Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


App banner App banner
હોમ > લાઇફસ્ટાઈલ સમાચાર > એસ્ટ્રોલૉજી > આર્ટિકલ્સ > તીવ્ર વૈરાગ્યના આવેશ વચ્ચે ગૃહત્યાગ ગેરવાજબી છે

તીવ્ર વૈરાગ્યના આવેશ વચ્ચે ગૃહત્યાગ ગેરવાજબી છે

26 September, 2022 05:12 PM IST | Mumbai
Swami Satchidananda

જીવનમાં તીવ્ર ખાલીપણું આવી જાય, જેને કારણે ડિપ્રેશન જેવી સ્થિતિ થઈ જાય

પ્રતીકાત્મક તસવીર (સૌજન્ય : આઇસ્ટૉક) ચપટી ધર્મ

પ્રતીકાત્મક તસવીર (સૌજન્ય : આઇસ્ટૉક)


ગૃહત્યાગનાં અનેક કારણો હોઈ શકે છે. એ બધાં કારણોને ધ્યાનથી સમજવાં અને ઓળખવાં જોઈએ. પહેલાં આપણે વાત કરીએ કારણોની. ખટપટો અને ક્લેશ થવાથી, દેવું થઈ જવાથી કે દેવાળું કાઢવું પડે એવી સ્થિતિ થવાથી, કોઈ કારણસર બેઆબરૂ થઈ જવાથી, માર કે હત્યાના ભયથી, અન્યત્ર જવાથી વધુ લાભ થવાની શક્યતાથી, ભક્તિભાવ કરવા માટે પ્રતિકૂળતા રહેતી હોવાથી, ઘરના માણસોનો ત્રાસ હોવાથી, ઘરમાં ભૂત કે નડતર વગેરેની શંકા હોવાથી આવાં બધાં અનેક કારણોથી લોકો ગૃહત્યાગ કરતા હોય છે. અહીં આપણે આ બધાની ચર્ચા કરવી નથી. આપણે તો કોઈ તીવ્ર વૈરાગ્યના આવેશમાં ઘરબાર છોડીને નીકળી પડે છે એવા ગૃહત્યાગનો વિચાર કરવો છે.

માણસના જીવનમાં કેટલીક વાર વૈરાગ્યનો ઉદય થાય છે. બધાને તો આવો વૈરાગ્યભાવ થતો હોતો નથી, પણ કોઈ-કોઈને કોઈ ખાસ પરિસ્થિતિવશ આવો વૈરાગ્ય થઈ આવતો હોય છે. ખાસ કરીને કોઈ તીવ્ર આઘાતથી હૃદય ભાંગી પડે અને અસહ્ય સ્થિતિ થઈ જાય ત્યારે આવું થઈ શકે છે. પહેલાં બે માણસો એકબીજાની અત્યંત સમીપ આવે. આ સામીપ્ય હૃદયનું હોય છે. બંને એટલા નજીક આવે કે જાણે એક જ થઈ ગયા લાગે. પછી કોઈ વિસ્ફોટ જેવી ઘટનાથી બંને એકબીજાથી દૂર ફેંકાઈ જાય. એનો પ્રચંડ આઘાત લાગે. આ આઘાતથી જીવન તદ્દન નીરસ થઈ જાય.જીવનમાં તીવ્ર ખાલીપણું આવી જાય, જેને કારણે ડિપ્રેશન જેવી સ્થિતિ થઈ જાય. આવી સ્થિતિમાં માણસને કશું જ ન ગમે, ન કશું સારું લાગે. આ તીવ્ર આઘાતને કારણે કાં તો તે આત્મહત્યા 
તરફ વળી જાય અથવા પરમાત્મા તરફ વળી જાય. પરમાત્મા તરફ વળવાને કારણે તેને ઘર અને ઘરના માણસો સારાં ન લાગે. તે એકાંતને ચાહવા લાગે અને ઘરનો ત્યાગ કરી બેસે. જેમ કે મહારાજા ભર્તૃહરિ અને મહારાણી પિંગળા બંને એકબીજાની એટલાં બધાં નજીક આવ્યાં કે જાણે એક જ થઈ ગયાં. પ્રેમનું સામીપ્ય સર્વોચ્ચ સામીપ્ય છે. જોકે પિંગળા વાસનાપ્રધાન સ્ત્રી હતી. તે રાજાના પ્રેમને ન તો પરખી શકી, ન પચાવી શકી. તેની વાસનાભૂખે તેને ચંચળ બનાવી દીધી અને અશ્વપાળ જેવા સામાન્ય માણસ પર તે વારી ગઈ. ઘણા સમય સુધી આ નાટક ચાલતું રહ્યું. એક તરફ વિશુદ્ધ પ્રેમ હતો તો બીજી તરફ તીવ્ર વાસનાભૂખ હતી. અંતે આકસ્મિક રીતે જ આ પડદો હટી ગયો અને નાટકનું મુખ્ય પાત્ર પિંગળા એના ખરા રૂપમાં દેખાઈ ગયું. ભર્તૃહરિ માટે પિંગળા જીવનસર્વસ્વ હતી. તે તેના વાસ્તવિક રૂપને પચાવી કે સ્વીકારી ન શક્યા. તીવ્ર આઘાતમાં તેમણે રાજપાટ, ઘરબાર વગેરે બધું જ છોડી દીધું અને યોગીના રૂપમાં ભ્રમણ કરવા લાગ્યા. 


(આ લેખોમાં રજૂ થયેલાં મંતવ્યો લેખકનાં અંગત છે, ન્યુઝપેપરનાં નહીં.)


Whatsapp-channel Whatsapp-channel

26 September, 2022 05:12 PM IST | Mumbai | Swami Satchidananda

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK