રોજબરોજના વપરાશની કેટલીક ચીજવસ્તુઓ એવી છે જે માગવાની શાસ્ત્રોમાં ના પાડવામાં આવી છે અને ધારો કે એ બીજા પાસેથી માગવી જ પડે તો કેવી રીતે એ ઉધારી ચૂકવવી એનું સૂચન પણ શાસ્ત્રોમાં કરવામાં આવ્યું છે
માગીને કઈ વસ્તુ ક્યારેય ઘરે ન લાવવી?
સામાન્ય રીતે તો ઘરની ગૃહિણીનું ધ્યાન કિચનની દરેક આઇટમ પર હોય પણ ઘણી વખત મગજમાંથી એ નીકળી જાય અને એ ચીજ માટે પાડોશી પાસે હાથ લંબાવવો પડે કે પછી વાટકી-વ્યવહાર કરવો પડે. શાસ્ત્રોમાં અમુક ચીજવસ્તુનું સૂચન કરીને કહેવામાં આવ્યું છે કે જો શક્ય હોય તો અહીં દર્શાવી છે એ ચીજવસ્તુનો ક્યારેય વાટકી-વ્યવહાર કરવો નહીં. કારણ કે એના વાટકી-વ્યવહારની આડઅસર ઊભી થતી હોય છે.
અનિવાર્ય સંજોગોમાં ધારો કે અહીં દર્શાવી છે એ ચીજવસ્તુ કોઈની પાસે માગવી પણ પડે તો શું કરવું એનો ઉપાય પણ અહીં સૂચવવામાં આવ્યો છે.
ADVERTISEMENT
ક્યારેય ન માગો નમક
ક્યારેય વાટકી-વ્યવહારમાં નમક માગવું નહીં. નમક ઘરની આર્થિક અને માનસિક એનર્જી સાથે જોડાયેલું છે, જો એ માગીને લઈ આવવામાં આવે તો ઘરમાં અશાંતિ વધે છે અને ખર્ચમાં પણ આકસ્મિક વૃદ્ધિ થાય છે, જે પૈસો પરત નથી આવતો. જો ઘરમાં નમક ન હોય અને અંતિમ સમયે એની જાણ થાય તો એ લાવવાની વ્યવસ્થા કરવી જોઈએ પણ પાડોશી પાસે ક્યારે માગવું ન જોઈએ. હવે તો ઑનલાઇન ગ્રોસરી મગાવવાની સિસ્ટમ પણ વધી ગઈ છે ત્યારે ઑનલાઇન પણ એ મગાવી શકાય છે. આ બધી વાતો પછી પણ ધારો કે અનિવાર્ય સંજોગોમાં નમક કોઈની પાસેથી માગવું પડે તો નમકના નામે નહીં પણ ‘સબરસ’ના નામે માગવું અને એ ચપટીક નમકના બદલામાં ઓછામાં ઓછા પાંચ રૂપિયા ચૂકવી દેવા.
પૈસા ચૂકવ્યા પછી પણ માગેલું નમક ઘરમાં સૌથી પહેલાં મંદિરમાં મૂકી દેવું અને પાંચ મિનિટ પછી જ એનો વપરાશ કરવો.
ક્યારેય ન માગો દૂધ
દૂધ શુદ્ધતા અને શાંતિનું પ્રતીક છે. દૂધ માગવાથી માનસિક અસંતુલન આવે છે તો અચાનક જ અપજશ મળવાની ઘટના પણ ઘટી શકે છે એટલે ક્યારેય કોઈ પાસે દૂધ માગવું નહીં. ઘણી વખત બાજુમાં કે પછી ઉપર-નીચેના ફ્લોર પર જ કોઈ રિલેટિવ રહેતું હોય તો તેની પાસે પણ દૂધ કે પછી અહીં દર્શાવી છે એ ચીજવસ્તુનો વાટકી-વ્યવહાર કરવો નહીં. ધારો કે સવારના પહોરમાં ચા બનાવતી વખતે ખબર પડે કે દૂધ બગડી ગયું છે તો એવા સમયે દૂધ માગવાને બદલે પાડોશી પાસે ચાના એક કપની ફરમાઈશ મૂકવી જોઈએ, ચા અને શાસ્ત્રોને કોઈ સંબંધ નથી.
