આ શોને સંદીપ મોદી અને પ્રિયંકા ઘોષે ડિરેકટ કર્યો છે.
અનિલ કપૂર ‘ધ નાઇટ મૅનેજર’માં દમદાર સમાજસેવકના રોલમાં જોવા મળશે
ડિઝની+હૉટસ્ટાર પર ટૂંક સમયમાં રિલીઝ થનાર શો ‘ધ નાઇટ મૅનેજર’માં પાવરફુલ સમાજસેવકના રોલમાં અનિલ કપૂર દેખાશે. તેની સાથે આદિત્ય રૉય કપૂર, સોભિતા ધુલિપાલા, તિલોત્તમા શોમ, સાસ્વત ચૅટરજી અને રયવ બહલ પણ લીડ રોલમાં જોવા મળશે. આ શોને સંદીપ મોદી અને પ્રિયંકા ઘોષે ડિરેકટ કર્યો છે. પોતાના પાત્ર વિશે અનિલ કપૂરે કહ્યું કે ‘મને હંમેશાંથી અલગ કન્ટેન્ટ અને કૅરૅક્ટર્સ પર કામ કરવું ગમે છે. મેં જ્યારે પહેલી વખત સ્ક્રિપ્ટ વાંચી ત્યારથી જ હું શેલી રુંગટાના પાત્રના પ્રેમમાં પડ્યો હતો. શેલી પાવરફુલ, સમાજસેવક, રમૂજી અને ક્રૂર પણ જોવા મળશે. શોમાં મનોરંજન અને ગ્રેટ સ્ટોરી પણ જોવા મળશે. ઇન્ડસ્ટ્રીના ઉત્કૃષ્ટ કલાકારો સાથે કામ કરવાને મેં ખૂબ એન્જૉય કર્યું છે.’
બીજી તરફ આ શોમાં શાનના રોલમાં આદિત્ય જોવા મળશે. પોતાના રોલ વિશે આદિત્ય રૉય કપૂરે કહ્યું કે ‘હું હંમેશાંથી જટિલ સિરીઝમાં મલ્ટિ-લેયર્ડ પાત્ર ભજવવા માગતો હતો. એવામાં જ્યારે પ્લૅટફૉર્મે મને ‘ધ નાઇટ મૅનેજર’માં ટાઇટલ રોલ માટે અપ્રોચ કર્યો તો મને એહસાસ થયો કે હું આવા જ રોલની શોધ કરી રહ્યો હતો. મારું પાત્ર શાન એક એવો માણસ છે કે જેના પર હંમેશાં લોકો વિશ્વાસ કરી બેસે છે અને અમે કલાકારો પણ પોતાની ઍક્ટિંગ દ્વારા લોકોને વિશ્વાસમાં લઈએ છીએ. મને એ વાતની ખુશી છે કે ડિઝની+હૉટસ્ટાર અને સંદીપ મોદીએ મને આ પાત્ર ભજવવાની તક આપી. આ શોને ભારત અને વિશ્વના લોકોને દેખાડવા માટે આતુર છું.’

