાસમાં જગન્નાથ મેળો તથા સાંસ્કૃતિક કાર્યક્રમો યોજાશે. જે રીતે લૌકિક જાન આવી હોય ને તેમના મનોરંજન માટે વિવિધ પ્રોગ્રામો થાય એ પ્રમાણે અહીં જાત-જાતના કાર્યક્રમો યોજાય છે.

૨૫ જુલાઈ, સેટરડે નાઇટ, અગિયારમા દિવસે એટલે દેવશયની એકાદશીની મધ્યરાત્રિએ ભગવાન જગન્નાથ અને માતા જાનકીનો વરમાળા તથા વિવાહ ઉત્સવ સંપન્ન થશે. માળા ઉત્સવમાં વર-કન્યા બેઉને પાંચ અલગ-અલગ પ્રકારની માળા પહેરાવાય છે - ચાંદીની, કમળની, વૃંદાવનથી આવેલા મોગરાથી તથા અન્ય બે. જોકે લગ્નમાં અગ્નિની સાક્ષીએ લેવાતા ફેરા વગેરે વિધિ નથી થતી, પરંતુ એ સમયે હાજર દસેક હજાર ભક્તોનો આનંદ ચરમસીમાઓ હોય છે, કારણ કે સૌ પોતાના વહાલા પ્રભુનાં લગ્નમાં આવ્યા હોય છે. બારમા દિવસે એટલે આ વર્ષે રવિવારે ૨૬ જુલાઈએ ભગવાન જગન્નાથ પત્ની જાનકી સાથે પાછા પુરાના કટલા (સુભાષ ચોક)ના મંદિરમાં આવશે. ચલ મૂર્તિની આ પાંચ દિવસની ગેરહાજરી વખતે મંદિરમાં રહેતા બૂઢે જગન્નાથજીનાં દર્શન થશે (જે વર્ષમાં ફક્ત આ દિવસોમાં જ થાય છે). આમ અલવરમાં પૂરા ૧૧ દિવસ પ્રભુનો રથયાત્રા મહોત્સવ ઊજવાય છે.

કેવી રીતે જવાય?
મુંબઈથી ડાયરેક્ટ અલવર જતી ટ્રેન-સર્વિસ છે અને જો હવાઈમાર્ગે જવું હોય તો જયપુરનું ઍરપોર્ટ નિયરેસ્ટ. અલવર ટૂરિસ્ટોમાં પૉપ્યુલર હોવાથી અહીં લક્ઝરી હવેલીથી લઈ ગેસ્ટહાઉસ પ્રકારની રહેવાની સુવિધાઓ છે. જમવાનું તો રાજસ્થાનમાં કહેવું જ ન પડે. અહીં મળતી કઢી-કચૌડી, દાલ-પકવાન રાજસ્થાનનાં અન્ય શહેરો કરતાં વધુ ટેસ્ટફુલ છે અને કલાકંદ તો ફક્ત અલવરનો જ. આ મીઠાઈ અહીંની જગન્નાથ યાત્રા જેટલી જ વર્લ્ડ-ફેમસ છે.

અલવરથી ૩૫ કિલોમીટરના અંતરે આવેલા રાજગઢમાં પણ જગન્નાથ મંદિર છે. ત્યાં પણ જગન્નાથજીની રથયાત્રા બારાતરૂપે નીકળે છે અને ૭ દિવસનો વિવાહ ઉત્સવ મનાવવામાં આવે છે. અહીં પણ ૧૯૫ વર્ષ પ્રાચીન ગરુડ વિમાન નામનો ઐતિહાસિક રથ છે.

Whatsapp-channel Whatsapp-channel

19 July, 2026 02:02 PM IST | Rajasthan | Alpa Nirmal

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK