એક મહિનાથી કામ શોધી રહ્યો છે તારક મેહતા...નો સોઢી
ગુરુચરણ સિંહ
‘તારક મેહતા કા ઉલ્ટા ચશ્મા’નો ઝિંદાદિલ રોશન સિંહ સોઢી એટલે કે ગુરુચરણ સિંહ કામની શોધમાં મુંબઈમાં એક મહિનાથી રોકાયો છે. તેના પર ૧.૨ કરોડ રૂપિયાનું દેવું છે. જોકે તેના ઉદાર મિત્રો તેને મદદ કરી રહ્યા છે. એપ્રિલમાં તે ઘર છોડીને ચાલ્યો ગયો હતો અને વિવિધ ગુરુદ્વારામાં માથું નમાવ્યા બાદ પચીસ દિવસ બાદ પાછો ફર્યો હતો. હવે પોતાની તકલીફ વ્યક્ત કરતાં ગુરુચરણ સિંહ કહે છે, ‘હું કામની શોધમાં એક મહિનાથી મુંબઈમાં છું. મને લાગે છે કે લોકો મને પ્રેમ કરે છે અને મને કામ કરતો જોવા પણ માગે છે. મારા ખર્ચાઓ પૂરા કરવા માટે, મારા પેરન્ટ્સની કાળજી લેવા માટે અને દેવું ચૂકવવા માટે મારે પૈસા રળવા છે. હું સારું કામ કરીને મારી સેકન્ડ ઇનિંગ્સની શરૂઆત કરવા માગું છું. મારા EMI અને ક્રેડિટ કાર્ડનાં પેમેન્ટ્સ આપવાનાં છે. મારે પૈસા ઉધાર માગવા પડે છે અને એવા અનેક ઉદાર લોકો છે જે મને મદદ કરે છે. છેલ્લા ૩૪ દિવસથી મેં ફૂડ છોડી દીધું છે. મેં લિક્વિડ ડાયટ જેમ કે દૂધ, ચા અને નાળિયેરપાણી લેવાનું શરૂ કર્યું છે. છેલ્લાં ચાર વર્ષમાં મેં માત્ર નિષ્ફળતા જ જોઈ છે. હવે હું થાકી ગયો છું અને મને પણ આવક જોઈએ છે.’
તેને પૂછવામાં આવ્યું કે શું કરજ ચૂકવવું પડે એથી તું ગાયબ થયો હતો? તો ગુરુચરણ સિંહ કહે છે, ‘હું કરજ ચૂકવવામાં અસમર્થ છું એટલે ગાયબ નહોતો થયો. દેવું તો મારા પર આજે પણ છે. નીયત મેરી અચ્છી હૈ ઔર ઉધાર લેકર અભી તક મૈં ક્રેડિટ કાર્ડ ઔર EMI કી પેમેન્ટ કર રહા હૂં.’