ફિલ્મમેકર ફ્રેન્ડ અયાન મુખરજીના પિતાના અવસાનને પગલે રણબીર કપૂર અલીબાગની ટ્રિપ ટૂંકાવીને તાબડતોબ મુંબઈ પરત ફર્યો
ફિલ્મમેકર અયાન મુખરજીના પિતા અને ઍક્ટર દેબ મુખરજીનું ગઈ કાલે ૮૩ વર્ષની ઉંમરે વધતી વયને કારણે થયેલી બીમારીઓને પગલે મુંબઈમાં અવસાન થયું હતું અને શુક્રવારે સાંજે જ મુંબઈમાં તેમના અંતિમ સંસ્કાર જુહુના પવનહંસ સ્મશાનગૃહમાં કરવામાં આવ્યા હતા. દેબ મુખરજીનો જન્મ ૧૯૪૧માં કાનપુરમાં થયો હતો. તેઓ શરૂઆતથી જ ફિલ્મી પરિવાર સાથે સંકળાયેલા હતા. દેબ મુખરજીના ભાઈ જૉય મુખરજી ઍક્ટર હતા અને શોમુ મુખરજી ફિલ્મ-ડિરેક્ટર હતા.
દેબ મુખરજી ફિલ્મ-ડિરેક્ટર અયાન મુખરજીના પિતા અને ફિલ્મમેકર આશુતોષ ગોવારીકરના સસરા હતા. દેબ મુખરજીનાં પહેલાં લગ્નથી તેમને સુનીતા નામની દીકરી હતી જેણે આશુતોષ ગોવારીકર સાથે લગ્ન કર્યાં છે. દેબ મુખરજી કાજોલ અને રાની મુખરજીના કાકા હતા.
દેબ મુખરજીનો પરિવાર બૉલીવુડ સાથે સંકળાયેલો છે જેને કારણે તેમના અંતિમ સંસ્કારમાં અનેક સેલિબ્રિટીઓએ હાજરી આપી હતી. અયાન મુખરજીનો ખાસ મિત્ર રણબીર કપૂર પત્ની આલિયા ભટ્ટની આજની બત્રીસમી ૩૨મી વર્ષગાંઠ સેલિબ્રેટ કરવા માટે અલીબાગ ગયો હતો, પરંતુ તે પણ આ ટ્રિપ ટૂંકાવીને તરત જ મુંબઈ પરત ફર્યો હતો. રણબીરે અંતિમ સંસ્કારમાં દેબ મુખરજીના પાર્થિવ શરીરને ખભે ઊંચકીને અંતિમ યાત્રામાં ભાગ લીધો હતો.
16 March, 2025 07:12 IST | Mumbai | Gujarati Mid-day Correspondent