બાળકનો સમય સાચવવા માટે પાડોશી પાસેથી જો દૂધ માગવામાં આવે તો દૂધના બદલામાં આપી શકાય તો સામેવાળાને સાકર કે ખાંડ આપવી જોઈએ. તે લેવા તૈયાર ન થાય તો કોઈ પણ બહાનું ઊભું કરીને પણ આ વ્યવહાર પૂરો કરવો જોઈએ. સાકર પણ શુદ્ધતા અને શાંતિનું પ્રતીક છે અને દૂધ કરતાં વધારે માત્રામાં એ આ બન્ને એનર્જી ધરાવે છે, દૂધના બદલામાં સાકર આપવાનો અર્થ થાય છે કે તમે સામેવાળા પર ઉધારી વધારી રહ્યા છો.
ક્યારેય ન માગો પાણી
સામાન્ય રીતે નવા-નવા રહેવા જતા હોય છે એ લોકો પાડોશી સાથે પાણી-વ્યવહાર કરી બેસતા હોય છે પણ એવું ન કરવું જોઈએ. પાણી એકમાત્ર એવું તત્ત્વ છે જેની પાસે પોતાની અદ્ભુત યાદશક્તિ છે. માગીને લીધેલું પાણી પોતાની સાથે એ ઘરની એનર્જી લાવે છે. આ પાણી ગ્રહણ કરનારી વ્યક્તિની એનર્જી સાથે એ જ્યારે ભળે છે ત્યારે કોઈ નવી જ ઊર્જા ઊભી કરે છે, જેના માટે તે વ્યક્તિ તૈયાર નથી.
પાણી માગવું પડે એવી સામાન્ય રીતે નોબત નથી આવતી પણ ધારો કે એવું બને તો પાણી પીતાં પહેલાં ઇષ્ટદેવને યાદ કરી, તેનો મંત્રજાપ અને જો એ ન આવડતો હોય તો ઓમકારનું સ્મરણ કરી એ પાણી પીવું જોઈએ.
ક્યારેય ન માગો દહીં
તમને ખબર હશે કે દહીંનો ઉપયોગ શુભ કાર્યોમાં થાય છે કારણ કે દહીંમાં ભારોભાર પોઝિટિવ એનર્જી છે. આ જ કારણ છે કે સારા કામે જતી વ્યક્તિને પણ એક ચમચી દહીં ખવડાવી શુકન કરવામાં આવે છે. દહીં ક્યારેય માગવું નહીં. ઉધાર લીધેલું દહીં સીધું ભાગ્ય પર આડઅસર દેખાડે છે. દહીં બનાવવા માટે પણ પાડોશી પાસે દહીંની બે ચમચી માગવી નહીં, એના કરતાં બજારમાંથી દહીં મગાવી લેવું.
બજારમાંથી મગાવવામાં આવેલા દહીં સામે તમે કિંમત ચૂકવો છો એટલે જો તમને એમ હોય કે દહીં માગીને એની કિંમત ચૂકવી દેવામાં આવે તો ચાલે. પણ ના, એવું નથી. બજારમાં બનતું દહીં અંગત ઉપયોગ માટે નથી બનતું, જ્યારે અન્યના ઘરમાં બનેલું દહીં અંગત વપરાશ માટે હોય છે એટલે એની સાથે એ પરિવારની એનર્જી જોડાયેલી છે એટલે પ્રયાસ કરવો કે દહીં ક્યારેય કોઈ પાસે માગવું નહીં.


