જ્યારે અનુમોદના જેની પણ થાય છે, મનમાં તેના પ્રત્યે અહોભાવ જરૂર જાગે છે
ધર્મલાભ
પ્રતીકાત્મક તસવીર
મનની બે ખાસિયતો સમજવા જેવી છે. પુણ્યના ક્ષેત્રે જેઓ પોતાનાથી આગળ હોય છે, મન એની ઈર્ષ્યા કરતું રહે છે અને ધર્મના ક્ષેત્રે જેઓ પોતાનાથી આગળ હોય છે, મન એની અનુમોદના કરતું રહે છે. BMW ગાડીવાળા અમીરની ઈર્ષ્યા અને ખુલ્લા પગે વિહાર કરી રહેલા મુનિવરની અનુમોદના! શું ફરક પડે આ ઈર્ષ્યાની અને અનુમોદનાની વૃત્તિમાં? ઈર્ષ્યા જેની પણ થાય છે એના જેવા બની જવા મન પ્રચંડ પુરુષાર્થ કરવા તૈયાર થઈ જાય છે, જ્યારે અનુમોદના જેની પણ થાય છે, મનમાં તેના પ્રત્યે અહોભાવ જરૂર જાગે છે, પણ તેના જેવા બની જવાની બાબતમાં મન પ્રાયઃ ઉદાસીન રહે છે.
અલબત્ત, આ વાત પ્રાકૃત લોકોને લાગુ પડે છે. પણ જેઓ કર્મ-ધર્મના ગણિતને બરાબર સમજી ચૂક્યા છે તેઓ પુણ્યવાનની ઈર્ષ્યા તો નથી કરતા, પણ તેમના સુખ પ્રત્યે તેઓ ઉદાસ રહેતા હોય છે અને તેમને મળેલા સુખ પાછળ રહેલા ધર્મતત્ત્વનાં દર્શને ધર્મ પ્રત્યે મજબૂત શ્રદ્ધાવાળા બની જતા હોય છે અને ધર્મક્ષેત્રે જેઓ પુરુષાર્થ કરીને આગળ ધપી રહ્યા હોય છે તેમની તેઓ ઈર્ષ્યા તો નથી કરતા, પણ સક્રિય અનુમોદના કરતા હોય છે. કોઈકના કરોડના દાનની અનુમોદના ૧૦૦ રૂપિયાના દાનથી. કોઈકના આજીવન બ્રહ્મચર્યના પરાક્રમની અનુમોદના પાંચ તિથિના બ્રહ્મચર્યથી. કોઈકની ભીષ્મતપશ્ચર્યાની અનુમોદના શક્ય તપ અને ત્યાગથી.
ADVERTISEMENT
ગયા ચાતુર્માસ દરમ્યાન યુવાન વયનાં છછ્છ સાધ્વીજી ભગવંતોએ માસખમણની તપશ્ચર્યા આદરી. રોજેરોજ પોતાના મકાનથી પ્રવચનસ્થળે જવા-આવવાનું અડધો કિલોમીટર જેટલું અંતર પ્રસન્નતાથી તેઓને કાપતાં જોઈને એક બહેનની આંખમાંથી સતત આંસુ ચાલ્યાં જાય. માસખમણનાં તપસ્વી એ સાધ્વીજી ભગવંતોના લગભગ ૨૭મા ઉપવાસે એ બહેન મારી પાસે આવ્યાં અને તેમણે મારી પાસે અભિગ્રહ માગ્યો છે.
‘સાધ્વીજી ભગવંતોએ આદરેલા આ તપને મારા જીવનમાં અમલી બનાવવો મારા માટે સર્વથા અશક્ય છે છતાં એ સૌની અનુમોદનાર્થે મેં એક સંકલ્પ કરી લીધો છે. આજીવન એક પણ નવી સાડી ખરીદવી નહીં કે વસાવવાની નહીં. આપ અભિગ્રહ આપી દો!’ ૫૫-૬૦ની વયનાં એ બહેનની આંખોમાં સ્પષ્ટતા નહોતી એટલે મેં પૂછ્યું, ‘અભિગ્રહ લીધા પછી જે બચત થશે એનું શું કરશો?’
‘એ જે બચત થશે એને બમણી કરીને હું એ રકમ જીવદયા માટે ખર્ચીશ. હું બચતનો એ પૈસો ઘરમાં નહીં રાખું.’ અભિગ્રહ લેતી વખતે આંખોમાંથી વહેતાં હર્ષાશ્રુનાં દર્શને મનેય ગદ્ગદ બનાવી દીધો.