ઘનશ્યામ નાયકની અંતિમ ઇચ્છા હતી કે તેઓ જાય ત્યારે તેમના ચહેરા પર એ જ મેકઅપ હોય જેના આધારે તેઓ જિંદગી જીવ્યા
ઘનશ્યામ નાયક
‘તારક મેહતા કા ઉલ્ટા ચશ્મા’ના નટુકાકા એટલે કે ઘનશ્યામ નાયકે ગઈ કાલે સાંજે અંતિમ શ્વાસ લીધા હતા. ૭૬ વર્ષના ઘનશ્યામભાઈ છેલ્લા દોઢ વર્ષથી કૅન્સર સામે ફાઇટ આપતા હતા. ઘનશ્યામભાઈના દીકરા વિકાસ નાયકે કહ્યું હતું કે ‘અંતિમ સમયે તેમણે અત્યંત શાંતચિત્તે જીવનો ત્યાગ કર્યો. તેમના ચહેરા પર પરમ શાંતિ હતી અને કોઈ જાતની પીડા દેખાતી નહોતી.’
ગુજરાતથી સગાંસંબંધીઓ આવવાનાં હોવાથી ઘનશ્યામભાઈના અંતિમ સંસ્કાર સવારે સાડાઆઠ વાગ્યે કરવાનું નક્કી કરવામાં આવ્યું હતું. ઘનશ્યામ નાયકે તેમના જન્મદિવસના આગલા દિવસે ‘મિડ-ડે’ સાથેની વાતચીતમાં કહ્યું હતું કે ‘મારી ઇચ્છા છે કે મને અંતિમ વિદાય મેકઅપમાં આપવામાં આવે.’ વિકાસ નાયકે પિતાની આ અંતિમ ઇચ્છા પૂરી કરવાની તૈયારી દર્શાવતાં ગઈ કાલે રવિવારે કહ્યું કે ‘પપ્પાની આ અંતિમ ઇચ્છા મુજબ મેકઅપ સાથે અમે તેમને વિદાય આપીશું. પપ્પાની રંગલાની ટોપી પણ અમારી પાસે છે. અંતિમયાત્રા પહેલાં એ ટોપી પપ્પાના શિર પર આવશે અને એ પછી અમે એ જિંદગીભરની યાદ તરીકે અમારી પાસે રાખીશું અને કલાક્ષેત્રને આગળ વધારવા માટે અમારાથી જેકંઈ શક્ય બનશે એ બધું કરીશું.’
ADVERTISEMENT
દિલીપકુમારથી માંડીને રાજેશ ખન્ના અને કાન્તિા મડિયાથી માંડીને અરવિંદ જોષી સુધીના ઍક્ટરોના અવસાન પછી પણ આ પ્રકારે તેમને મેકઅપ સાથે વિદાય આપવામાં નથી આવી. કદાચ ગુજરાતી કલાક્ષેત્રે આ પહેલી વાર બની રહ્યું છે જેમાં એક કલાકારને તેમનો પરિવાર મેકઅપ સાથે રવાના કરે છે. આજે મેકઅપ-આર્ટિસ્ટ આવીને નટુકાકાના પાર્થિવ શરીરને મેકઅપ કરીને તૈયાર કરશે અને ત્યાર બાદ તેમને અંતિમવિધિ માટે લઈ જવાશે. વિકાસ નાયકે કહ્યું કે ‘પપ્પાએ તેમનું નાનપણ અને યુવાનીથી માંડીને તમામ જીવનાશ્રમ કલાક્ષેત્રને સમર્પિત કર્યા તો સ્વાભાવિક રીતે આ વિદાય તેમને માટે શ્રેષ્ઠ વિદાય છે.’
