જો જન્મની રાશિ જુદી હોય અને નામ અન્ય કોઈ રાશિ પરથી પાડવામાં આવ્યું હોય તો બન્ને રાશિના અવગુણો વ્યક્તિમાં જોવા મળે છે અને એ પણ તીવ્રતા સાથે
પ્રતીકાત્મક તસવીર
આપણે વાત કરીએ છીએ રાશિઓની સાથે આવતા એના અવગુણોની અને એ અવગુણો દૂર કરવાના ઉપાયોની. ત્રણ અઠવાડિયાંથી ચાલતી આ વાતમાં હવે માત્ર ત્રણ જ રાશિ બાકી રહે છે, જે છે મકર, કુંભ અને મીન રાશિ. જોકે એ રાશિની વાત કરતાં પહેલાં કેટલાક મિત્રો દ્વારા પૂછવામાં આવેલા સવાલનો જવાબ આપવાનો.
કેટલાક વાચકોનું પૂછવું છે કે નામ મુજબ રાશિ કોઈ જુદી હોય અને નામ અન્ય રાશિનું પાડવામાં આવ્યું હોય તો એવા સંજોગોમાં કેવું પરિણામ આવે?
જો હોય એના કરતાં અન્ય કોઈ રાશિ પરથી નામ રાખવામાં આવ્યું હોય તો જેમ બન્ને રાશિના ફળદાયી ગુણો તે વ્યક્તિને અસર કરે એવી જ રીતે બન્ને રાશિના અવગુણો પણ તે વ્યક્તિમાં આવતા હોય છે. અફસોસની વાત એ છે કે જ્યારે બે રાશિ ધરાવતી વ્યક્તિ હોય ત્યારે તે વ્યક્તિમાં અવગુણ વધારે તીવ્ર રીતે અસર કરે છે. કહી શકાય કે અવગુણ સપાટી પર રહે છે અને ગુણ નીચેના સ્તર પર પડ્યા રહે છે. આવું ન થાય એ માટે શું કરવું એની ચર્ચા બહુ લાંબી છે એટલે આપણે એ વિશે ફરી ક્યારેક વાત કરીશું, પણ હવે આપણે વાત કરીએ મકર રાશિમાં જન્મજાત આવતા અવગુણોની.
નાની વાતોમાં પણ અટવાયેલા રહેવું |
ખ અને જ મૂળાક્ષરથી શરૂ થતાં નામ એટલે કે મકર રાશિના જાતકનો આ સૌથી મોટામાં મોટો અવગુણ છે. તેમનું કામ ક્યારેય પૂરું જ નથી થતું, જેની પાછળનું કારણ છે કે તેઓ નાની-નાની વાતોમાં પણ અટવાયેલા રહે છે. આ ઉપરાંત આ રાશિના જાતકમાં જન્મજાતપણે આવતો બીજો અવગુણ એ છે કે તેઓ સતત એવું ધારતા રહે છે કે તેમની કિંમત નથી થતી. હકીકતમાં એવું હોતું નથી, પણ મળે એના કરતાં અનેકગણું વધારે મળવું જોઈએ એવી તેમની અપેક્ષા જ તેમને દુઃખી કરે છે અને આ પ્રક્રિયા એકધારી ચાલુ રહે છે, જેને લીધે તેઓ ખુશ થવાની કે પછી સુખી રહેવાની પળો મેળવી નથી શકતા.
નક્ષત્ર દેવતાની માળા કરવી તેમના માટે હિતાવહ છે તો સાથોસાથ તેમણે કૃતજ્ઞતા દર્શાવતા રહેવું પણ બહુ જરૂરી છે. જે મળે છે એ ઈશ્વરના આશીર્વાદ છે એવું માનવું તેમના માટે ખૂબ જ લાભદાયી પુરવાર થઈ શકે છે. દિવસની શરૂઆત ઈશ્વર પાસે કૃતજ્ઞતા વ્યક્ત કરીને કરવી અને દિવસનો અંત પણ એ જ રીતે કરવાથી તેમને રાશિ દ્વારા મળનારા અવગુણોની તીવ્રતા ઘટી શકે છે.
ADVERTISEMENT
મનમાં બધું ભરી રાખીને દુઃખી થવું | કુંભ રાશિના જાતકનો આ સ્વભાવ છે, જે ખરા અર્થમાં અવગુણ છે. તેઓ ક્યારેય પોતાની વાત કોઈની સાથે શૅર કરશે નહીં. રાજી થવા જેવી વાત શૅર કરવામાં તેમને જેટલો ખચકાટ નથી થતો એટલો સંકોચ તેમને દુઃખ શૅર કરવામાં થાય છે. વ્યવહારુ રીતે આ સારો ગુણ હોઈ શકે, પણ રાશિમય અવગુણ એવા આ સ્વભાવને લીધે તેઓ ધીમે-ધીમે એકલતાનો અનુભવ કરવા લાગે છે. આ અવગુણ સાઇકોલૉજિકલી પણ તેમને ડિસ્ટર્બ કરે છે અને એક સમયે તેમને દુનિયા સ્વાર્થી હોવાનું લાગવા માંડે છે.
વાત કરવાની માનસિકતા કેળવવી જોઈએ અને જો કુંભ રાશિના જાતક એવું ન કરી શકે તો તેમણે ડાયરી લખવાનું શરૂ કરીને જાતને એમાં હળવી કરવી જોઈએ. આ ઉપરાંત શાસ્ત્રોક્ત રીતે આ અવગુણ દૂર કરવા ઇચ્છતા હોય તેમણે નિયમિત વિઘ્નહર્તાની પૂજા શરૂ કરવી જોઈએ.
ફૂટે જાણે કે ઍટમબૉમ્બ | અંતિમ રાશિ એવી મીન રાશિના જાતક બધું મનમાં સંઘરી રાખશે અને પછી એકાએક તેઓ એવી રીતે ફૂટશે કે જાણે કોઈએ સામેવાળાના પગ પાસે ઍટમબૉમ્બ ફોડ્યો હોય. એ જ્યારે ફૂટે છે ત્યારે વાત સાવ નાની હોય છે એટલે સામેવાળાને એવું પણ લાગી શકે કે આવડી અમસ્તી વાતમાં આટલો આક્રોશ દેખાડવો જરૂરી નહોતો, પણ કહ્યું એમ ઘણી વાતો અગાઉથી તેમના મનમાં સંઘરાયેલી હોય છે. નકારાત્મક વાતોને મનમાં સંગ્રહ કરવાના આ અવગુણને દૂર કરવા માટે નિયમિત મેડિટેશન કરવામાં આવે એ મીન રાશિના જાતક માટે હિતાવહ છે તો સાથોસાથ મનમાં રહેલી નકારાત્મકતા ખરાબ રીતે બહાર ન આવે એ માટે દર શનિવારે નિયમિત હનુમાનજીના મંદિરે જઈ દર્શન કરવાં જોઈએ અને ઉપવાસ કે એકટાણું કરવું જોઈએ.