ઘનશ્યામભાઈ પર્યાવરણની બાબતમાં પણ બહુ સજાગ હતા. તેમની આ વાતને ધ્યાનમાં રાખીને જ પરિવારે નક્કી કર્યું કે તેમના અંતિમ સંસ્કાર ઇલેક્ટ્રિમક સ્મશાનગૃહમાં કરવામાં આવશે અને એને માટે તેમના પાર્થિવ દેહને મલાડથી કાંદિવલીની દહાણુકરવાડી લઈ જવામાં આવશે.
કલાક્ષેત્રે સાત પેઢી
ઘનશ્યામ નાયક જ નહીં, તેમની અગાઉની ૬ પેઢી કલાક્ષેત્રે કાર્યરત રહી છે. વડદાદા પંડિત શિવરામ જાણીતા સંગીતકાર જય-કિશનના ગુરુ, તો દાદા કેશવલાલ નાયક અને પિતાજી પ્રભાશંકર (રંગલાલ) નાયકે ભવાઈક્ષેત્રે જબરદસ્ત કાર્ય કર્યું હતું. દાદા અને પિેતાજી પાસેથી લોહીમાં જ કળા મેળવનાર ઘનશ્યામ નાયકે પુષ્કળ સંઘર્ષ કર્યો હતો. જોકે તેઓ પોતાના સંઘર્ષને પણ ગર્વથી વર્ણવતા અને કહેતા કે ‘જ્યાં સરસ્વતી હોય ત્યાં લક્ષ્મી ઝડપથી આવતી નહીં અને મારી સાથે પણ એવું જ થયું હતું, પણ મને ખુશી એ વાતની છે કે સરસ્વતીએ મારો હાથ ઝાલી રાખ્યો હતો.’
ઘનશ્યામભાઈએ માત્ર ૮ વર્ષની ઉંમરે પહેલી વાર સ્ત્રીનાં કપડાંમાં ભવાઈ કરવાનું શરૂ કર્યું હતું અને પછી ક્યારેય પાછું ફરીને જોયું નહોતું. ૧૯૬૦માં આવેલી ‘માસૂમ’માં ‘નાની તેરી મોરની...’ ગીતમાં ઘણા ચાઇલ્ડ આર્ટિસ્ટ હતા, જેમાં એક ઘનશ્યામભાઈ પણ હતા. આમ નાની ઉંમરે જ ફિલ્મોમાં આવવા માંડેલા ઘનશ્યામભાઈને ક્યારેય કોઈ વાતનો રંજ કે કોઈ વાતનું ઘમંડ રહ્યું નથી. ઘનશ્યામ નાયકે સંજય લીલા ભણસાલીની ‘હમ દિલ દે ચુકે સનમ’માં પણ કામ કર્યું અને સલમાન ખાન, ઐશ્વર્યા રાય સાથે એ ફિકલ્મનું શૂટિંગ કરતાં-કરતાં તેમણે ૫૦૦ રૂપિયામાં માતાજીના મંદિરના ફાળા માટે ભવાઈ પણ કરી. ગર્વની વાત એ છે કે ૫૦૦ રૂપિયાનો લીધેલો ચાર્જ ભવાઈ પૂરી થયા પછી એ જ મંદિરના ફાળામાં તેઓ લખાવી દેતા. ઘનશ્યામ નાયક કહેતા, ‘લક્ષ્મીને પકડવા જાઓ તો તે દૂર ભાગે, પણ જો તેને છૂટી મૂકી દો તો તે તમને શોધતી આવે.’
૨૫૦થી વધારે ગુજરાતી-હિન્દી ફિલ્મો, ૩૦૦થી વધારે હિન્દી સિરિયલ, ૧૫૦ જેટલી ગુજરાતી સિરિયલ, ૧૦૦ જેટલાં નાટકો અને ૨૫૦થી વધારે નૃત્યનાટિકામાં કામ કરવાની દીર્ઘ કારકિર્દી ધરાવનારા ઘનશ્યામ નાયકને દાદાસાહેબ ફાળકે સહિત ૧૦૦થી વધારે નામાંકિત અવૉર્ડથી સન્માનિત કરવામાં આવ્યા હતા.

